ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા ઉદ્યોગોમાંનો એક છે અને ભારતે આ વર્ષે જાપાનને પાછળ છોડીને વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઓટોમોબાઈલ ઉત્પાદક દેશ બન્યો છે. તેમ છતાં ઓટોમોબાઈલ કંપનીઓ માટે નવા વાહનો સમયસર લોન્ચ કરવામાં વારંવાર નિષ્ફળતા જોવા મળે છે. વેક્ટર કન્સલ્ટિંગ ગ્રુપના એક નવા અભ્યાસમાં આ વિલંબના કારણો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ રિપોર્ટ મુજબ લગભગ 80 ટકા કંપનીઓને નવા વાહન લોન્ચ કરવામાં વિલંબનો સામનો કરવો પડે છે. જેનું સૌથી મોટું કારણ છે ડિઝાઇન અને એન્જિનિયરિંગમાં છેલ્લી ઘડીએ થયેલા ફેરફાર.
છેલ્લી ઘડીના ફેરફારો યોજનાઓને બગાડે છે
આદર્શરીતે પ્રી-પ્રોડક્શન દરમિયાન ફેરફારો 15%થી ઓછા અને ઉત્પાદન અને લોન્ચિંગ દરમિયાન 8%થી ઓછા હોવા જોઈએ. જો કે માત્ર 6 ટકા કંપનીઓ જ આ માપદંડનું પાલન કરે છે. આ મોડા ફેરફારોને કારણે દરેક વખતે ફરીથી ડિઝાઇનિંગ, નવા સાધનો વિકસાવવા, વારંવાર પરીક્ષણ અથવા સોફ્ટવેર અપડેટ્સ જેવી પ્રક્રિયાઓ થાય છે. જે લોન્ચ તારીખોમાં વિલંબ કરે છે અને ખર્ચમાં વધારો કરે છે.
સપ્લાય ચેઇન પર વધતું દબાણ
વારંવારના થતા ફેરફારોની સીધી અસર સપ્લાય ચેઇન પર થતી હોય છે. 57 ટકા કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓએ સ્વીકાર્યું છે કે આને કારણે તેમની ટીમોને વારંવાર ફરીથી કામ કરવું પડતું હોય છે. જેના પરિણામે 76% કંપનીઓએ પ્રોજેક્ટ સમયમર્યાદામાં વધારો કર્યો છે, 52% કંપનીઓને સમયસર ડિલિવરી કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે અને 43% કંપનીઓએ બજેટ કરતાં વધુ ખર્ચ કર્યો છે. વળી 33 ટકા કંપનીઓએ લોન્ચ પછી પણ વાહનની ગુણવત્તા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવામાં મુશ્કેલીઓનો અહેવાલ આપ્યો છે.
વિલંબના ત્રણ મુખ્ય કારણો
આ રિપોર્ટમાં એન્જિનિયરિંગ ફેરફારોમાં વિલંબ થવાના ત્રણ મુખ્ય કારણો ઓળખવામાં આવ્યા છે. જેમાં પહેલું છે પ્રારંભિક ઇનપુટ્સનો અભાવ, સપ્લાયર પ્રતિસાદમાં વિલંબ અને ડિઝાઇનોમાં અસ્થિરતા. પ્રારંભિક ઇનપુટ્સનો અભાવ હોવાથી લગભગ 60% ફેરફારો એટલા માટે થાય છે કારણ કે પ્રારંભિક તબક્કા દરમિયાન મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ ઇનપુટ્સ સમયસર પ્રાપ્ત થતા નથી. જ્યારે સપ્લાયર પ્રતિસાદમાં વિલંબ થતો હોવાથી 47% ફેરફારો એટલા માટે થાય છે કારણ કે સપ્લાયર્સ તરફથી પ્રતિસાદ વિલંબિત થાય છે. તેમજ ડિઝાઇન અસ્થિર હોવાથી 13% ફેરફારો એટલા માટે થાય છે કારણ કે ડિઝાઇન સમયસર સ્થિર થતી નથી.
આ સમસ્યાના ઉકેલો અને લાભો
આ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે આ અભ્યાસમાં કંપનીઓને માઇલસ્ટોન આધારિત મોડેલને બદલે પ્રવાહ આધારિત અમલીકરણ મોડેલ અપનાવવાની અને શરૂઆતથી જ સપ્લાયર્સને સહ-વિકાસ ભાગીદારો તરીકે સામેલ કરવાની સલાહ આપવામાં આવી છે. જો આ ભલામણોનો અમલ કરવામાં આવે તો ઉદ્યોગને નોંધપાત્ર લાભ થઈ શકે છે. જેમ કે એન્જિનિયરિંગ ફેરફારોમાં 20થી 30%નો ઘટાડો, લોન્ચિંગ સમયમાં 30થી 50%નો ઘટાડો અને સમગ્ર સિસ્ટમ કાર્યક્ષમતામાં 15થી 25% વધારો થઈ શકે છે.