ભારતીય રસ્તાઓ પર પોતાની મજબૂત પકડ જમાવ્યા બાદ, ટાટા મોટર્સ હવે વૈશ્વિક સ્તરે મોટું નામ બનવા તરફ ડગ માંડી રહી છે. નાણાકીય વર્ષ 2026 (FY26) માં શાનદાર પ્રદર્શન અને પેસેન્જર તથા કોમર્શિયલ વ્હીકલ બિઝનેસના સફળ ડિમર્જર (વિભાજન) પછી, કંપનીએ પોતાની નવી વ્યૂહરચના જાહેર કરી છે.
જેગુઆર લેન્ડ રોવર સાથે વધશે તાલમેલ
ટાટા મોટર્સના ચેરમેન એન. ચંદ્રશેખરને વાર્ષિક બેઠક દરમિયાન મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, કંપની તેના પેસેન્જર વ્હીકલ બિઝનેસને બ્રિટિશ લક્ઝરી કાર યુનિટ જગુઆર લેન્ડ રોવર (JLR) ની વધુ નજીક લાવી રહી છે. આ વ્યૂહાત્મક જોડાણનો મુખ્ય હેતુ પ્લેટફોર્મ શેરિંગ, ટેકનોલોજી અને પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં પરસ્પર સહયોગ વધારવાનો છે, જેથી ગ્લોબલ માર્કેટમાં વધુ સારા પરિણામો મેળવી શકાય. 1 ઓક્ટોબર 2025ના રોજ થયેલા ડિમર્જર બાદ બંને બિઝનેસ હવે વધુ સ્પષ્ટ ફોકસ અને ઝડપી નિર્ણયો લેવા સક્ષમ બન્યા છે.
નાણાકીય વર્ષ 2026માં નોંધાવી રેકોર્ડબ્રેક સફળતા
ટાટા મોટર્સ માટે ગત નાણાકીય વર્ષ અત્યંત પ્રોત્સાહક રહ્યું છે. કંપનીએ અંદાજે 6,40,000 વાહનોનું વેચાણ કર્યું, જે વાર્ષિક ધોરણે 15% નો વધારો દર્શાવે છે. નેક્સન (Nexon) અને પંચ (Punch) જેવા મોડલ્સે કંપનીને ઘરેલું માર્કેટમાં બીજા સ્થાને પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી. સ્પર્ધા વચ્ચે પણ કંપનીએ 2,50,000 થી વધુ ઇલેક્ટ્રિક વાહનો વેચીને પોતાની લીડરશીપ જાળવી રાખી છે.
કોમર્શિયલ વ્હીકલ અને ગ્લોબલ પ્લાન
કોમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં પણ ટાટા મોટર્સનો દબદબો રહ્યો છે. કંપનીએ 4,30,000 યુનિટ્સ વેચ્યા છે, જેમાં 14% ની વૃદ્ધિ જોવા મળી છે. ખાસ કરીને 3,600 થી વધુ ઇલેક્ટ્રિક બસોની ડિલિવરી સાથે ટાટાએ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં નવો ઈતિહાસ રચ્યો છે.
ભવિષ્યનું લક્ષ્ય
ટાટા મોટર્સ હવે ઈટાલીની ટ્રક ઉત્પાદક કંપની 'ઇવેકો' (Iveco) ના અધિગ્રહણ પર કામ કરી રહી છે. જો આ ડીલ સફળ રહેશે, તો ટાટા મોટર્સ વિશ્વની ટોપ-4 કોમર્શિયલ વ્હીકલ કંપનીઓમાં સામેલ થઈ જશે. આગામી સમયમાં કંપની ઝીરો-એમિશન મોબિલિટી, કનેક્ટેડ ટેકનોલોજી અને સોફ્ટવેર-ડિફાઈન્ડ વ્હીકલ્સ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો