ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) ક્ષેત્રે પોતાનું એકહથ્થુ શાસન જાળવી રાખવા માટે ટાટા મોટર્સ સજ્જ થઈ ગયું છે. કંપની આ વર્ષે તેના પોર્ટફોલિયોમાં ત્રણ મહત્વપૂર્ણ ફેરફારો અને નવા લોન્ચિંગ કરવા જઈ રહી છે, જેમાં સીએરા EV, ટિયાગો EV ફેસલિફ્ટ અને લક્ઝરી સેગમેન્ટમાં અવીન્યા X નો સમાવેશ થાય છે. વધતી જતી સ્પર્ધા વચ્ચે ટાટા મોટર્સ ગ્રીન મોબિલિટીમાં નવા બેન્ચમાર્ક સેટ કરવા માટે આક્રમક રીતે આગળ વધી રહી છે.
ટાટા સીએરા EV: આધુનિક અવતારમાં ક્લાસિક લુક
ટાટા મોટર્સ તેની સૌથી લોકપ્રિય અને પ્રતિષ્ઠિત બ્રાન્ડ સીએરાને આગામી 19 મે 2026ના રોજ ઇલેક્ટ્રિક અવતારમાં લોન્ચ કરવા જઈ રહી છે. આ કારની ખાસિયત તેની આધુનિક ડિઝાઇન સાથેનો ક્લાસિક ટચ છે, જેમાં પેનોરેમિક રિયર ગ્લાસ અને ક્લેમશેલ ટેલગેટ જોવા મળશે. ટેકનિકલ રીતે સજ્જ આ EVમાં પેનોરેમિક સનરૂફ, લેવલ 2 ADAS સિસ્ટમ અને 12-સ્પીકર જેબીએલ ઓડિયો સિસ્ટમ જેવા પ્રીમિયમ ફીચર્સ હશે, જે તેને આ વર્ષનું સૌથી મોટું લોન્ચિંગ બનાવે છે.
ટિયાગો EV ફેસલિફ્ટ: બજેટ ફ્રેન્ડલી કારમાં પ્રીમિયમ ફેરફાર
વર્ષ 2026ના મધ્ય સુધીમાં ટાટા મોટર્સ તેની સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક હેચબેક, ટિયાગો EVનું ફેસલિફ્ટ વર્ઝન બજારમાં ઉતારશે. આ નવા મોડલમાં ખાસ કરીને એક્સટીરિયર ડિઝાઈન પર ધ્યાન આપવામાં આવ્યું છે, જેમાં નવું ફ્રન્ટ ફેસિયા અને રિડિઝાઈન કરેલા વ્હીલ્સ જોવા મળશે. ઇન્ટિરિયરની વાત કરીએ તો, તેમાં હવે બેકલીટ લોગો સાથેનું નવું ટુ-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ અને મોટી ફ્લોટિંગ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ જેવી સુવિધાઓ ગ્રાહકોને આકર્ષશે.
ટાટા અવીન્યા X: લક્ઝરી અને હાઈ-રેન્જનો સંગમ
વર્ષના અંત સુધીમાં ટાટા મોટર્સ 'અવીન્યા' સીરીઝ સાથે લક્ઝરી EV માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી કરશે. આ કારની સૌથી મોટી વિશેષતા તેની રેન્જ છે, જે એક સિંગલ ચાર્જ પર 500 થી 720 કિલોમીટર સુધીની મુસાફરી કરી શકશે. અવીન્યા સંપૂર્ણપણે શુદ્ધ ઇલેક્ટ્રિક પ્લેટફોર્મ પર આધારિત હશે, જેનો અર્થ છે કે તેનું કોઈ ફ્યુઅલ વર્ઝન ઉપલબ્ધ નહીં હોય. આ હાઇ-ટેક કારનું વેચાણ કંપનીના વિશેષ પ્રીમિયમ આઉટલેટ્સ દ્વારા કરવામાં આવશે.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો