નવી કાર ખરીદતી વખતે માત્ર મોડેલ અને માઇલેજ જ નહીં પરંતુ રોડ ટેક્સ પર પણ ધ્યાન આપવું જરૂરી છે! ઘણા લોકો મૂંઝવણમાં હોય છે કે લાઇફટાઇમ ટેક્સ ભરવો યોગ્ય રહેશે કે પછી 5 વર્ષનો પ્લાન વધુ સારો છે. તમારો એક નાનકડો ખોટો નિર્ણય તમારા ખિસ્સા પર ભારે પડી શકે છે. કાર ખરીદવી એ ઘણા લોકોનું સપનું હોય છે. પરંતુ આ સપનું પૂરું થવા ઉપરાંત કાર ખરીદવા સાથે ભારે નાણાકીય બોજ પણ જોડાયેલો છે. કારના માલિક તરીકે આજીવન તેના જાળવણી, ઈંધણ, વીમા અને ટેક્સ પાછળ ખર્ચ કરવો પડે છે.
લાઇફટાઇમ કે 5-વર્ષનો ટેક્સ?
કાર ખરીદતી વખતે માલિક આજીવન ટેક્સનો વિકલ્પ પસંદ કરી શકે છે અથવા પાંચ વર્ષ સુધી ટેક્સની ચુકવણી કરી શકે છે. ઘણા લોકો વિચારે છે કે લાઇફટાઇમ ટેક્સ સૌથી સારો છે, કારણ કે તેમને વારંવાર કર ચૂકવવો પડતો નથી. પરંતુ સવાલ એ છે કે તમારે આજીવન ટેક્સ ભરવો જોઈએ કે પાંચ વર્ષ માટે?
લાઇફટાઇમ ટેક્સ ક્યારે પસંદ કરવો?
મોટાભાગના ખાનગી કાર માલિકો જેઓ પોતાની ગાડીને લાંબા સમય સુધી, જેમ કે 10 વર્ષ કે તેનાથી વધુ સમય સુધી રાખવા માંગે છે તેમના માટે લાઇફટાઇમ ટેક્સ ચૂકવવો સામાન્ય રીતે વધુ સારો વિકલ્પ હોય છે. જેના કારણે લાંબા ગાળામાં ખર્ચની બચત થાય છે. સમયાંતરે ટેક્સના નવીનીકરણની ઝંઝટમાંથી છુટકારો મળે છે. જો ગાડી 15 વર્ષની અવધિની વચ્ચે વેચવામાં આવે તો તેની રીસેલ કિંમત પણ સારી મળે છે. જો તમે ઓરિજિનલ રજિસ્ટ્રેશનવાળા તે જ રાજ્યમાં રહેવા માંગતા હોવ તો આ વિકલ્પ પસંદ કરવો ફાયદાકારક છે.
5-વર્ષનો ટેક્સ ક્યારે પસંદ કરવો?
જો તમે ખરીદીના થોડા વર્ષોમાં જ કાર વેચવાનું આયોજન કરી રહ્યા છો તો 5-વર્ષના ટેક્સનો વિકલ્પ પસંદ કરો. જો તમારી નોકરી ટ્રાન્સફરેબલ હોય અને તમે ટૂંક સમયમાં અન્ય રાજ્યમાં સ્થળાંતર થવાનું આયોજન કરી રહ્યા હોવ તો પણ 5-વર્ષનો ટેક્સ પસંદ કરવો વધુ ફાયદાકારક રહેશે. કારણ કે નવા રાજ્યમાં તમને ફરીથી ટેક્સ ભરવો પડશે. આમ તમારા ઉપયોગની યોજના અને સ્થળાંતરની સંભાવનાના આધારે તમે આ બે વિકલ્પોમાંથી સમજદારીપૂર્વક નિર્ણય લઈ શકો છો.