દુનિયાની જાણીતી કાર નિર્માતા કંપની લેન્ડ રોવરના ખાસ ડિવિઝન 'લેન્ડ રોવર ક્લાસિક' (Land Rover Classic) દ્વારા જૂની યાદોને તાજી કરાવતી એક અત્યંત અનોખી અને વૈભવી એસયુવી 'ક્લાસિક ડિફેન્ડર વી8' (Classic Defender V8) રજૂ કરવામાં આવી છે. આ કારની સૌથી મોટી ખાસિયત એ છે કે તે પોતાનો રંગ આપમેળે બદલે છે. કંપનીએ માત્ર એક જ પ્રીમિયમ ગ્રાહકની સ્પેશિયલ ડિમાન્ડ પર ચાર અલગ-અલગ બોડી સ્ટાઈલવાળી ડિફેન્ડર કારોને બિલકુલ નવા અંદાજમાં તૈયાર કરી છે.
રોશની અને એંગલ બદલાતા જ બદલાય છે રંગ
આ ખાસ કલેક્શનની સૌથી આકર્ષક બાબત તેનું જાદુઈ ગણી શકાય તેવું પેઇન્ટ વર્ક છે. આ તમામ ગાડીઓ પર 'સ્પેક્ટ્રલ ગ્રીન' નામનો એક અનોખો કલર કરવામાં આવ્યો છે. આ પેઇન્ટ રોશની અને જોનારાના એંગલના હિસાબે પોતાનો રંગ બદલે છે. તેને જોતાં જ તે ક્યારેક લીલી, ક્યારેક જાંબલી તો ક્યારેક સોનેરી રંગની દેખાય છે. કંપનીના જણાવ્યા અનુસાર, માત્ર આ પેઇન્ટને એકદમ પરફેક્ટ ફિનિશિંગ આપવા માટે લેબોરેટરીમાં દરેક ગાડી પર આશરે 400 કલાકની સખત મહેનત કરવામાં આવી છે. આ જ ખાસ રંગ કારના 18-ઇંચના એલોય વ્હીલ્સ અને ડેશબોર્ડ પર પણ જોવા મળે છે.
ચાર અલગ-અલગ મોડલનો સમાવેશ
આ અનોખા કલેક્શન અંતર્ગત કંપનીએ એક જ ગ્રાહક માટે ચાર શાનદાર મોડલ તૈયાર કર્યા છે. જેમાં ડિફેન્ડર 90 સ્ટેશન વેગન, 90 સોફ્ટ ટોપ, 110 સ્ટેશન વેગન અને આ સિરીઝમાં પહેલીવાર રજૂ કરવામાં આવેલી 110 ડબલ કેબ પિક-અપ કારનો સમાવેશ થાય છે. આ ચારેય મોડલ દેખાવમાં અને ફીચર્સમાં એકબીજાથી તદ્દન અલગ અને આધુનિક છે.
કેબિનમાં આલીશાન અને હાઇ-ટેક ફીચર્સ
વિન્ટેજ લુક ધરાવતી આ કારની અંદર લક્ઝરી અને ટેકનોલોજીનું શાનદાર મિશ્રણ જોવા મળે છે. કેબિનની અંદર પ્રીમિયમ કિંમતી વનીલા લેધરની સીટો આપવામાં આવી છે, જેના પર આકર્ષક ગ્રીન કલરનું સ્ટીચિંગ (સિલાઈ) કરાયું છે. આ ઉપરાંત કારના ફ્લોર મેટ્સ પર અતિ વૈભવી સુપરવૂલ કાર્પેટ બિછાવવામાં આવ્યા છે. ઇન્ફોટેનમેન્ટ માટે કારમાં 9-ઇંચની નવી ટચસ્ક્રીન સિસ્ટમ છે, જે વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટોને સપોર્ટ કરે છે. સાથે જ તેમાં રિયર વ્યુ કેમેરા અને શાનદાર સાઉન્ડ સિસ્ટમ પણ ઉપલબ્ધ કરાવાઈ છે.
સ્પોર્ટ્સ કાર જેવો પાવરફુલ V8 એન્જિન
આ કલર ચેન્જિંગ એસયુવીમાં માત્ર લુક જ નહીં પરંતુ પાવરનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમાં 5.0-લીટરનું મોટું V8 પેટ્રોલ એન્જિન લગાવવામાં આવ્યું છે, જે 405 PSનો જબરદસ્ત પાવર અને 515 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ પાવરફુલ એન્જિનને 8-સ્પીડ ZF ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. કારની તેજ રફતારને નિયંત્રિત કરવા માટે કંપનીએ તેના સસ્પેન્શન, સ્પ્રિંગ્સ અને બ્રેક્સને સંપૂર્ણપણે અપગ્રેડ કરીને 4-પિસ્ટનવાળા મોટા ડિસ્ક બ્રેક આપ્યા છે.
કઈ રીતે બને છે આ ખાસ કાર?
નોંધનીય છે કે આ કાર સામાન્ય ગાડીઓની જેમ શોરૂમમાં વેચાતી નથી, પરંતુ તેને ઓર્ડર મળ્યા બાદ સંપૂર્ણપણે હાથથી તૈયાર કરવામાં આવે છે. આ પ્રક્રિયા અંતર્ગત કંપની સૌથી પહેલા વર્ષ 2012થી 2016 દરમિયાન બનેલી કોઈ જૂની ડિફેન્ડર કાર શોધે છે. ત્યારબાદ તે જૂની કારના પાર્ટને ખોલીને અલગ કરી દેવાય છે. આ તમામ પ્રક્રિયા બાદ આધુનિક ટેકનોલોજી, નવું એન્જિન અને હાઇ-ટેક ફીચર્સ સાથે કારને તદ્દન નવા સિરેથી ફરીથી એસેમ્બલ કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે લેન્ડ રોવર આ લિમિટેડ એડિશન કાર પર એક વર્ષની અનલિમિટેડ કિલોમીટરની વોરંટી પણ પ્રદાન કરે છે.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો