ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં હાલમાં એક બહુ મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. દેશભરમાં ઇલેક્ટ્રિક વાહનો (EV)ની માંગમાં અચાનક એટલો તીવ્ર ઉછાળો આવ્યો છે કે જેને 'ઈવી ક્રાંતિ' તરીકે જોવામાં આવી રહી છે. પેટ્રોલ અને ડીઝલના આસમાને પહોંચેલા ભાવથી પરેશાન ગ્રાહકો હવે મધ્યમવર્ગીય કારથી લઈને લક્ઝરી સેગમેન્ટ સુધી, તમામ સ્તરે ઇલેક્ટ્રિક કાર ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે.
ગ્રાહકોની માનસિકતા બદલાઈ
સ્થિતિ એ છે કે મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, મહિન્દ્રા, મર્સિડીઝ-બેન્ઝ અને BMW જેવી દિગ્ગજ કંપનીઓ ગ્રાહકોની આ ભારે માંગને પહોંચી વળવામાં ટૂંકી પડી રહી છે અને તમામ લોકપ્રિય મોડલ્સ પર વેટિંગ પીરિયડ સતત વધી રહ્યો છે. ભૂતોકાળમાં ભારતીય ગ્રાહકો ઇલેક્ટ્રિક કાર ખરીદતા પહેલા ચાર્જિંગ સ્ટેશનોની અછત, બેટરીની લાઈફ અને વાહનની ઊંચી કિંમતોને લઈને ખૂબ ચિંતિત રહેતા હતા. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓમાં પરંપરાગત ઇંધણ પાછળ થતો માસિક ખર્ચ એટલો વધી ગયો છે કે ગ્રાહકો માટે હવે EV એક અત્યંત આર્થિક અને આકર્ષક વિકલ્પ બની ગયો છે.
મોંઘા બળતણના કારણે EV તરફ આકર્ષણ
લક્ઝરી કાર ઉત્પાદક મર્સિડીઝ-બેન્ઝ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, તાજેતરના મહિનાઓમાં બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક વાહનોની માંગમાં 40 ટકા જેટલો મોટો ઉછાળો આવ્યો છે. કંપનીએ તાજેતરમાં લોન્ચ કરેલી 'CLA BEV' ઇલેક્ટ્રિક સેડાનને એટલો અભૂતોપૂર્વ પ્રતિસાદ મળ્યો છે કે કંપનીએ હાલ પૂરતું તેનું નવું બુકિંગ રોકવું પડ્યું છે, કારણ કે તેના પર પહેલેથી જ 2 થી 3 મહિનાનું વેટિંગ લિસ્ટ થઈ ગયું છે.
સપ્લાય માટે આયોજન બદલવું પડ્યું
દેશની સૌથી મોટી અને સામાન્ય માણસની ફેવરિટ ગણાતી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી પણ હવે ઈવી સેગમેન્ટમાં ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. કંપનીની નવી 'e-Vitara' SUV નું બુકિંગ માત્ર એક જ મહિનામાં બમણું થઈ ગયું છે અને ગ્રાહકોએ આ કાર મેળવવા માટે 6 થી 8 અઠવાડિયા સુધી રાહ જોવી પડી રહી છે.
ભારત માટે વધારાના ક્વોટાની માંગણી
ઓટોમોબાઈલ નિષ્ણાતોના મતે, પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ)માં ચાલતા ભૌગોલિક-રાજકીય તણાવ અને યુદ્ધની સ્થિતિ પણ ગ્રાહકોને ઇલેક્ટ્રિક વાહનો તરફ વાળવામાં મોટો ભાગ ભજવી રહી છે. બીજી તરફ, પ્રીમિયમ બ્રાન્ડ BMW ઇન્ડિયા પાસે ભારતમાં એટલી બધી માંગ આવી છે કે તેઓએ પોતાના ભવિષ્યના ગાળા માટે અનામત રાખેલા સ્ટોકનો ઉપયોગ અત્યારથી જ કરવો પડી રહ્યો છે અને કંપની તેના ગ્લોબલ હેડક્વાર્ટર પાસેથી ભારત માટે વધારાના ક્વોટાની માંગણી કરી રહી છે.
ઓટો ઉદ્યોગ સામે સૌથી મોટો પડકાર
હાલમાં ભારતીય ઈવી માર્કેટ સામે સૌથી મોટી સમસ્યા ગ્રાહકોની નથી, પરંતુ કંપનીઓની પ્રોડક્શન ક્ષમતા અને સપ્લાયર નેટવર્કની છે. ગ્રાહકો બુકિંગ કરાવવા તૈયાર છે, પણ ડિલિવરી મેળવવામાં સમય લાગી રહ્યો છે.
સપ્લાય અને પ્રોડક્શનની અછત
વિવિધ લોકપ્રિય મોડલ્સ પરનો વર્તમાન વેટિંગ પીરિયડ આ મુજબ છે; મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા: કંપનીની લોકપ્રિય ઇલેક્ટ્રિક એસયુવી 'XEV 9e' અને 'BE 6' પર હાલમાં 4 થી 8 અઠવાડિયા સુધીની રાહ જોવી પડે છે. ટાટા મોટર્સ: ભારતમાં ઈવી માર્કેટમાં સિંહફાળો ધરાવતી ટાટાની 'Punch EV' અને 'Tiago EV' ની ડિલિવરીમાં પણ અંદાજે 6 અઠવાડિયા જેટલો સમય લાગી રહ્યો છે. JSW MG મોટર: આ કંપનીની 'Windsor' અને 'ZS EV' કારો જે અગાઉ શોરૂમ પર સરળતાથી મળતી હતી, તેના પર પણ હવે 1 મહિના જેટલો વેટિંગ પીરિયડ છે.
માંગની સરખામણીમાં સપ્લાય ચેઈન હજુ પાછળ
ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સના મેનેજિંગ ડિરેક્ટર શૈલેષ ચંદ્રાના એક નિવેદન અનુસાર, કંપનીના કુલ કાર બુકિંગમાં હવે ઇલેક્ટ્રિક વાહનોનો હિસ્સો વધીને 30 થી 33 ટકા સુધી પહોંચી ગયો છે. જો કે, તેની સામે વાસ્તવિક ડિલિવરી માત્ર 15 થી 16 ટકા જ થઈ શકી છે. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ જે ઝડપે વધી રહી છે, તેની સરખામણીએ કંપનીઓની સપ્લાય ચેઈન અને સ્પેરપાર્ટ્સ ઉત્પાદન ક્ષમતા હજુ પાછળ ચાલી રહી છે.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો