નવા વર્ષની શરૂઆત સાથે જ ભારતીય ઓટોમોબાઈલ બજારમાં વાહનોની કિંમતોમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. કાચા માલની વધતી કિંમતો અને ડોલર સામે રૂપિયાની નબળાઈને કારણે અનેક દિગ્ગજ કંપનીઓએ જાન્યુઆરીથી ભાવ વધારવાની તૈયારી કરી લીધી છે, જેનાથી ગ્રાહકોના ખિસ્સા પર સીધો બોજ પડશે.
કેમ વધી રહી છે કિંમતો?
ઉદ્યોગ જગતના નિષ્ણાતોના મતે તાંબુ, એલ્યુમિનિયમ, પ્લેટિનમ અને પેલેડિયમ જેવી કિંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. નવેમ્બર સુધીના આઠ મહિનામાં પ્લેટિનમમાં 36% અને પેલેડિયમમાં 19% નો વધારો નોંધાયો છે. આ ધાતુઓ મોટે ભાગે આયાત કરવામાં આવે છે, તેથી રૂપિયો નબળો પડીને 90 ના સ્તરે પહોંચતા ઉત્પાદન ખર્ચમાં મોટો વધારો થયો છે. ઉપરાંત, નવા એનર્જી રેટિંગને કારણે પણ ખર્ચ વધ્યો છે.













