એક સમયે રસ્તાઓ પર રાજ કરનાર લોકપ્રિય કાર 'ફોક્સવેગન પોલો' હવે નવા અવતારમાં પરત ફરી રહી છે. કંપનીએ Volkswagen ID Polo EV ના પ્રોડક્શન-રેડી મોડેલની તસવીરો જાહેર કરી છે, જે ID.2all કોન્સેપ્ટ પર આધારિત છે. આ કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક હેચબેક તેના ગ્લોબલ ડેબ્યૂ (મે મહિનામાં) પહેલા જ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. આ કાર 2022માં બંધ થયેલી જૂની પોલો કરતા ઘણી આધુનિક અને પાવરફુલ છે.
આકર્ષક એક્સટીરિયર અને આધુનિક ડિઝાઇન
નવી ID Polo EV ની ડિઝાઇન ખૂબ જ શાનદાર છે. તેમાં આગળના ભાગમાં પાતળી LED હેડલાઇટ્સ અને પ્રકાશિત VW લોગો આપવામાં આવ્યો છે, જે તેને પ્રીમિયમ લુક આપે છે. એરોડાયનેમિક્સને ધ્યાનમાં રાખીને, પાછળના દરવાજાના હેન્ડલ્સને C-પિલર પર રાખવામાં આવ્યા છે. આ કારની લંબાઈ 4,053 mm અને વ્હીલબેઝ 2,600 mm છે, જે તેને જૂની પોલો કરતા વધુ જગ્યા ધરાવતી બનાવે છે.
દમદાર બેટરી પેક અને 451 કિમીની રેન્જ
આ ઇલેક્ટ્રિક કારમાં ગ્રાહકોને બે બેટરી પેક વિકલ્પો મળશે: 38kWh અને 56kWh. જો તમે 56kWh ની બેટરી પસંદ કરો છો, તો તે સિંગલ ચાર્જ પર 451 કિમી સુધીની જોરદાર રેન્જ આપશે. આ કાર MEB+ પ્લેટફોર્મ પર બનેલી છે અને ફ્રન્ટ-વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ સાથે આવે છે. વધુમાં, તે 125kW ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે, જે લાંબી મુસાફરીમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
હાઇ-ટેક ઇન્ટિરિયર અને રેટ્રો થીમ
કારના કેબિનમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 13-ઇંચની મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 10.25-ઇંચનું ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે છે. ફોક્સવેગને તેની ‘પ્યોર પોઝિટિવ’ ફિલોસોફી હેઠળ ફિઝિકલ કંટ્રોલ્સ અને રોટરી ડાયલ પર ભાર મૂક્યો છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, આમાં 'રેટ્રો મોડ' આપવામાં આવ્યો છે, જે એમકે1 ગોલ્ફ જેવી ક્લાસિક કારોની યાદ અપાવે છે.
પાવરફુલ પરફોર્મન્સ અને સ્ટોરેજ
પરફોર્મન્સની વાત કરીએ તો, આ કારનું GTI વેરિઅન્ટ 226hp નો પાવર જનરેટ કરશે, જે સ્પીડ પ્રેમીઓ માટે ઉત્તમ રહેશે. આ સિવાય, ફેમિલી ટ્રીપ માટે પણ આ કાર પરફેક્ટ છે કારણ કે તેમાં 435 લિટરની વિશાળ બૂટ સ્પેસ આપવામાં આવી છે. હનીકોમ્બ ફ્રન્ટ ગ્રિલ અને વર્ટિકલ ડે-ટાઇમ રનિંગ લેમ્પ્સ તેને રોડ પર એક અલગ જ ઓળખ આપે છે.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો