ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ટાટા મોટર્સ (Tata Motors) ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) સેગમેન્ટમાં પોતાનું વર્ચસ્વ વધુ મજબૂત કરવા જઈ રહી છે. કંપની ટૂંક સમયમાં ચાર નવી ઇલેક્ટ્રિક કારો લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે, જે લાંબી રેન્જ, આધુનિક ટેકનોલોજી અને એડવાન્સ ફીચર્સથી સજ્જ હશે. ટાટાના આ નવા લાઇન-અપમાં ટિગોર EV ફેસલિફ્ટ, સિયેરા EV, સફારી EV અને અવિન્યા X નો સમાવેશ થાય છે. આ મોડલ્સમાં ગ્રાહકોને નવો લુક અને ઓલ-વ્હીલ ડ્રાઇવ (AWD) નો વિકલ્પ પણ મળી શકે છે.
ટાટા ટિગોર ઇવી ફેસલિફ્ટ (Tata Tigor EV Facelift)
કંપની ટિયાગો EV ની સફળતા બાદ હવે ટિગોર EV સેડાનને અપડેટ કરવા જઈ રહી છે. આ ફેસલિફ્ટ વર્ઝનમાં નવી હેડલાઇટ્સ, અપડેટ કરેલ ફ્રન્ટ બમ્પર, ક્લોઝ્ડ ગ્રીલ અને આકર્ષક ટેલ લેમ્પ્સ જોવા મળશે. ટિગોર EV ના આ નવા મોડલમાં ટિયાગો EV ફેસલિફ્ટ જેવા જ બેટરી પેક વિકલ્પોનો ઉપયોગ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે, જે ગ્રાહકોને વધુ સારી ક્ષમતા આપશે.
ટાટા સિયેરા ઇવી (Tata Sierra EV)
ટાટાની સૌથી વધુ રાહ જોવાતી ઇલેક્ટ્રિક કારોમાં સિયેરા EV મોખરે છે. આ પ્રીમિયમ એસયુવીમાં ટ્રિપલ સ્ક્રીન સેટઅપ, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, પેનોરેમિક સનરૂફ અને લેવલ-2 ADAS જેવા આધુનિક ફીચર્સ મળશે. તેમાં 65 kWh અને 75 kWh ના પાવરફુલ બેટરી પેક મળી શકે છે. આ કાર લોન્ચિંગ સમયે જ રિયર-વ્હીલ ડ્રાઇવ (RWD) અને ઓલ-વ્હીલ ડ્રાઇવ (AWD) બંને સેટઅપ સાથે ઉપલબ્ધ થઈ શકે છે.
ટાટા સફારી ઇવી (Tata Safari EV)
ટાટા પોતાની લોકપ્રિય એસયુવી સફારીનું ઇલેક્ટ્રિક વર્ઝન આ વર્ષના તહેવારોની સીઝન આસપાસ લોન્ચ કરી શકે છે. આ કંપનીની પ્રથમ થ્રી-રો (3-Row) ઇલેક્ટ્રિક એસયુવી હશે જે બ્રાન્ડની નવી ફ્લેગશિપ EV બનશે. મોટા બેટરી પેક (75 kWh) સાથે આ એસયુવી અંદાજે 622 થી 627 કિમીની શાનદાર રેન્જ આપી શકે છે, જ્યારે નાના બેટરી પેક સાથે 538 કિમીની રેન્જ મળવાની આશા છે.
ટાટા અવિન્યા એક્સ (Tata Avinya X)
પ્રીમિયમ ઇલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં એન્ટ્રી કરવા માટે ટાટા 'અવિન્યા' સિરીઝ લાવી રહ્યું છે, જેને અલગ પ્રીમિયમ રિટેલ નેટવર્ક દ્વારા વેચવામાં આવશે. ટાટા અવિન્યા X એક લક્ઝરી ક્રોસઓવર હશે, જે 5, 6 અને 7 સીટર વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે. આશરે 5 મીટર લાંબી આ પ્રીમિયમ કારમાં ટાટાના વર્તમાન મોડલ્સ કરતાં ઘણી વધારે અને એડવાન્સ ટેકનોલોજી જોવા મળશે.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો