ભારતનો મિડ-સાઈઝ SUV સેગમેન્ટ અત્યારે ખૂબ જ સ્પર્ધાત્મક બની ગયો છે. ફેબ્રુઆરી 2026 ના તાજેતરના વેચાણ અહેવાલ મુજબ, હ્યુન્ડાઈ કંપનીની ગાડી ટોચ પર રહી છે. આ સેગમેન્ટમાં મારુતિ સુઝુકી, ટોયોટા, કિઆ અને મહિન્દ્રા જેવી મોટી કંપનીઓને પછાડીને કઈ ગાડીએ ગ્રાહકોના દિલ જીત્યા છે, તેની વિગતો અહીં રજૂ કરવામાં આવી છે.
નંબર 1 પર હ્યુન્ડાઈ ક્રેટાનું વર્ચસ્વ
મિડ-સાઈઝ SUV સેગમેન્ટમાં એકવાર ફરી Hyundai Creta સૌથી ઉપર રહી છે. આ એસયુવીએ ફેબ્રુઆરી 2026 માં કુલ 17,938 યુનિટ્સનું વેચાણ કર્યું છે. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાની આ લોકપ્રિય ગાડી સતત વેચાણના દમ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખવામાં સફળ રહી છે. જો ગયા વર્ષની સરખામણી કરીએ તો, ફેબ્રુઆરી 2025 માં 16,317 યુનિટ્સ વેચાયા હતા, જેનો અર્થ છે કે આ વર્ષે વેચાણમાં 10 ટકાનો વધારો નોંધાયો છે.
બીજા સ્થાને મહિન્દ્રા સ્કોર્પિયો
આ લિસ્ટમાં બીજા ક્રમે Mahindra Scorpio રહી છે, જેના ગયા મહિને કુલ 14,665 યુનિટ્સ વેચાયા છે. સ્કોર્પિયોના આ આંકડામાં સ્કોર્પિયો N અને સ્કોર્પિયો ક્લાસિક બંનેનો સમાવેશ થાય છે. પોતાની દમદાર રોડ પ્રેઝન્સના કારણે આ ગાડી ખરીદદારોને સતત આકર્ષી રહી છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં 13,618 યુનિટ્સ વેચાયા હતા, એટલે કે સ્કોર્પિયો રેન્જમાં 8 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.
ત્રીજા નંબરે મારુતિની વિક્ટોરિસ
મારુતિ સુઝુકીની નવી એન્ટ્રી Maruti Suzuki Victoris આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે. ફેબ્રુઆરી 2026 માં આ ગાડીના 13,021 યુનિટ્સ વેચાયા છે. આ સેગમેન્ટમાં નવી હોવા છતાં વિક્ટોરિસ ઘણું સારું પ્રદર્શન કરી રહી છે. તેનું મુખ્ય કારણ એ છે કે આ ગાડી માઇલ્ડ-હાઇબ્રિડ અને સ્ટ્રોંગ-હાઇબ્રિડ એમ બંને પેટ્રોલ વિકલ્પોમાં ઉપલબ્ધ છે, જે ગ્રાહકોને વધુ પસંદ આવી રહ્યું છે.
ચોથા અને પાંચમા સ્થાને કિઆ અને ટોયોટા
ચોથા ક્રમે Kia Seltos રહી છે, જેના ગયા મહિને 10,308 યુનિટ્સ વેચાયા છે. ફેબ્રુઆરી 2025 માં આ આંકડો 6,446 હતો, એટલે કે ન્યૂ-જનરેશન મોડલ આવવાને કારણે વેચાણમાં 60 ટકાનો મોટો ઉછાળો આવ્યો છે. જ્યારે પાંચમા સ્થાને Toyota Urban Cruiser Hyryder એ પણ શાનદાર દેખાવ કર્યો છે. આ ગાડીના ફેબ્રુઆરી 2026 માં 9,359 યુનિટ્સ વેચાયા છે. ગયા વર્ષના 4,314 યુનિટ્સની સરખામણીએ તેમાં 117 ટકાનો જંગી વધારો જોવા મળ્યો છે.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો