ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી મોટો બદલાવ જોવા મળ્યો છે. હવે ગ્રાહકો કાર ખરીદતી વખતે માત્ર તેની કિંમત કે માઇલેજ જ નહીં, પરંતુ સુરક્ષા ફીચર્સ પર પણ ખાસ ભાર મૂકે છે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે 6 એરબેગ્સ જેવા પ્રીમિયમ સેફ્ટી ફીચર્સ માત્ર મોંઘી ગાડીઓમાં જ મળે છે, પરંતુ હવે ઓટોમોકર્સ સામાન્ય માણસના બજેટને ધ્યાનમાં રાખીને સસ્તી કારોમાં પણ આ સુવિધા આપી રહ્યા છે. જો તમે 6 લાખ રૂપિયાથી ઓછું બજેટ ધરાવો છો અને સુરક્ષિત કાર શોધી રહ્યા છો, તો બજારમાં કેટલાક શાનદાર વિકલ્પો ઉપલબ્ધ છે.
મારુતિ ઓલ્ટો K10: સૌથી સસ્તો અને સુરક્ષિત વિકલ્પ
આ લિસ્ટમાં સૌથી પહેલું નામ મારુતિ સુઝુકીની ઓલ્ટો K10 (Maruti Alto K10) નું આવે છે. આ દેશની સૌથી સસ્તી કારોમાંની એક છે, જેની શરૂઆતી કિંમત આશરે 3.70 લાખ રૂપિયા છે. ખાસ વાત એ છે કે આટલી ઓછી કિંમતે પણ કંપની હવે તેમાં 6 એરબેગ્સ જેવા જરૂરી સેફ્ટી ફીચર્સ ઓફર કરી રહી છે. આ કારમાં 1.0 લિટરનું એન્જિન મળે છે, જે પેટ્રોલ અને CNG બંને વેરિઅન્ટમાં ઉત્તમ માઇલેજ આપે છે, જે મધ્યમ વર્ગના પરિવારો માટે આદર્શ છે.
રેનો ક્વિડ: સ્ટાઇલિશ લુક અને આધુનિક ફીચર્સ
બીજો આકર્ષક વિકલ્પ રેનો ક્વિડ (Renault Kwid) છે. આ કાર તેના SUV જેવા લુક અને બોલ્ડ ડિઝાઈનને કારણે યુવાનોમાં ખૂબ લોકપ્રિય છે. તેની શરૂઆતી કિંમત અંદાજે 4.30 લાખ રૂપિયા છે. ક્વિડના ટોપ વેરિઅન્ટ્સમાં 6 એરબેગ્સની સુરક્ષા મળે છે. 999cc એન્જિન ધરાવતી આ કાર પ્રતિ લિટર અંદાજે 22 કિલોમીટરની માઇલેજ આપે છે. આ ઉપરાંત, તેમાં ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ કનેક્ટિવિટી અને ઓટોમેટિક ગિયરબોક્સ જેવા આધુનિક ફીચર્સ પણ જોવા મળે છે.
ટાટા ટિયાગો અને મારુતિ સેલેરિયો: મજબૂતી અને માઇલેજનું મિશ્રણ
ટાટા મોટર્સની ટિયાગો (Tata Tiago) પણ આ યાદીમાં મજબૂત દાવેદાર છે. તેની શરૂઆતી કિંમત આશરે 4.57 લાખ રૂપિયા છે અને તેને ગ્લોબલ NCAP સુરક્ષા ટેસ્ટમાં 4-સ્ટાર રેટિંગ મળેલું છે, જે તેની મજબૂતી સાબિત કરે છે. તેવી જ રીતે, મારુતિ સેલેરિયો (Maruti Celerio) પણ એક શ્રેષ્ઠ વિકલ્પ છે, જેની કિંમત 4.70 લાખ રૂપિયાથી શરૂ થાય છે. સેલેરિયો ખાસ કરીને તેના માઇલેજ માટે જાણીતી છે, જે CNG મોડમાં 34 km/kg સુધીની એવરેજ આપી શકે છે. આ બંને કારોમાં સુરક્ષા માટે 6 એરબેગ્સ અને આરામદાયક ઇન્ટિરિયર આપવામાં આવ્યું છે.
નિસાન ગ્રેવાઈટ: હાઈ-ટેક ફીચર્સ સાથે પ્રીમિયમ અનુભવ
છેલ્લે, નિસાન ગ્રેવાઈટ (Nissan Gravite) પણ બજેટ સેગમેન્ટમાં એક પ્રીમિયમ અનુભવ આપે છે. આ કારની શરૂઆતી કિંમત આશરે 5.65 લાખ રૂપિયા છે. સુરક્ષા માટે 6 એરબેગ્સની સાથે તેમાં 8-ઈંચની મોટી ટચસ્ક્રીન, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે તેમજ પાછળની સીટ માટે રિયર એસી વેન્ટ્સ જેવી સુવિધાઓ મળે છે. આમ, જો તમે ઓછી કિંમતમાં વધુ સુરક્ષા અને આધુનિક ફીચર્સ ઈચ્છતા હોવ, તો આ કારો તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો