ભારતમાં ઇથેનોલથી ચાલતા વાહનોને પ્રોત્સાહન આપવાની દિશામાં મોટું પગલું ભરતા Hero MotoCorpએ તાજેતરમાં જ પોતાની નવી Splendor+ Flex-Fuel અને HF Deluxe Flex-Fuel મોટરસાઇકલ લૉન્ચ કરી છે. લૉન્ચિંગ કાર્યક્રમમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી પણ હાજર હતા, જેઓ લાંબા સમયથી ઇથેનોલ ઇંધણના સમર્થક રહ્યા છે.
ડિલિવરી જુલાઈ 2026થી શરૂ થશે
રસપ્રદ વાત એ છે કે લૉન્ચ થયાના ગણતરીના દિવસોમાં જ હીરોએ બંને ફ્લેક્સ-ફ્યુઅલ બાઈક્સ પર રૂ.4,000નું ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કરી દીધું છે. આનાથી આ બાઈક્સ અને સામાન્ય E20 પેટ્રોલ વાળી બાઈક્સ વચ્ચેની કિંમતનો તફાવત ઘણો ઓછો થઈ ગયો છે. આ બાઈક્સની ડિલિવરી જુલાઈ 2026થી શરૂ થશે.
હવે કિંમતમાં ખૂબ જ ઓછો તફાવત
ડિસ્કાઉન્ટ બાદ Splendor+ Flex-Fuelની એક્સ-શોરૂમ કિંમત રૂ.78,710 રહી ગઈ છે. એટલે કે તે સામાન્ય E20 મોડલ કરતાં માત્ર રૂ.1,153 મોંઘી છે. જ્યારે HF Deluxe Flex-Fuelની કિંમત ડિસ્કાઉન્ટ બાદ રૂ.68,792 થઈ ગઈ છે. ખાસ વાત એ છે કે તે પોતાના સમાન E20 મોડલ કરતાં રૂ.1,650 સસ્તી મળી રહી છે. આ ઑફર હાલમાં જુલાઈ 2026 સુધી જ છે.
સરકાર ઇથેનોલ મિશનને ઝડપથી આગળ વધારી રહી છે
તાજેતરમાં જ નિતિન ગડકરીએ જાહેરાત કરી હતી કે E100 ફ્યુઅલ (100% ઇથેનોલ) માટેના નિયમોને મંજૂરી આપી દેવામાં આવી છે. આનાથી ભવિષ્યમાં એવા વાહનો રસ્તા પર આવી શકશે જે સંપૂર્ણપણે ઇથેનોલ પર ચાલી શકે. હીરોની નવી ફ્લેક્સ-ફ્યુઅલ મોટરસાઇકલ દેશની એવી શરૂઆતની કમ્યુટર બાઈક્સમાં સામેલ છે જે E20થી લઈને E85 સુધીના ઇથેનોલ મિશ્રિત ઇંધણ પર ચાલી શકે છે.
શું ગ્રાહકો તૈયાર છે?
આ ટેક્નોલોજી સરકારની ભવિષ્યની યોજના સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે, પરંતુ શરૂઆતમાં આપવામાં આવેલી છૂટ એ પણ દર્શાવે છે કે ગ્રાહકો હજુ પણ સૌથી પહેલા બાઈકની કિંમત જુએ છે. ભારતના કમ્યુટર બાઈક માર્કેટમાં લોકો ઓછી કિંમત અને બહેતર માઇલેજને પ્રાથમિકતા આપે છે. એવામાં ફ્લેક્સ-ફ્યુઅલ ટેક્નોલોજી અપનાવવા માટે કંપનીઓએ વધારાનું પ્રોત્સાહન (ડિસ્કાઉન્ટ) આપવું પડી શકે છે.
એન્જિનમાં શું ફેરફાર કરવામાં આવ્યા છે?
બંને બાઈકમાં હીરોનું જાણીતું 97.2cc સિંગલ-સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે. પરંતુ તેને વધુ ઇથેનોલ ધરાવતા ઇંધણ પર ચલાવવા માટે અપડેટ કરવામાં આવ્યું છે. આ માટે ECU મેપિંગ બદલવામાં આવ્યું છે, ફ્યુઅલ સિસ્ટમને વધુ મજબૂત બનાવવામાં આવી છે અને E20થી E85 સુધીના ઇંધણ પર ચાલવાની ક્ષમતા આપવામાં આવી છે. આના કારણે આ બાઈક્સ ભવિષ્યમાં ઇથેનોલની વધતી ઉપલબ્ધતા માટે તૈયાર માનવામાં આવી રહી છે. હાલમાં Hero આ ફ્લેક્સ-ફ્યુઅલ બાઈક્સને દિલ્હી અને મહારાષ્ટ્રના કેટલાક પસંદગીના વિસ્તારોમાં જ વેચશે, ત્યારબાદ તેને દેશના અન્ય ભાગોમાં પણ લૉન્ચ કરવામાં આવશે.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો