સરકાર દ્વારા લોકોની સુવિધા માટે વર્ષ 2021માં BH સિરીઝ (ભારત સિરીઝ) નંબર પ્લેટની સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. BHનો અર્થ ભારત થાય છે અને આનો મુખ્ય ઉદ્દેશ્ય એવા લોકોનો કાગળનો બોજ ઘટાડવાનો છે જેમની નોકરી ટ્રાન્સફરેબલ હોય અથવા જેઓ કામ માટે વારંવાર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતા હોય. આ સુવિધા ફક્ત ખાનગી કાર માટે જ ઉપલબ્ધ છે, કોમર્શિયલ ગાડીઓ માટે નહીં.


BH સિરીઝ નંબર પ્લેટ માટેની યોગ્યતા

BH નંબર પ્લેટ મેળવવા માટે આ કર્મચારીઓ અરજી કરી શકે છે; તમામ કેન્દ્રીય અને રાજ્ય સરકારી કર્મચારીઓ, બેંક કર્મચારીઓ, એવી ખાનગી કંપનીઓના કર્મચારીઓ જેમની કંપનીની ઓફિસો ઓછામાં ઓછા 4 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં હોય.

BH સિરીઝ નંબર પ્લેટના મુખ્ય ફાયદાઓ

BH નંબર પ્લેટના બે મોટા ફાયદાઓ છે જે કાગળની કાર્યવાહી અને નાણાકીય બોજ ઘટાડે છે. જેવા કે બીજા રાજ્યમાં શિફ્ટ થવા પર ગાડીનું ફરીથી રજિસ્ટ્રેશન કરાવવું પડતું નથી. જેનાથી કાગળની કાર્યવાહી અને સમય બંને બચે છે. તેમજ રોડ ટેક્સ એકસાથે ભરવાના બદલે તેને 2-2 વર્ષના બ્લોકમાં આપી શકાય છે. આનાથી ગાડી ખરીદતી વખતે એકસાથે મોટો ટેક્સ ભરવાનો આર્થિક બોજ ઓછો થાય છે. કારણ કે શરૂઆતમાં માત્ર 2 વર્ષનો રોડ ટેક્સ ચૂકવવાનો હોય છે.

જરૂરી દસ્તાવેજો અને અરજી પ્રક્રિયા

BH નંબર પ્લેટ લેવા માટે જરૂરી મુખ્ય દસ્તાવેજોમાં PAN કાર્ડ, આધાર કાર્ડ, ઓફિસનું કર્મચારી ID, ફોર્મ 60 (વર્કિંગ સર્ટિફિકેટ) અને ગાડી સંબંધિત દસ્તાવેજોનો સમાવેશ થાય છે. આ સુવિધા મેળવવાની પ્રક્રિયા સામાન્ય રીતે ડીલરશીપ દ્વારા પૂર્ણ કરવામાં આવે છે. તેઓ તમારી તરફથી સંબંધિત વિભાગમાં ફોર્મ 20 જમા કરાવે છે અને પ્રક્રિયા દરમિયાન BH સિરીઝનો વિકલ્પ પસંદ કરવામાં આવે છે. પાત્રતાની ચકાસણી થયા બાદ વિભાગ BH નંબર પ્લેટ જારી કરે છે અને તે જ સમયે રોડ ટેક્સ તેમજ રજિસ્ટ્રેશન ફી જમા કરવામાં આવે છે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: