મારુતિ સુઝુકીએ પોતાની લોકપ્રિય મિડ-સાઇઝ SUV 'Victoris'ની કિંમતોમાં મોટો ઘટાડો કર્યો છે. કંપનીએ આ કારના પસંદગીના પેટ્રોલ વેરિઅન્ટ્સની કિંમતમાં રૂ. 38,900 સુધીનો ઘટાડો જાહેર કર્યો છે. ભારતીય બજારમાં C-સેગમેન્ટ મિડ-સાઇઝ SUVમાં Victoris પહેલેથી જ બીજા ક્રમે સૌથી વધુ વેચાતી કાર છે, તેમ છતાં ગ્રાહકોને આકર્ષવા કંપનીએ આ નિર્ણય લીધો છે.

માત્ર આ વેરિઅન્ટ્સ પર મળશે ડિસ્કાઉન્ટ

કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રાઇસ કટ તમામ વેરિઅન્ટ્સ પર લાગુ થશે નહીં. LXi, VXi, ZXi અને ZXi Plus ના નોર્મલ પેટ્રોલ એન્જિનવાળા ફ્રન્ટ-વ્હીલ ડ્રાઇવ મેન્યુઅલ અને ઓટોમેટિક વેરિઅન્ટ્સની કિંમતો પહેલા જેવી જ રહેશે. આ ઘટાડો માત્ર ZXi (O) અને ZXi Plus (O) વેરિઅન્ટ્સ પર કરવામાં આવ્યો છે, જે મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ગિયરબોક્સ વિકલ્પોમાં ઉપલબ્ધ છે.

કયા વેરિઅન્ટમાં કેટલો ઘટાડો થયો?

ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો, ZXi (O) પેટ્રોલ મેન્યુઅલ વેરિઅન્ટ પર સૌથી વધુ 2.76% નો ઘટાડો થયો છે. જ્યારે ZXi (O) પેટ્રોલ ઓટોમેટિકની કિંમતમાં અંદાજે 2.49% નો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ZXi Plus (O) પેટ્રોલ મેન્યુઅલ અને ઓટોમેટિક બંને વેરિઅન્ટ્સની કિંમતોમાં આશરે 2.46% નો ઘટાડો જોવા મળ્યો છે.

મારુતિએ કેમ લીધો આ નિર્ણય?

આજના સમયમાં જ્યારે મોટાભાગની ઓટોમોબાઈલ કંપનીઓ પોતાની કારના ભાવ સતત વધારી રહી છે, ત્યારે આટલી લોકપ્રિય SUVના ભાવ ઘટાડવા તે એક આશ્ચર્યજનક પગલું છે. નિષ્ણાતોના મતે, મારુતિ સુઝુકી આ કિંમત ઘટાડા દ્વારા મિડ-સાઇઝ SUV સેગમેન્ટમાં પોતાનો દબદબો અને પકડ વધુ મજબૂત કરવા માંગે છે.

CNG અને હાઇબ્રિડ મોડલ્સમાં કોઈ ફેરફાર નહીં

અત્રે નોંધનીય છે કે Victoris ના CNG અને સ્ટ્રોંગ હાઇબ્રિડ વેરિઅન્ટ્સની કિંમતોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. તેનો અર્થ એ કે કિંમતમાં ઘટાડાનો આ સીધો ફાયદો માત્ર પસંદગીના પેટ્રોલ મેન્યુઅલ અને ઓટોમેટિક વેરિઅન્ટ ખરીદનારા ગ્રાહકોને જ મળશે.

આ પ્રખ્યાત કાર્સ સાથે છે સીધી ટક્કર

ભારતીય ઓટો માર્કેટમાં આ સેગમેન્ટમાં ભારે સ્પર્ધા છે. Victoris નો સીધો મુકાબલો Hyundai Creta, Toyota Urban Cruiser Hyryder, Maruti Grand Vitara, Tata Sierra, Renault Duster અને Honda Elevate જેવી SUVs સાથે છે. આગામી સમયમાં Nissan Tekton પણ આ સેગમેન્ટમાં એન્ટ્રી કરવાની છે, જેથી આ કોમ્પિટિશન વધુ રસપ્રદ બનશે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો