ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં પ્રીમિયમ હેચબેક સેગમેન્ટમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે મારુતિ સુઝુકી તેની લોકપ્રિય કાર 'બલેનો'નું નવું ફેસલિફ્ટ મોડલ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. વર્ષ 2026ના ઉત્તરાર્ધમાં લોન્ચ થનારી આ કારના ટેસ્ટિંગ મોડલ્સ તાજેતરમાં ભારતીય રસ્તાઓ પર જોવા મળ્યા છે. વર્ષ 2015માં પ્રથમ વખત લોન્ચ થયેલી બલેનો આજે પણ ગ્રાહકોની ફેવરિટ કારમાંની એક છે. આ નવા અપડેટ સાથે કંપની હ્યુન્ડાઈ i20 જેવી સ્પર્ધક કારોને આકરી ટક્કર આપવા માટે તૈયાર છે.

આકર્ષક એક્સટિરિયર અને આધુનિક ડિઝાઇન

નવી 2026 બલેનો ફેસલિફ્ટના એક્સટિરિયરમાં કંપની ઘણા મહત્વના ફેરફારો કરી રહી છે. કારના ફ્રન્ટ લુકમાં નવી અને વધુ પહોળી ગ્રીલ જોવા મળી શકે છે, જે તેને પહેલા કરતા વધુ શાર્પ અને સ્પોર્ટી લુક આપશે. આ સાથે જ અપડેટેડ હેડલાઇટ્સ અને નવું બમ્પર પણ આપવામાં આવશે. જોકે કારની સાઈડ પ્રોફાઈલ વર્તમાન મોડલ જેવી જ રહેવાની શક્યતા છે, પરંતુ નવા ડિઝાઇન કરેલા એલોય વ્હીલ્સ આકર્ષણનું કેન્દ્ર બનશે. પાછળના ભાગમાં LED ટેલ લેમ્પ્સના આંતરિક ભાગમાં ફેરફાર અને રિયર બમ્પરમાં સામાન્ય ફેરફારો થવાની સંભાવના છે.

પ્રીમિયમ ઇન્ટિરિયર અને હાઈ-ટેક ફીચર્સ

ઇન્ટિરિયરની વાત કરીએ તો, મારુતિ બલેનો ફેસલિફ્ટમાં કેબિન લેઆઉટમાં મોટો ફેરફાર થવાની શક્યતા ઓછી છે, પરંતુ વપરાયેલ મટિરિયલ અને સીટ્સની ગુણવત્તામાં ચોક્કસપણે સુધારો જોવા મળશે. આ કારમાં પ્રીમિયમ ફીચર્સ તરીકે 360-ડિગ્રી કેમેરા, વાયરલેસ સ્માર્ટફોન ચાર્જિંગ અને એડવાન્સ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવશે. સલામતીના દૃષ્ટિકોણથી, આ મોડલમાં 6 એરબેગ્સ પ્રમાણભૂત (સ્ટાન્ડર્ડ) તરીકે મળી શકે છે, જે તેને વધુ સુરક્ષિત બનાવશે. આ ઉપરાંત વધુ સારી કનેક્ટિવિટી અને આરામદાયક મુસાફરી માટેના અન્ય હાઈ-ટેક ફીચર્સ પણ ઉમેરવામાં આવશે.

પાવરફુલ એન્જિન અને પર્ફોર્મન્સ

પાવરટ્રેનની વાત કરીએ તો, નવી બલેનોમાં હાલનું 1.2-લિટર ડ્યુઅલજેટ પેટ્રોલ એન્જિન યથાવત રાખવામાં આવે તેવી શક્યતા છે, જે 88 HP પાવર અને 113 Nm ટોર્ક જનરેટ કરે છે. જોકે, સૌથી મોટો ફેરફાર એન્જિન વિકલ્પમાં જોવા મળી શકે છે. અહેવાલો અનુસાર, કંપની ફ્રોન્ક્સ (Fronx) માંથી લેવામાં આવેલું 1.0-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન પણ આ ફેસલિફ્ટમાં આપી શકે છે. આ નવું એન્જિન બલેનોને વધુ પાવરફુલ બનાવશે અને ડ્રાઈવિંગનો અનુભવ વધુ રોમાંચક બનાવશે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો