ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં પ્રીમિયમ ઇલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે, ત્યારે Mercedes-Benzએ તેની અત્યંત આધુનિક અને પાવરફુલ CLA ઇલેક્ટ્રિક સેડાન ભારતની ધરતી પર રજૂ કરી દીધી છે. આ લક્ઝરી કાર ખાસ કરીને તેની બેજોડ રેન્જ અને સુપરફાસ્ટ ચાર્જિંગ ક્ષમતાને કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે.


કારની પ્રી-બુકિંગ થશે શરૂ

કંપનીના જણાવ્યા અનુસાર આ કારની પ્રી-બુકિંગ આગામી 10 માર્ચથી શરૂ થશે અને એપ્રિલ મહિનામાં તેને સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવશે. જોકે કિંમત અંગે હજુ સત્તાવાર જાહેરાત બાકી છે, પરંતુ નિષ્ણાતોનું અનુમાન છે કે તેની એક્સ-શોરૂમ કિંમત 55 લાખથી 60 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. ગ્રાહકો આ કારને પોલર વ્હાઇટ, કોસ્મિક બ્લેક, અલ્પાઇન ગ્રે, ક્લિયર બ્લુ અને પેટાગોનિયા રેડ એમ પાંચ આકર્ષક કલર વિકલ્પોમાં ખરીદી શકશે.

85kWhની ક્ષમતા ધરાવતી બેટરી

ટેકનિકલ સ્તર પર જોઈએ તો, આ ઇલેક્ટ્રિક કાર Mercedes-Benz મોડ્યુલર આર્કિટેક્ચર (MMA) પ્લેટફોર્મ પર આધારિત છે, જે તેને હળવી અને વધુ કાર્યક્ષમ બનાવે છે. તેમાં 800-વોલ્ટની હાઈ-વોલ્ટેજ ઇલેક્ટ્રિક સિસ્ટમ અને 85kWh ની ક્ષમતા ધરાવતી મોટી બેટરી પેક આપવામાં આવી છે. આ બેટરી રિયર એક્સલ પર માઉન્ટ થયેલી ઇલેક્ટ્રિક મોટર સાથે જોડાયેલી છે, જે 268bhpનો પાવર જનરેટ કરે છે.

20 મિનિટના ચાર્જિંગમાં 400 કિમીની ક્ષમતા

આ પાવરફુલ એન્જિનની મદદથી કાર માત્ર 6.7 સેકન્ડમાં 0થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ કાર 240kW સુધીનું DC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે, જેના કારણે તે માત્ર 20 મિનિટના ચાર્જિંગમાં 400 કિમી સુધી ચાલવાની ક્ષમતા મેળવે છે.

એક પ્રભાવશાળી સેડાન 

ડિઝાઇન અને સ્પેસની બાબતમાં પણ આ સેડાન ખૂબ જ પ્રભાવશાળી છે. તેની લંબાઈ 4,723 મીમી અને વ્હીલબેઝ 2,790 મીમી છે, જે મુસાફરોને પૂરતી જગ્યા પૂરી પાડે છે. કારના લૂકને વધુ આધુનિક બનાવવા માટે ફ્રન્ટ ગ્રીલ પર 142 નાના ચમકતા સ્ટાર્સ, સ્ટાર શેપની LED DRL સાથે ટ્વિન-પોડ હેડલેમ્પ્સ અને 18-ઇંચના સ્ટાઇલિશ એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. સામાન રાખવા માટે તેમાં 405 લિટરની બૂટ સ્પેસની સાથે આગળના ભાગમાં 101 લિટરનું વધારાનું સ્ટોરેજ (ફ્રન્ક) પણ મળે છે. આ ઉપરાંત, ફ્લશ ડોર હેન્ડલ્સ અને કનેક્ટેડ LED ટેલલેમ્પ્સ તેને રોડ પર એક યુનિક ઓળખ આપે છે.

લક્ઝરીના શોખીન માટે શ્રેષ્ઠ વિકલ્પ

કારની અંદરનું ઇન્ટિરિયર હાઈ-ટેક ફીચર્સથી સજ્જ છે. તેમાં Mercedes-Benzની નવી MB OS સિસ્ટમ પર ચાલતી 14-ઇંચની વિશાળ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 10.25-ઇંચનું ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. સુરક્ષા અને સુવિધા માટે તેમાં લેવલ 2 ADAS, ડ્યુઅલ-ઝોન ઓટોમેટિક ક્લાયમેટ કંટ્રોલ, પેનોરેમિક સનરૂફ અને છ જેટલા 100W USB-C ફાસ્ટ ચાર્જિંગ પોર્ટ્સ ઉપલબ્ધ છે. એકંદરે, લાંબી મુસાફરી કરવા માંગતા અને લક્ઝરીના શોખીન લોકો માટે આ કાર એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: