જો તમે તમારા માટે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ઘણીવાર મનમાં પ્રશ્ન થાય છે કે કયા ફીચર્સ સૌથી વધુ જરૂરી છે. આજકાલ કારમાં અનેક હાઈટેક સુવિધાઓ મળે છે, પરંતુ પ્રથમ વખત કાર ખરીદનારાઓ માટે ESP, ઈમોબિલાઈઝર અને ADAS જેવા શબ્દો સમજવા મુશ્કેલ બની જાય છે. કાર ખરીદતી વખતે માત્ર લૂક કે બ્રાન્ડ જ નહીં, પરંતુ નીચેના 5 મુખ્ય ફીચર્સ ખાસ તપાસવા જોઈએ.
ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP)
ESP એ સુરક્ષા માટેનું સૌથી મહત્વનું ફીચર છે. જ્યારે તમે અચાનક બ્રેક મારો છો અથવા કાર લપસવા લાગે છે, ત્યારે ESP દરેક વ્હીલની સ્પીડ માપે છે અને ABS સાથે મળીને કાર પર નિયંત્રણ જાળવી રાખે છે. આનાથી અકસ્માતનો ખતરો ઘણો ઓછો થઈ જાય છે.
રિયર પેસેન્જર સેફ્ટી (હેડ રેસ્ટ અને સીટ બેલ્ટ)
માત્ર ડ્રાઈવર જ નહીં, પાછળ બેઠેલા મુસાફરોની સુરક્ષા પણ એટલી જ જરૂરી છે. કારમાં પાછળની સીટ પર એડજસ્ટેબલ હેડ રેસ્ટ અને થ્રી-પોઈન્ટ સીટ બેલ્ટ હોવા જોઈએ. તે ઝટકા કે ટક્કર સમયે મુસાફરોના માથા અને શરીરને સુરક્ષિત રાખે છે.
પાવર સ્ટીયરિંગ
પાવર સ્ટીયરિંગ ડ્રાઈવિંગને વધુ આરામદાયક બનાવે છે. ખાસ કરીને ઈલેક્ટ્રોનિક પાવર સ્ટીયરિંગ (EPS) વાળી કાર ચલાવવી ખૂબ જ હળવી અને સરળ હોય છે, જેનાથી લાંબી મુસાફરી અથવા ટ્રાફિકમાં ડ્રાઈવરને થાક લાગતો નથી.
એન્જિન ઈમોબિલાઈઝર અને સેન્ટ્રલ લોકિંગ
ચોરી અટકાવવા માટે ઈન્જિન ઈમોબિલાઈઝર ખૂબ જ જરૂરી છે, કારણ કે તે અનધિકૃત વ્યક્તિને કાર સ્ટાર્ટ કરતા અટકાવે છે. જ્યારે સેન્ટ્રલ લોકિંગ દ્વારા એકસાથે બધા દરવાજા લોક કરી શકાય છે, જેથી કોઈ દરવાજો ભૂલથી ખુલ્લો રહી જવાની શક્યતા રહેતી નથી.
ફોગ લાઈટ્સ
ભારતમાં શિયાળામાં ધુમ્મસ અને ચોમાસામાં ભારે વરસાદ સામાન્ય છે. આવા સમયે સામાન્ય હેડલાઈટ્સ પૂરતી હોતી નથી. ફોગ લાઈટ્સ રસ્તા પર વિઝિબિલિટી વધારે છે અને સુરક્ષિત ડ્રાઈવિંગમાં મદદ કરે છે. નવી કાર લેતી વખતે આ પાયાની સુવિધાઓ તમારો ડ્રાઈવિંગ અનુભવ તો સુધારશે જ, સાથે સાથે તમને અને તમારા પરિવારને સુરક્ષિત પણ રાખશે.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો