ભારતીય માર્કેટમાં પ્રીમિયમ હેચબેક કારના શોખીનો માટે હ્યુન્ડાઈ (Hyundai) ખુશખબર લઈને આવી છે. કંપનીએ તેની લોકપ્રિય કાર i20 ની કિંમતોમાં ધરખમ ઘટાડો કર્યો છે, જેના કારણે હવે આ કારની શરૂઆતી કિંમત માત્ર રૂ.5.99 લાખ (એક્સ-શોરૂમ) થઈ ગઈ છે. છેલ્લા 15 વર્ષોમાં 14.7 લાખથી વધુ યુનિટ્સના વેચાણ સાથે i20 પહેલેથી જ લોકપ્રિય છે, પરંતુ નવી કિંમતો બાદ તે મારુતિ બલેનો અને ટાટા અલ્ટ્રોઝ જેવી કારને જોરદાર ટક્કર આપશે.
બેઝ મોડલમાં પણ પ્રીમિયમ સેફ્ટી
કિંમત ઘટાડવા છતાં કંપનીએ ફીચર્સ કે સેફ્ટીમાં કોઈ બાંધછોડ કરી નથી. i20 ના 'Era' વેરિએન્ટને હવે નવું બેઝ મોડલ બનાવવામાં આવ્યું છે, જેમાં નીચે મુજબના ફીચર્સ મળે છે: સેફ્ટી: સ્ટાન્ડર્ડ તરીકે 6 એરબેગ્સ. ટેકનોલોજી: ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને ટાઈપ-C USB ચાર્જર. ડિઝાઇન: બોડી કલર ઓઆરવીએમ (ORVM) અને ટેલિસ્કોપિક સ્ટીયરિંગ.
માત્ર રૂ.6.99 લાખમાં સનરૂફની મજા
સૌથી આકર્ષક બાબત એ છે કે હવે સનરૂફના શોખીનો માટે હ્યુન્ડાઈએ Magna વેરિએન્ટની કિંમત ઘટાડીને રૂ.6.99 લાખ કરી દીધી છે. આ વેરિએન્ટમાં ઇલેક્ટ્રિક સનરૂફની સાથે LED DRLs, પાછળના ભાગે AC વેન્ટ્સ અને સ્ટોરેજ સાથે ફ્રન્ટ આર્મરેસ્ટ જેવી સુવિધાઓ મળે છે. આ ઉપરાંત, Magna Executive વેરિએન્ટ (કિંમત રૂ.6.74 લાખ) માં TPMS, ઓટોમેટિક હેડલેમ્પ અને કી-લેસ એન્ટ્રી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
એન્જિન અને વોરંટી
Hyundai i20 માં 1.2-લિટરનું 4-સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે, જે 83 bhp પાવર અને 114.7 Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 5-સ્પીડ મેન્યુઅલ અથવા CVT ગિયરબોક્સનો વિકલ્પ મળે છે. કંપની આ કાર પર 3 વર્ષ અથવા 1,00,000 કિમીની સ્ટાન્ડર્ડ વોરંટી પણ આપી રહી છે. વધારાના ફીચર તરીકે, ગ્રાહકો રૂ.14,999 માં 10.1-ઇંચની ટચસ્ક્રીન સિસ્ટમ પણ લગાવી શકે છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો