ભારતીય ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માર્કેટમાં એથર એનર્જીના પોપ્યુલર ઇલેક્ટ્રિક સ્કૂટર Riztaએ એક મોટી સફળતા હાંસલ કરી છે. એથર એનર્જીએ જાહેરાત કરી છે કે તેના Rizta ઇલેક્ટ્રિક સ્કૂટરની કુલ વેચાણનો આંકડો 2 લાખ યુનિટ્સને પાર કરી ગયો છે. કંપનીએ આ રેકોર્ડ માત્ર છ મહિનાના ગાળામાં બનાવ્યો છે કારણ કે મે 2025 માં તેણે 1 લાખ યુનિટ્સની વેચાણ હાંસલ કરી હતી. આ ફેમિલી સ્કૂટર હવે કંપનીની કુલ વેચાણના 70%થી વધુ હિસ્સો ધરાવે છે.
ઉત્તર અને મધ્ય ભારતમાં પ્રભુત્વ
એપ્રિલ 2024માં લૉન્ચ થયેલા Riztaએ એથરની બજાર પકડને દક્ષિણ ભારતથી આગળ વધારીને હવે મધ્ય ભારત અને ઉત્તર ભારતમાં મજબૂત કરી છે. કંપનીને ખાસ કરીને મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ઝડપી વૃદ્ધિ મળી છે. જ્યાં માર્કેટ શેર FY26 ના પ્રથમ ક્વાર્ટરમાં 7%થી વધીને ત્રીજા ક્વાર્ટરમાં 14% થયો છે. પંજાબમાં પણ 8%થી 15% અને ઉત્તર પ્રદેશમાં 4%થી 10% સુધીની નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે.
કિંમત અને ફીચર્સ
સ્કૂટરની સફળતામાં 3.7 kWh બેટરીવાળા Rizta S મોડેલ અને ટેરાકોટા રેડ જેવા નવા વેરિઅન્ટનો મોટો ફાળો છે. Rizta S અને Rizta Z બંને મોડેલ્સમાં અનુક્રમે 123 km અને 159 kmની IDC રેન્જ મળે છે. તેમાં 56 લિટરનું વિશાળ સ્ટોરેજ, સ્કિડ કંટ્રોલ અને ફૉલ સેફ જેવા સુરક્ષા ફીચર્સ પણ ઉપલબ્ધ છે. દિલ્હીમાં સ્કૂટરની ઑન-રોડ કિંમત રૂ.1.22 લાખથી શરૂ થઈને ટોપ મોડેલ માટે રૂ.1.75 લાખ સુધી જાય છે.
કંપનીનું વિસ્તરણ અને નેટવર્ક
Rizta ના લૉન્ચિંગ બાદ એથરે પોતાનું રિટેલ નેટવર્ક વધારીને 524 એક્સપિરિયન્સ સેન્ટર સુધી પહોંચાડ્યું છે. કંપનીએ તાજેતરમાં સમગ્ર ભારતમાં 5 લાખથી વધુ ઇલેક્ટ્રિક સ્કૂટર વેચવાનો આંકડો પણ પાર કર્યો છે. એથર એનર્જીના ચીફ બિઝનેસ ઓફિસર, રવનીત સિંહ ફોકેલાએ જણાવ્યું કે કંપની હવે વધુ ગહનતા સાથે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. એથર હાલમાં નેપાળ અને શ્રીલંકા જેવા આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ ઉપલબ્ધ છે અને ભારતમાં સૌથી મોટું ટુ-વ્હીલર ફાસ્ટ-ચાર્જિંગ નેટવર્ક ચલાવે છે, જેમાં વિશ્વભરમાં 4,322 ચાર્જર્સ છે.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો