ભારતીય ટુ-વ્હીલર માર્કેટમાં ઈલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે, ત્યારે ઓલા ઈલેક્ટ્રિકે સ્પર્ધક કંપનીઓની ચિંતામાં વધારો કરતા પોતાનું નવું વેરિઅન્ટ S1 X+ 5.2 kWh બજારમાં ઉતાર્યું છે. આ સ્કૂટરની સૌથી આકર્ષક બાબત તેની કિંમત અને રેન્જનું સંતુલન છે. કંપનીએ આ મોડલને રૂ.1,29,999ની પ્રારંભિક કિંમતે રજૂ કર્યું છે.


ગ્રાહકો માટે નોંધવા જેવી બાબત

જોકે, ગ્રાહકો માટે નોંધવા જેવી બાબત એ છે કે આ ખાસ કિંમત માત્ર 15 એપ્રિલ સુધી જ ઉપલબ્ધ રહેશે, ત્યારબાદ કંપની ભાવમાં વધારો કરી શકે છે. આ લોન્ચિંગ સાથે ઓલાનો સીધો મુકાબલો હવે માર્કેટમાં સ્થાપિત TVS iQube અને બજાજ ચેતક જેવા મોડલ્સ સાથે થશે.

પાવરફુલ પર્ફોર્મન્સ અને અત્યાધુનિક ટેકનોલોજી

નવા S1 X+ 5.2 kWh મોડલમાં ટેકનોલોજી અને પાવરનું શાનદાર મિશ્રણ જોવા મળે છે. આ સ્કૂટરમાં 11 kWની મિડ-ડ્રાઈવ મોટર આપવામાં આવી છે, જે તેને રસ્તા પર વધુ ક્ષમતા પ્રદાન કરે છે. રેન્જની બાબતમાં આ સ્કૂટર માઇલસ્ટોન સાબિત થઈ શકે છે, કારણ કે તે સિંગલ ચાર્જ પર 320 કિમી (IDC)ની લાંબી મુસાફરી કરવાની ક્ષમતા ધરાવે છે.

જાણો આ ઈ-સ્કૂટરની ટોપ સ્પીડ

આ સિવાય, તેની ટોપ સ્પીડ 125 કિમી/કલાકની છે, જે તેને શહેરી અને હાઈવે ડ્રાઈવિંગ બંને માટે અનુકૂળ બનાવે છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને કંપનીએ આમાં 'બ્રેક-બાય-વાયર' સિસ્ટમ અને ફ્રન્ટ ડિસ્ક બ્રેક આપી છે, જેથી હાઈ સ્પીડ પર પણ વાહનનું નિયંત્રણ જળવાઈ રહે.

સ્વદેશી '4680 ભારત સેલ' દ્વારા ખર્ચમાં ઘટાડો

ઓલાની આ સફળતા પાછળ તેની સ્વદેશી બેટરી ટેકનોલોજીનો મોટો ફાળો છે. કંપનીએ આ મોડલમાં પોતાની રીતે વિકસાવેલા 4680 ભારત સેલ (4680 Bharat Cell)નો ઉપયોગ કર્યો છે. સામાન્ય રીતે આ પ્રકારની અદ્યતન ટેકનોલોજી માત્ર મોંઘા અને પ્રીમિયમ સ્કૂટર્સમાં જ જોવા મળતી હતી, પરંતુ ઓલાએ તેને સામાન્ય જનતા માટે ઉપલબ્ધ કરાવી છે. બેટરી સેલથી લઈને એસેમ્બલી સુધીનું તમામ કામ ઇન-હાઉસ થતું હોવાથી ઉત્પાદન ખર્ચમાં મોટો ઘટાડો થયો છે, જેનો સીધો લાભ ગ્રાહકોને ઓછી કિંમત સ્વરૂપે મળી રહ્યો છે.

વિસ્તરતો પોર્ટફોલિયો અને ભાવિ આયોજન

નવા વેરિઅન્ટના ઉમેરા સાથે ઓલા ઇલેક્ટ્રિકનો પોર્ટફોલિયો હવે વધુ મજબૂત બન્યો છે. કંપની પાસે પહેલેથી જ Gen 3 S1 રેન્જમાં S1 Pro અને S1 Pro+ જેવા પ્રીમિયમ મોડલ્સ ઉપલબ્ધ છે. માત્ર સ્કૂટર જ નહીં, ઓલા હવે મોટરસાઇકલ સેગમેન્ટમાં પણ 'Roadster' સિરીઝ સાથે પોતાની પકડ જમાવી રહી છે.

લાંબી રેન્જ અને વાજબી ભાવ

કંપનીનું લક્ષ્ય ભારતના દરેક નાગરિક સુધી ઇલેક્ટ્રિક વાહન પહોંચાડવાનું છે, અને આ નવું મોડલ એ દિશામાં એક ક્રાંતિકારી કદમ માનવામાં આવે છે. લાંબી રેન્જ અને વાજબી ભાવને કારણે જે ગ્રાહકો અત્યાર સુધી ઈ-વ્હીકલ ખરીદતા અચકાતા હતા, તેમના માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: