ભારતમાં મહિન્દ્રા થાર સામે હરીફાઈમાં ઉતારેલી મારુતિ સુઝુકીની ઓફ-રોડ SUV જિમ્નીએ ભલે સ્થાનિક બજારમાં અપેક્ષા મુજબ પ્રદર્શન ન કર્યું હોય પરંતુ એક્સપોર્ટના મામલે આ કારે નવો રેકોર્ડ બનાવ્યો છે. જૂન 2023માં લોન્ચ થયાના માત્ર થોડા સમયમાં જ ભારતીય બનાવટની જિમ્નીના એક્સપોર્ટ યુનિટ્સનો આંકડો 1 લાખને પાર કરી ગયો છે.


100થી વધુ દેશોમાં નિકાસ

મારુતિ સુઝુકીએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તેની જિમ્ની 5-ડોર SUV એ ભારતમાંથી 1 લાખ યુનિટ્સના નિકાસનો મોટો માઇલસ્ટોન હાંસલ કર્યો છે. આ SUV સંપૂર્ણપણે ભારતમાં જ બનાવવામાં આવે છે અને અત્યાર સુધીમાં 100થી વધુ દેશોમાં તેની નિકાસ કરવામાં આવી છે. જેમાં જાપાન, મેક્સિકો અને ઓસ્ટ્રેલિયા જેવા મુખ્ય બજારોનો સમાવેશ થાય છે.

જાપાનમાં જિમ્ની નોમાડે તરીકે લોન્ચ

જાન્યુઆરી 2025માં જિમ્ની 5-ડોરને જાપાનમાં Jimny Nomade નામથી રજૂ કરવામાં આવી હતી અને તેને ગ્રાહકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. લોન્ચના થોડા જ દિવસોમાં 50,000થી વધુ બુકિંગ નોંધાયા હતા. આ સફળતા મારુતિ સુઝુકી માટે એક મોટું ગૌરવ છે. જે ભારતના પેસેન્જર વ્હીકલ એક્સપોર્ટમાં 46%થી વધુ બજાર હિસ્સો ધરાવે છે. નાણાકીય વર્ષ 2024-25માં મારુતિ સુઝુકીએ કુલ 3.3 લાખથી વધુ વાહનોની નિકાસ કરી હતી.

જિમ્નીની વિશેષતા અને ઉત્તમ પ્રદર્શન

મારુતિ જિમ્ની ઓફ-રોડ રસ્તાઓ પર ઉત્તમ પ્રદર્શન માટે જાણીતી છે. તેમાં 1.5-લિટરનું શક્તિશાળી પેટ્રોલ એન્જિન છે. આ ઉપરાંત લેડર ફ્રેમ ચેસિસ, 4x4 સિસ્ટમ, હિલ ડિસેન્ટ કંટ્રોલ, બ્રેક-આધારિત લિમિટેડ સ્લિપ ડિફરન્શિયલ અને 210 મિમીનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ તેને એક આકર્ષક અને મજેદાર SUV બનાવે છે. ભારતમાં મારુતિ જિમ્નીના બેઝ મોડલની કિંમત રૂ.14.11 લાખથી શરૂ થાય છે.



  • Follow us on: