મેક્સી સ્કૂટર માટે જાણીતી કંપની યામાહાએ ભારતીય બજારમાં અધિકૃત રીતે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સેગમેન્ટમાં એન્ટ્રી કરી છે. ઇન્ડિયા યામાહાએ તેનું પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટર Yamaha EC-05 લોન્ચ કર્યું છે, જેની એક્સ-શોરૂમ કિંમત રૂ.1,67,600 રાખવામાં આવી છે. શરૂઆતના તબક્કે આ સ્કૂટર પસંદગીના શહેરોમાં યામાહાના બ્લુ સ્ક્વેર પ્રીમિયમ ડીલરશીપ પર ઉપલબ્ધ થશે અને હાલમાં તે માત્ર 'બ્લુઈશ વ્હાઇટ' રંગમાં જ ઉપલબ્ધ રહેશે.


પાવરફુલ બેટરી અને સ્પીડ

આ સ્કૂટરમાં 4kWh નો ફિક્સ્ડ બેટરી પેક આપવામાં આવ્યો છે, જે Interior Permanent Magnet Synchronous Motor (IPMSM) સાથે જોડાયેલું છે. કંપનીના દાવા મુજબ, આ સ્કૂટર સિંગલ ચાર્જમાં 169 કિમી (IDC રેન્જ) આપે છે. તે 6.7 kW પાવર અને 26 Nm ટોર્ક જનરેટ કરે છે, જેનાથી સ્કૂટર 79 કિમી/કલાકની ટોપ સ્પીડ પકડી શકે છે. સામાન્ય સોકેટથી તેને ફૂલ ચાર્જ થવામાં લગભગ 8 કલાકનો સમય લાગે છે. બેટરી પર 3 વર્ષ અથવા 30,000 કિમીની વોરંટી પણ આપવામાં આવી છે.

એડવાન્સ ટેકનોલોજી અને સેફ્ટી

યામાહાએ સુરક્ષા માટે બેટરી અને મોટરને IP67 રેટિંગ આપ્યું છે, જે તેને ધૂળ અને પાણીથી સુરક્ષિત રાખે છે. રાઈડિંગના અનુભવને બહેતર બનાવવા માટે ત્રણ મોડ્સ: Eco, Standard અને Power આપવામાં આવ્યા છે. સાંકડી જગ્યામાં પાર્કિંગની સુવિધા માટે 'રિવર્સ મોડ' પણ ઉપલબ્ધ છે. બ્રેકિંગ માટે આગળ અને પાછળ બંને તરફ 200 mm ડિસ્ક બ્રેક સાથે કોમ્બી બ્રેક સિસ્ટમ (CBS) આપવામાં આવી છે.

કનેક્ટિવિટી અને સ્ટોરેજ

આ સ્કૂટરમાં કલર LCD ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે જે Yamaha Motor Connect R એપ દ્વારા સ્માર્ટફોન સાથે કનેક્ટ થઈ શકે છે. આ ઉપરાંત, તેમાં 24.5 લિટરની અંડર-સીટ સ્ટોરેજ ક્ષમતા છે, જેમાં હેલ્મેટ અને અન્ય જરૂરી સામાન સરળતાથી રાખી શકાય છે. એલઇડી હેડલેમ્પ અને ટેલલેમ્પ આ સ્કૂટરને પ્રીમિયમ લુક આપે છે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: