ભારતીય ઓટોમોબાઈલ સેક્ટરમાં ફરી એકવાર ભારે હલચલ જોવા મળી રહી છે, કારણ કે રેનો ઈન્ડિયા (Renault India) એ તેની મોસ્ટ અવેટેડ નવી જનરેશન Renault Duster ની ડિલિવરી દેશભરમાં શરૂ કરી દીધી છે. કંપનીએ અગાઉ કરેલી જાહેરાત મુજબ, હાલમાં માત્ર SUV ના ટર્બો પેટ્રોલ વેરિઅન્ટ્સ ની ડિલિવરી જ શરૂ કરવામાં આવી છે, જેનાથી ઉત્સાહી ગ્રાહકોનો લાંબો ઈંતજાર હવે પૂરો થયો છે.


નવેમ્બર 2026 માં આવશે હાઈબ્રિડ મોડલ

ફ્રાન્સની દિગ્ગજ કાર નિર્માતા કંપની રેનોએ આ વર્ષે જાન્યુઆરીમાં ડસ્ટરને ભારતીય બજારમાં ફરીથી રજૂ કરી હતી અને ત્યારબાદ 17 માર્ચે તેની કિંમતોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આશરે ચાર વર્ષના લાંબા વિરામ બાદ ડસ્ટરની ભારતમાં વાપસી થઈ છે. જોકે, જે ગ્રાહકો હાઈબ્રિડ મોડલની રાહ જોઈ રહ્યા છે, તેમણે હજુ થોડી ધીરજ રાખવી પડશે, કારણ કે હાઈબ્રિડ વર્ઝન ની ડિલિવરી નવેમ્બર 2026 થી શરૂ થવાની શક્યતા છે.

કિંમત અને વેરિઅન્ટ્સની સંપૂર્ણ માહિતી

નવી જનરેશન રેનો ડસ્ટરને ખૂબ જ આકર્ષક કિંમતે લોન્ચ કરવામાં આવી છે. R Pass ધરાવતા ગ્રાહકો માટે આ SUV ની શરૂઆતી કિંમત રૂ.10.29 લાખ (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે, જ્યારે સામાન્ય ગ્રાહકો માટે તે રૂ.10.49 લાખ થી શરૂ થાય છે. આ કારના ટોપ વેરિઅન્ટની કિંમત રૂ.18.49 લાખ સુધી પહોંચે છે. કંપનીએ ગ્રાહકોની જરૂરિયાત મુજબ તેને Authentic, Evolution, Techno, Techno Plus, Iconic અને Iconic Launch Edition જેવા અનેક વેરિઅન્ટ્સમાં રજૂ કરી છે.

આધુનિક ડિઝાઇન અને દમદાર લુક

નવી ડસ્ટરની ડિઝાઇનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ SUV હવે પહેલા કરતા વધુ બોલ્ડ, મજબૂત અને 'બોક્સી' લુકમાં જોવા મળે છે, જે રસ્તા પર તેની શાનદાર હાજરી (Road Presence) નોંધાવે છે. નવા મોડલને આધુનિક બનાવવા છતાં, કંપનીએ તેમાં જૂની ડસ્ટરના કેટલાક મૂળભૂત ડિઝાઇન એલિમેન્ટ્સ જાળવી રાખ્યા છે, જે તેના ક્લાસિક ડીએનએની યાદ અપાવે છે.

પાવરફુલ એન્જિન અને હાઈ-ટેક ફીચર્સ

પરફોર્મન્સની વાત કરીએ તો, નવી ડસ્ટર બે એન્જિન વિકલ્પો અને વિવિધ ટ્રાન્સમિશન ઓપ્શન્સ સાથે આવે છે. આ SUV માં સુરક્ષા અને સુવિધા માટે લેવલ-2 ADAS, 10.1-ઇંચની મોટી ટચસ્ક્રીન, 10.25-ઇંચનું ડિજિટલ ક્લસ્ટર અને પેનોરેમિક સનરૂફ જેવા પ્રીમિયમ ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, લાંબી મુસાફરી માટે તેમાં 518 લિટરની વિશાળ બૂટ સ્પેસ પણ મળે છે.

બજારમાં આ ગાડીઓ સાથે થશે સીધી ટક્કર

મિડ-સાઇઝ SUV સેગમેન્ટમાં નવી ડસ્ટરનો મુકાબલો Hyundai Creta, Kia Seltos, Honda Elevate અને Toyota Hyryder જેવી સ્થાપિત ગાડીઓ સાથે થશે. તેના નવા ફીચર્સ અને ડસ્ટરની જૂની લોકપ્રિયતાને જોતા, આ સ્પર્ધા આગામી દિવસોમાં વધુ રસપ્રદ બનશે તેવું લાગી રહ્યું છે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: