દક્ષિણ કોરિયાની અગ્રણી ઓટોમોબાઈલ કંપની કિયા તેની લોકપ્રિય SUV સેલ્ટોસના બે નવા ટોપ-એન્ડ વેરિઅન્ટ્સ GTX(O) અને X-Line(O) લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. તાજેતરમાં Bharat NCAP ના ક્રેશ ટેસ્ટ દસ્તાવેજોમાં આ વેરિઅન્ટ્સનો ઉલ્લેખ જોવા મળ્યો છે, જે સ્પષ્ટ કરે છે કે કંપની ટૂંક સમયમાં તેને સત્તાવાર રીતે રજૂ કરશે. હાલના GTX(A) અને X-Line(A) મોડલ્સ કરતા આ નવા વેરિઅન્ટ્સમાં વધુ એડવાન્સ ફીચર્સ અને પ્રીમિયમ સુવિધાઓ ઉમેરવામાં આવશે.
5-સ્ટાર સેફ્ટી રેટિંગ અને મજબૂત પકડ
વર્ષ 2026 કિયા સેલ્ટોસ માટે અત્યાર સુધી અત્યંત સફળ સાબિત થયું છે. આ SUV એ ભારત NCAP ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગ પ્રાપ્ત કરીને ભારતીય રસ્તાઓ પર પોતાની મજબૂતી સાબિત કરી છે. આ ઉપરાંત, 6 લાખ યુનિટ્સના વેચાણનો આંકડો પાર કરીને સેલ્ટોસે મધ્યમ કદની SUV સેગમેન્ટમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. હવે નવા વેરિઅન્ટ્સ દ્વારા કંપની ગ્રાહકોને વધુ સુરક્ષિત અને ફીચર-રિચ અનુભવ આપવા માંગે છે.
નવીનતમ ફીચર્સ અને ટેકનોલોજી
નવા વેરિઅન્ટ્સમાં સૌથી મોટો ફેરફાર હેડ-અપ ડિસ્પ્લે (HUD) ના પુનરાગમન સાથે જોવા મળશે, જે ડ્રાઈવરને રસ્તા પરથી નજર હટાવ્યા વિના જરૂરી માહિતી પૂરી પાડશે. આ ઉપરાંત, સુરક્ષા માટે ઇનબિલ્ટ ડેશકેમ, શુદ્ધ હવા માટે એર પ્યુરીફાયર અને ફ્રન્ટ પેસેન્જર માટે પાવર્ડ સીટ્સ જેવી સુવિધાઓ મળશે. તેમાં 12.3-ઇંચની મોટી ટચસ્ક્રીન, પેનોરોમિક સનરૂફ, Bose ની 8-સ્પીકર સાઉન્ડ સિસ્ટમ અને લેવલ-2 ADAS (એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ) પણ સામેલ હશે.
ડિઝાઇન અને એન્જિન વિકલ્પો
ડિઝાઇનના મોરચે, GTX(O) માં સ્પોર્ટી બમ્પર્સ અને ખાસ ડિઝાઇનવાળા એલોય વ્હીલ્સ સાથે ગ્રીન બ્રેક કેલિપર્સ જોવા મળશે. જ્યારે X-Line(O) વેરિઅન્ટમાં તેની સિગ્નેચર મેટ ફિનિશ પેન્ટ સ્કીમ અને બ્લેક થીમ યથાવત રહેશે. એન્જિનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી; ગ્રાહકોને 1.5-લિટર ટર્બો પેટ્રોલ (160hp) અને 1.5-લિટર ડીઝલ એન્જિન (116PS) ના વિકલ્પો મળશે, જે અનુક્રમે 7-સ્પીડ DCT અને 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડાયેલા હશે.
સંભવિત લોન્ચ અને કિંમત
મીડિયા રિપોર્ટ્સ મુજબ આ નવા વેરિઅન્ટ્સ મે અથવા જૂન 2026 સુધીમાં લોન્ચ થઈ શકે છે. આ નવા મોડલ્સની એક્સ-શોરૂમ કિંમત અંદાજે રૂ.19 લાખથી રૂ.22 લાખ ની વચ્ચે રહેવાની શક્યતા છે. કિયા તેના આ નવા લોન્ચિંગ સાથે ભારતીય બજારમાં અન્ય હરીફ SUV જેવી કે હ્યુન્ડાઈ ક્રેટા અને મારુતિ ગ્રાન્ડ વિટારા સામે પોતાની સ્પર્ધા વધુ તેજ બનાવશે.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો