ટોયોટા કિર્લોસ્કર મોટરે ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં પોતાની પ્રથમ ઈલેક્ટ્રિક કાર અર્બન ક્રૂઝર એબેલા (Urban Cruiser Ebella) લોન્ચ કરી દીધી છે. આ કાર મારુતિ સુઝુકીની ઈ-વિટારાનું રીબેજ્ડ વર્ઝન છે, જેમાં આકર્ષક અને મસ્ક્યુલર ડિઝાઇન એલિમેન્ટ્સ જોવા મળે છે. કંપનીએ હાલમાં તેના ટોપ વેરિઅન્ટની શરૂઆતી કિંમત 23.60 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) જાહેર કરી છે. માર્કેટમાં આ પ્રીમિયમ SUVની સીધી ટક્કર હ્યુન્ડાઈ ક્રેટા ઈવી, એમજી ઝેડએસ ઈવી અને ટાટા કર્વ ઈવી જેવી કાર્સ સાથે થશે.
કદ અને શાનદાર કલર ઓપ્શન્સ
આ આધુનિક SUV કદમાં ખૂબ જ આરામદાયક છે, જેમાં 2700 મીમીનો વ્હીલબેઝ, 4,285 મીમી લંબાઈ, 1,800 મીમી પહોળાઈ અને 1,640 મીમી ઊંચાઈ આપવામાં આવી છે. ગ્રાહકો માટે આ કાર આકર્ષક સિંગલ ટોન અને ડ્યુઅલ ટોન કલર ઓપ્શન્સમાં ઉપલબ્ધ છે. જેમાં કેફે વ્હાઇટ, બ્લુઇશ બ્લેક, ગેમિંગ ગ્રે, સ્પોર્ટિન રેડ અને એન્ટાઇસિંગ સિલ્વર જેવા રંગો સામેલ છે. ડ્યુઅલ ટોન વેરિઅન્ટ્સમાં આકર્ષક બ્લેક કલરની રૂફ (છત) જોવા મળશે.
પ્રીમિયમ ઈન્ટિરિયર અને અદ્યતન ફીચર્સ
અર્બન ક્રૂઝર એબેલાના ઈન્ટિરિયરમાં બ્લેક અને બ્રાઉન કલર શેડ્સ સાથે પ્રીમિયમ ડ્યુઅલ-ટોન ફિનિશ આપવામાં આવી છે. કારની અંદર ગ્રાહકોને લક્ઝરી અનુભવ આપવા માટે પેનોરેમિક સનરૂફ, 10.1 ઇંચની ઇન્ફોટેનમેન્ટ ડિસ્પ્લે, વેન્ટિલેટેડ સીટ્સ, વાયરલેસ ચાર્જિંગ પેડ, અને JBL સાઉન્ડ સિસ્ટમ જેવા આધુનિક ફીચર્સ મળે છે. સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે તેમાં 7 એરબેગ્સ, 360-ડિગ્રી કેમેરા અને લેવલ-2 ADAS (એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ) જેવી અત્યાધુનિક સેફ્ટી ટેકનોલોજી આપવામાં આવી છે.
પાવરફુલ બેટરી અને ડ્રાઇવટ્રેન
આ ઈલેક્ટ્રિક કાર બે બેટરી પેક ઓપ્શન્સ (49 kWh અને 61 kWh) સાથે આવે છે, જે સિંગલ ચાર્જમાં 543 કિલોમીટરની શાનદાર રેન્જ ઓફર કરે છે. તેનું મોટી બેટરી વાળું વેરિઅન્ટ 171.6 હોર્સપાવર અને 189 Nm ટોર્ક જનરેટ કરે છે, જ્યારે નાની બેટરી વાળું વેરિઅન્ટ 106 હોર્સપાવર આપે છે. આ SUV 2WD અને AWD એમ બંને ડ્રાઇવટ્રેન વિકલ્પો સાથે ઉપલબ્ધ છે.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો