મારૂતિ સુઝુકીએ ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં એક નવો ઈતિહાસ રચતા પોતાની લોકપ્રિય હેચબેક કાર વેગનઆરને ફ્લેક્સ-ફ્યુઅલ (WagonR FFV) અવતારમાં રજૂ કરી છે. આ દેશની પ્રથમ એવી પેસેન્જર કાર છે જે 20 ટકાથી લઈને 85 ટકા (E20 થી E85) સુધીના ઈથેનોલ મિશ્રણવાળા બળતણ પર સરળતાથી ચાલી શકે છે. ભવિષ્યમાં આ કાર 100 ટકા ઈથેનોલ પર ચાલવા માટે પણ સક્ષમ બની રહેશે. દેખાવ અને ડિઝાઇનની દ્રષ્ટિએ તે વર્તમાન મોડલ જેવી જ છે, પરંતુ તેના એન્જિનને અંદરથી સંપૂર્ણપણે અપગ્રેડ કરવામાં આવ્યું છે જેથી તે ઈથેનોલ ઈંધણને સહન કરી શકે.


પ્રદૂષણમાં ઘટાડો અને ગ્રીન વ્હીકલ્સ પર ભાર

આ લોન્ચિંગ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો આવવાથી દેશમાં વાયુ પ્રદૂષણમાં મોટો ઘટાડો થશે. પ્રદૂષણ ફેલાવતા જૂના વાહનોને હટાવવા માટે સરકાર વ્હીકલ સ્ક્રેપેજ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવી રહી છે. મારૂતિ સુઝુકીના પાર્થો બેનર્જીએ માહિતી આપી હતી કે ગયા નાણાકીય વર્ષમાં દેશમાં વેચાયેલા કુલ ગ્રીન વાહનોમાં લગભગ 50 ટકા હિસ્સો એકલી મારૂતિ સુઝુકી કંપનીનો રહ્યો છે, જે તેમની પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

જૂની કારોને ફ્લેક્સ-ફ્યુઅલમાં બદલવાની અપીલ

કાર્યક્રમ દરમિયાન નીતિન ગડકરીએ મારૂતિ સુઝુકી અને હીરો મોટોકોર્પ જેવી દિગ્ગજ કંપનીઓને એક ખાસ વિનંતી કરી હતી. તેમણે કંપનીઓને એવી ટેક્નોલોજી વિકસાવવા અપીલ કરી જેનાથી રસ્તા પર દોડતી કરોડો જૂની ગાડીઓને પણ ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોમાં રૂપાંતરિત કરી શકાય અને તેમને યુરો 6 (Euro 6) એમિશન નોર્મ્સને અનુરૂપ બનાવી શકાય. જો આ ટેક્નોલોજી સફળ થશે, તો દેશમાં જૂના વાહનોથી થતા પ્રદૂષણને એક ઝાટકે નિયંત્રિત કરી શકાશે.

ડીઝલમાં બ્લેન્ડિંગ અને હવાઈ ઈંધણ માટે રૂ.10,000 કરોડનું ફંડ

ભવિષ્યના ઈંધણને લઈને કેન્દ્રીય મંત્રીએ વધુ બે મોટી જાહેરાતો કરી હતી. તેમણે જણાવ્યું કે સરકાર ડીઝલના વિકલ્પ તરીકે તેમાં 15 ટકા આઇસોબ્યુટેનોલ (Isobutanol) બ્લેન્ડ કરવાની યોજના પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. આ ઉપરાંત, સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ (SAF) એટલે કે વિમાન માટેના પર્યાવરણ-અનુકૂળ બળતણને પ્રોત્સાહન આપવા માટે સરકારે રૂ.10,000 કરોડનું માતબર ફંડ ફાળવ્યું છે, અને આ હવાઈ ઈંધણ રૂ.115 પ્રતિ લીટરના દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: