ટાટા મોટર્સે ભારતીય ઇલેક્ટ્રિક SUV માર્કેટમાં હલચલ મચાવતા હેરિયર EVનું નવું Fearless+ QWD વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. આ નવા મોડલની કિંમત રૂ.26.49 લાખ (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. આ લોન્ચિંગ સાથે કંપનીએ ઓલ-વ્હીલ ડ્રાઇવ (AWD) સિસ્ટમ ધરાવતી હેરિયરને વધુ સસ્તી બનાવી દીધી છે. અગાઉ AWD સિસ્ટમ માત્ર ટોપ-એન્ડ 'એમ્પાવર્ડ' વેરિઅન્ટમાં જ મળતી હતી, જેની કિંમત રૂ.28.99 લાખ હતી. હવે ગ્રાહકોને ડ્યુઅલ-મોટર સેટઅપ માટે રૂ.2.50 લાખ ઓછા ખર્ચવા પડશે, જેનાથી આ પ્રીમિયમ EV સેગમેન્ટમાં સ્પર્ધા વધુ તેજ બનશે.
પાવરટ્રેન, બેટરી અને દમદાર પરફોર્મન્સ
હેરિયર EV ના આ વેરિઅન્ટમાં 75 kWh ની શક્તિશાળી બેટરી પેક આપવામાં આવી છે. તેની ખાસિયત તેની ડ્યુઅલ-મોટર સિસ્ટમ છે, જેમાં આગળના એક્સલ પર ઇન્ડક્શન મોટર અને પાછળના એક્સલ પર પરમેનન્ટ મેગ્નેટ સિંક્રોનસ યુનિટ કાર્યરત છે. આ બંને મળીને કુલ 313 hp નો પાવર અને 504 Nm નો ટોર્ક પેદા કરે છે. કંપનીનો દાવો છે કે આ SUV માત્ર 6.3 સેકન્ડમાં 0 થી 100 કિમી/કલાકની ઝડપ પકડી શકે છે. રેન્જની વાત કરીએ તો, સિંગલ ચાર્જ પર આ ગાડી 622 કિમી (MIDC) ની રેન્જ પ્રદાન કરે છે, જે લાંબી મુસાફરી માટે ઉત્તમ છે.













