હોન્ડા કાર્સ ઇન્ડિયાએ ભારતીય માર્કેટમાં પોતાની લોકપ્રિય મિડસાઇઝ સેડાનનું નવું મોડલ 2026 Honda City Facelift લોન્ચ કરી દીધું છે. આ નવું મોડલ ભારતમાં રૂ.12 લાખની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમતે ઉપલબ્ધ થશે. હોન્ડા સિટીના આ બીજા મિડ-સાયકલ અપડેટમાં કંપનીએ કારની ડિઝાઇન, ટેક્નોલોજી અને ફીચર્સમાં ઘણા મહત્વના ફેરફારો કર્યા છે, જે તેને પહેલા કરતા વધુ પ્રીમિયમ અને આકર્ષક બનાવે છે. ગ્રાહકો માટે હવે આ કારમાં નવો 'ક્રિસ્ટલ બ્લેક પર્લ' કલર ઓપ્શન પણ ઉમેરવામાં આવ્યો છે.

આધુનિક એક્સટીરિયર ડિઝાઇન અને નવા ડાયમેન્શન

નવી હોન્ડા સિટી ફેસલિફ્ટના એક્સટીરિયરમાં સૌથી મોટો બદલાવ તેની કનેક્ટેડ LED DRL લાઇટ બાર અને બાય-LED પ્રોજેક્ટર હેડલાઇટ્સમાં જોવા મળે છે. કારના ફ્રન્ટ લુકને નવું બ્લેક મેટ્રિક્સ મેશ ગ્રિલ અને નવા સ્થાને લગાવેલો હોન્ડા લોગો વધુ દમદાર બનાવે છે. એયરોડાયનેમિક એર કર્ટેન્સ સાથે કારના બમ્પરને પણ નવો લુક અપાયો છે. આ નવું મોડલ પહેલા કરતાં 11 મીમી વધુ લાંબુ (કુલ 4,594 મીમી) છે, જ્યારે તેમાં પહેલાની જેમ જ 16-ઇંચના એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. પાછળની તરફ Z-Edge રિયર LED ટેલ લેમ્પ્સ અને આકર્ષક સ્પોઇલર ઉપલબ્ધ છે.

હાઇટેક કેબિન, એડવાન્સ સેફ્ટી અને વેરિઅન્ટ્સની કિંમત

કારની અંદર આઇવરી અને બ્લેક કલરનું નવું ડ્યુઅલ-ટોન ઇન્ટિરિયર આપવામાં આવ્યું છે. સેન્ટર ડેશબોર્ડ પર 10.1-ઇંચનું નવું ફ્લોટિંગ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે, જે વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટોને સપોર્ટ કરે છે. આ સિવાય, અપગ્રેડેડ ફ્રન્ટ વેન્ટિલેટેડ સીટ્સની કૂલિંગ ક્ષમતામાં 40% સુધારો થયો છે. સુરક્ષા માટે કારમાં 6 એરબેગ્સ, ટાયર પ્રેશર મોનિટરિંગ અને લેવલ 2 ADAS જેવા ફીચર્સ છે. કિંમતની વાત કરીએ તો, સ્ટાન્ડર્ડ પેટ્રોલ વેરિઅન્ટની કિંમત રૂ.12 લાખ રાખવામાં આવી છે, જ્યારે e:HEV સ્ટ્રોન્ગ હાઇબ્રિડ વેરિઅન્ટની કિંમત રૂ.1 લાખના વધારા સાથે હવે રૂ.21 લાખ (એક્સ-શોરૂમ) થઈ ગઈ છે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો