હોન્ડા કંપની પોતાની નવી ઇલેક્ટ્રિક SUV Honda 0 Alpha EVને લોન્ચ કરવાની તડામાર તૈયારીઓ કરી રહી છે. આ કારનું સતત ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને તાજેતરમાં જ તેના ઇન્ટિરિયર (કેબિન)ની પહેલી ઝલક સામે આવી છે. ભારતમાં આ મોડલનું માર્ચ 2026થી ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને એવી પ્રબળ શક્યતા છે કે કંપની તેને 2027ની શરૂઆતમાં લોન્ચ કરી શકે છે. નવી સ્પાય તસવીરો પરથી આ કારના કેબિન ડિઝાઇન અને શાનદાર ફીચર્સ વિશે ઘણી મહત્વની વિગતો લીક થઈ છે.

આધુનિક ડેશબોર્ડ અને મોટો ટચસ્ક્રીન ડિસ્પ્લે

જો આ ઇલેક્ટ્રિક એસયુવીના ઇન્ટિરિયરની વાત કરીએ તો તે ખૂબ જ મોર્ડન અને એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ દેખાય છે. ડેશબોર્ડની મધ્યમાં એક મોટો ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવ્યો છે, જે કેબિનનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર છે. આ ઉપરાંત, ડ્રાઇવરની સુવિધા માટે સ્ટીયરિંગ વ્હીલની બરાબર પાછળ એક નાનું ડિજિટલ ડિસ્પ્લે પણ લગાવવામાં આવ્યું છે. આ સેટઅપ ડ્રાઇવિંગ કરતી વખતે જરૂરી તમામ માહિતી સરળતાથી જોવામાં મદદરૂપ સાબિત થશે.

પ્રીમિયમ સ્ટીયરિંગ વ્હીલ અને ફિઝિકલ કંટ્રોલ્સ

ગાડીને સ્પોર્ટી લુક આપવા માટે તેમાં ત્રણ સ્પોક ધરાવતું 'ફ્લેટ-બોટમ' સ્ટીયરિંગ વ્હીલ આપવામાં આવ્યું છે. આ ઇલેક્ટ્રિક કારમાં પેડલ શિફ્ટર્સ મળવાની પણ આશા છે, જેનો ઉપયોગ સામાન્ય રીતે ઇલેક્ટ્રિક વાહનોમાં રિજનરેટિવ બ્રેકિંગને કંટ્રોલ કરવા માટે થાય છે. આ ફીચર ડ્રાઇવિંગ એક્સપિરિયન્સને વધુ શાનદાર બનાવશે. ખાસ વાત એ છે કે, ઇલેક્ટ્રિક કાર હોવા છતાં હોન્ડાએ આમાં પૂરેપૂરા ટચ-બેઝ્ડ કંટ્રોલ્સ નથી આપ્યા. સેન્ટર કન્સોલ પર ક્લાઇમેટ કંટ્રોલ અને સીટ વેન્ટિલેશન જેવા ફંક્શન માટે ફિઝિકલ બટનો રાખવામાં આવ્યા છે, જે યુઝર ફ્રેન્ડલી અનુભવ આપશે.

ફ્યુચરિસ્ટિક ડિઝાઇન અને આકર્ષક એક્સટેરિયર

Honda 0 Alphaનું ડેશબોર્ડ લેયર્ડ સ્ટાઇલમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે કેબિનને ભવિષ્યની કાર જેવો (ફ્યુચરિસ્ટિક) લુક આપે છે. જો કે, આ હજી એક પ્રોટોટાઇપ (ટેસ્ટિંગ) મોડલ હોવાથી પ્રોડક્શન વર્ઝનમાં થોડા ફેરફાર થઈ શકે છે. એક્સટેરિયરની વાત કરીએ તો, તેનો લુક હોન્ડાના હાલના મોડલ્સ કરતાં તદ્દન અલગ છે. આ કારમાં બોક્સી શેપ, સીધી અને મજબૂત બોડી લાઇન્સ અને મોટા વ્હીલ આર્ચ આપવામાં આવ્યા છે. ફ્રન્ટમાં રેક્ટેન્ગ્યુલર શેપની સાથે યુનિક હેડલેમ્પ્સ અને રિયરમાં વર્ટિકલ ટેલ લેમ્પ્સ તેમજ સીધું ટેલગેટ તેને પાવરફુલ SUV લુક આપે છે.

પાવરફુલ બેટરી અને બજારમાં આકરી ટક્કર

રિપોર્ટ્સ અનુસાર, આ ઇલેક્ટ્રિક SUVમાં CATL કંપનીની ઇન્ડોનેશિયા યુનિટ દ્વારા નિર્મિત બેટરી પેકનો ઉપયોગ કરવામાં આવી શકે છે, જો કે તેની સત્તાવાર ક્ષમતા અને રેન્જની વિગતો હજી જાહેર થઈ નથી. માર્કેટમાં લોન્ચ થયા બાદ Honda 0 Alpha EVની સીધી ટક્કર મિડ-સાઇઝ ઇલેક્ટ્રિક SUV સેગમેન્ટમાં થશે. આ કાર ભારતીય બજારમાં Mahindra BE 6, MG ZS EV, Hyundai Creta Electric, Tata Sierra EV, Maruti Suzuki e Vitara અને Toyota Urban Cruiser EV જેવી દિગ્ગજ ગાડીઓને જોરદાર ટક્કર આપશે. શાનદાર ડિઝાઇન અને નવી ટેકનોલોજી સાથે હોન્ડા બજારમાં ધમાકેદાર એન્ટ્રી કરવા માટે તૈયાર છે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો