વૈશ્વિક સ્તરે ઇલેક્ટ્રિક વાહનો (EV) પ્રત્યેનો ક્રેઝ વધી રહ્યો છે, પરંતુ ગ્રાહકોમાં હજુ પણ 'રેન્જ' (એકવાર ચાર્જ કરવા પર કેટલું અંતર કાપશે) ને લઈને ચિંતા જોવા મળે છે. આ સમસ્યાના ઉકેલ રૂપે BMW એ પોતાની નવી ઇલેક્ટ્રિક સેડાન i3 રજૂ કરી છે. આ કાર કંપનીના અત્યાધુનિક 'Neue Klasse' પ્લેટફોર્મ પર આધારિત છે. ખાસ વાત એ છે કે આ નવી i3 અગાઉની હેચબેક મોડલ કરતા તદ્દન અલગ છે અને તેને સંપૂર્ણપણે નવા ઇલેક્ટ્રિક વ્હીકલ તરીકે ડિઝાઇન કરવામાં આવી છે.
પાવરફુલ બેટરી અને ચાર્જિંગ ક્ષમતા
નવી BMW i3 તેના પાવર અને પરફોર્મન્સ માટે જાણીતી બનશે. આ કારમાં 800-વોલ્ટની સિસ્ટમ આપવામાં આવી છે. જોકે બેટરીની ચોક્કસ ક્ષમતા હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે તે iX3 ની જેમ આશરે 108.7 kWh ની હોઈ શકે છે. આ કાર 469 હોર્સપાવર અને 645 Nm ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે આ કાર એકવાર ફુલ ચાર્જ થવા પર 900 કિલોમીટર સુધીની રેન્જ આપી શકે છે. સૌથી આકર્ષક બાબત એ છે કે તે 22kW ફાસ્ટ AC ચાર્જરની મદદથી માત્ર 10 મિનિટમાં 400 કિમી ચાલે તેટલી ચાર્જ થઈ શકે છે.
આધુનિક ડિઝાઇન અને લુક
ડિઝાઇનની વાત કરીએ તો i3 માં BMW ની પરંપરાગત ઓળખ સાથે આધુનિકતાનો સમન્વય જોવા મળે છે. કારના આગળના ભાગમાં પાતળી હેડલેમ્પ, સ્પોર્ટી બોનેટ અને એરોડાયનેમિક બમ્પર આપવામાં આવ્યા છે. સાઇડ પ્રોફાઇલ ખૂબ જ સ્લીક છે, જેમાં શોલ્ડર લાઇન અને BMW ની ખાસ ઓળખ સમાન 'Hofmeister' કર્વ જોવા મળે છે. કારનો પાછળનો ભાગ ફ્લેટ ડિઝાઇન અને આકર્ષક ટેલલેમ્પ સાથે તૈયાર કરવામાં આવ્યો છે, જે તેને પ્રીમિયમ લુક આપે છે.
ઇન્ટિરિયર અને હાઇ-ટેક ફીચર્સ
કારની અંદરનું વાતાવરણ અત્યંત આધુનિક અને મિનિમલ રાખવામાં આવ્યું છે. ડેશબોર્ડ પર એક લાંબી પેનોરેમિક સ્ક્રીન આપવામાં આવી છે, જેમાં સ્પીડોમીટર, ઇન્ફોટેનમેન્ટ અને પેસેન્જર ડિસ્પ્લેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ડેશબોર્ડની નીચેના ભાગમાં એક વધારાની ટચસ્ક્રીન પણ ઉપલબ્ધ છે. નવા ડિઝાઇનના સ્ટીયરિંગ વ્હીલ અને ડિજિટલ ફીચર્સ સાથે આ કારનું કેબિન ભવિષ્યની કાર જેવો અનુભવ કરાવે છે.
ઉત્પાદન અને ભારત આગમન
નવી BMW i3 નું ઉત્પાદન ઓગસ્ટ 2026 થી જર્મનીના મ્યુનિક પ્લાન્ટમાં શરૂ થશે. આંતરરાષ્ટ્રીય સ્તરે, 2026 ના અંત સુધીમાં યુકેમાં અને 2027 માં અમેરિકામાં તેની ડિલિવરી શરૂ થવાની ધારણા છે. ભારતીય બજારની વાત કરીએ તો, અહીં સૌથી પહેલા BMW iX3 લોન્ચ થવાની શક્યતા છે અને ત્યારબાદ જ i3 ને ભારતમાં લોન્ચ કરવામાં આવી શકે છે. આ કાર આગામી સમયમાં BMW ની લોકપ્રિય '3 Series' ની ડિઝાઇનની દિશા પણ નક્કી કરશે.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો