ભારતની સૌથી વિશ્વસનીય ટુ-વ્હીલર કંપનીઓમાંની એક એવી હોન્ડા (Honda 2-Wheeler) માટે નવેમ્બર 2025નો મહિનો ખૂબ જ શાનદાર રહ્યો છે. કંપનીના વેચાણના તાજેતરના આંકડા દર્શાવે છે કે હોન્ડા એક્ટિવા આજે પણ લાખો ભારતીયોની પહેલી પસંદ બની રહી છે. વેચાણના મામલે આ સ્કૂટરે હોન્ડા શાઈન અને યુનિકોર્ન જેવી લોકપ્રિય બાઈક્સને પણ પાછળ છોડી દીધી છે. એક્ટિવાએ નવેમ્બર 2025માં 2,62,689 યુનિટના વેચાણ સાથે વાર્ષિક ધોરણે અંદાજે 27 ટકાની વૃદ્ધિ નોંધાવી છે, જે ગત વર્ષે સમાન ગાળામાં 2,06,844 યુનિટ હતી.

અન્ય મોડલ્સમાં વેચાણમાં જોવા મળ્યો નોંધપાત્ર સુધારો 

હોન્ડાના અન્ય મોડલ્સમાં પણ વેચાણમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. હોન્ડા શાઈન 125 અને એસપી 125ના સંયુક્ત વેચાણમાં 23 ટકાનો વધારો થયો છે, જે આ વર્ષે 1,54,380 યુનિટ સુધી પહોંચ્યું છે. હોન્ડા યુનિકોર્ન અને શાઈન 100એ પણ બજારમાં મજબૂત પકડ જાળવી રાખી છે. ખાસ કરીને શાઈન 100માં 56 ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો છે, જે તેના પરફોર્મન્સ અને કિફાયતી કિંમતને આભારી છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે ટુ-વ્હીલર માર્કેટના દરેક સેગમેન્ટમાં હોન્ડાની પકડ અત્યંત મજબૂત છે.

બજારમાં કોની સાથે કરે છે હરીફાઈ? 

બજારમાં હરીફાઈની વાત કરીએ તો, હોન્ડા એક્ટિવાને ટીવીએસ જ્યુપિટર (TVS Jupiter), હીરો ઝૂમ (Hero Xoom), સુઝુકી એક્સેસ 125 (Suzuki Access 125) અને યામાહા ફેસિનો (Yamaha Fascino) જેવા સ્કૂટર્સ તરફથી સીધી ટક્કર મળી રહી છે. આ ઉપરાંત, ઈલેક્ટ્રિક સેગમેન્ટમાં બજાજ ચેતક (Bajaj Chetak) પણ ધીમે ધીમે તેની પડકાર બની રહ્યું છે. તેમ છતાં, એક્ટિવાનો ભરોસો, તેનું એન્જિન અને રિસેલ વેલ્યુ તેને હરીફો કરતા આગળ રાખે છે. નવેમ્બર 2025ના વેચાણ અહેવાલે સાબિત કર્યું છે કે વધતા જતા ઈલેક્ટ્રિક વાહનોના ક્રેઝ વચ્ચે પણ એક્ટિવાનો ક્રેઝ યથાવત છે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો