કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં મારુતિ ગ્રાન્ડ વિટારા અને કિઆ સેલ્ટોસ જેવી ગાડીઓને ટક્કર આપવા માટે ફોક્સવેગન ટાઈગુન (Volkswagen Taigun) નું ફેસલિફ્ટ વર્ઝન તૈયાર થઈ રહ્યું છે. આ ફેસલિફ્ટ મોડલ એપ્રિલ 2026 માં લોન્ચ થવાની શક્યતા છે, જેમાં ઘણા મોટા ફેરફારો જોવા મળશે.

લોકપ્રિયતા અને જર્મન એન્જિનિયરિંગ

2021 માં લોન્ચ થયા પછી, ફોક્સવેગન ટાઈગુનને ભારતીય બજારમાં ખૂબ પસંદ કરવામાં આવી છે. તેની સૌથી મોટી ખાસિયત તેનો જર્મન ડ્રાઇવિંગ અનુભવ, મજબૂત ટર્બો પેટ્રોલ એન્જિન અને શાનદાર સેફ્ટી રેટિંગ છે. અત્યાર સુધી કંપનીએ નવા વેરિઅન્ટ્સ અને સ્પેશિયલ એડિશન દ્વારા તેને માર્કેટમાં લોકપ્રિય બનાવી રાખી છે, પરંતુ હવે આ SUV એક મોટા મેકઓવર માટે તૈયાર છે.

ડિઝાઇનમાં ધરખમ ફેરફાર

નવી ટાઈગુન ફેસલિફ્ટમાં ફ્રન્ટ લુકમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. તેમાં નવી ડિઝાઇન કરેલી ગ્રિલ અને હેડલેમ્પ સેટઅપ મળશે, જે ફોક્સવેગન ટેરન (Tayron) થી પ્રેરિત હશે. હેડલેમ્પની વચ્ચે LED લાઈટ બાર આપવામાં આવી શકે છે, જેમાં વચ્ચે ચમકતો VW લોગો હશે. આ ઉપરાંત, ફ્રન્ટ બમ્પરને પણ નવું લુક આપવામાં આવશે, જેમાં નવા ફોગ લેમ્પ અને મોટું એર ડેમ જોવા મળી શકે છે. સાઇડ પ્રોફાઇલમાં નવા એલોય વ્હીલ્સ અને પાછળના ભાગમાં અપડેટેડ LED ટેલલાઇટ અને નવું બમ્પર હશે.

લક્ઝરી અને હાઈ-ટેક ફીચર્સ

ઇન્ટિરિયરમાં ફીચર્સના મામલે આ SUV પહેલા કરતા વધુ એડવાન્સ હશે. તેમાં પેનોરોમિક સનરૂફ, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, 10.2 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 10.25 ઇંચનું ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. આ સિવાય વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, પાછળની સીટોમાં મસાજ ફંક્શન અને વાયરલેસ ફોન ચાર્જર જેવા પ્રીમિયમ ફીચર્સ પણ ઉમેરવામાં આવશે, જે મુસાફરીને વધુ આરામદાયક બનાવશે.

એન્જિન પાવર અને ટ્રાન્સમિશન

એન્જિનની વાત કરીએ તો નવી ટાઈગુનમાં હાલના 1.0 લિટર અને 1.5 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન જ ચાલુ રહી શકે છે, જે અનુક્રમે 115 bhp અને 150 bhp પાવર જનરેટ કરે છે. જોકે, નાના એન્જિન સાથે નવું 8-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ મળવાની સંભાવના છે, જ્યારે 1.5 લિટર એન્જિન સાથે 7-સ્પીડ DCT ગિયરબોક્સ પહેલા જેવું જ રહેશે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો