ભારતમાં અત્યાર સુધી માત્ર પ્રીમિયમ ઇલેક્ટ્રિક કાર વેચવા માટે જાણીતી ચીની ઓટોમોબાઈલ કંપની BYD (Build Your Dreams) હવે ભારતીય બજારમાં એક મોટો વ્યૂહાત્મક ફેરફાર કરવા જઈ રહી છે. કંપની દેશમાં પહેલીવાર તેની વૈશ્વિક સ્તરે સફળ 'DM-i Plug-in Hybrid' ટેકનોલોજી રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ આધુનિક ટેકનોલોજીની શરૂઆત કંપનીની નવી 'Seal U SUV' સાથે થશે, જેને ટૂંક સમયમાં જ ભારતીય રોડ પર લોન્ચ કરવામાં આવશે.


ઇલેક્ટ્રિક અને પેટ્રોલ એન્જિનનો અનોખો સંગમ

આ નવી પ્લગ-ઇન હાઇબ્રિડ ટેકનોલોજીની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ગ્રાહકોને ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) અને પરંપરાગત પેટ્રોલ કાર બંનેનો આનંદ એકસાથે આપશે. આ કારની મદદથી વાહનચાલકો ઓફિસ જવા કે શાકભાજી લેવા જેવા રોજિંદા નાના અંતરના કામો માત્ર બેટરી પાવર (EV મોડ) પર પૂરા કરી શકશે. જ્યારે લાંબી મુસાફરી અથવા હાઈવે પર જવા માટે કારનું પેટ્રોલ એન્જિન બેકઅપ તરીકે આપોઆપ ચાલુ થઈ જશે, જેથી ચાર્જિંગ સ્ટેશન શોધવાની ચિંતા રહેશે નહીં.

200 કિમીની ઇલેક્ટ્રિક રેન્જ અને દમદાર માઇલેજ

BYDની આ DM-i સિસ્ટમમાં 18.3 kWh નો પાવરફુલ બેટરી પેક, બે ઇલેક્ટ્રિક મોટર અને 1.5 લીટરનું ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. જો તમે કારને માત્ર ચાર્જ કરીને ચલાવો, તો તે અંદાજે 200 કિમી સુધી દોડી શકે છે. બેટરી અને ફૂલ પેટ્રોલ ટેન્ક બંને મળીને આ કાર સળંગ 1200 કિમી સુધીનું લાંબુ અંતર કાપી શકે છે. આ કારમાં પેટ્રોલ એન્જિન મુખ્યત્વે 'રેન્જ એક્સ્ટેન્ડર' એટલે કે બેટરીને ચાર્જ કરવાનું કામ કરે છે. કંપનીના જણાવ્યા અનુસાર આ કાર દર 100 કિમીના અંતરે માત્ર 4.8 લીટર પેટ્રોલ વાપરે છે, જે તેની શ્રેષ્ઠ ઇંધણ ક્ષમતા દર્શાવે છે.

સ્માર્ટ ડ્રાઇવિંગ મોડ્સ અને આકર્ષક ડિઝાઇન

નવી Seal U SUVમાં ડ્રાઇવર પોતાની જરૂરિયાત મુજબ અલગ-અલગ મોડ્સ પસંદ કરી શકશે. આ કાર પરિસ્થિતિ અનુસાર EV મોડ, સિરીઝ હાઇબ્રિડ મોડ અને પેરેલલ હાઇબ્રિડ મોડ વચ્ચે સરળતાથી સ્વિચ થઈ શકે છે. દેખાવની વાત કરીએ તો, આ SUVનો લુક કંપનીની પ્રખ્યાત Sealion SUV જેવો જ પ્રીમિયમ રાખવામાં આવ્યો છે. તેની અંદર હાઈ-ટેક ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વૈભવી સીટો અને અનેક સુરક્ષા ફીચર્સ જોવા મળશે.

ચાર્જિંગની ચિંતા કરતા ગ્રાહકો માટે બેસ્ટ ઓપ્શન

ભારતમાં હાલમાં ઇલેક્ટ્રિક વાહનો વધી રહ્યા છે, પરંતુ હજુ પણ ઘણા ગ્રાહકો ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે પ્યોર EV ખરીદતા ડરે છે. આવા ગ્રાહકો માટે BYDની આ નવી કાર એક વરદાન સમાન સાબિત થશે. આગામી સમયમાં અન્ય કંપનીઓ પણ ભારતમાં પ્લગ-ઇન હાઇબ્રિડ મોડલ લાવવાની તૈયારીમાં છે. પરિણામે, ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ગ્રાહકોને પર્યાવરણને અનુકૂળ અને લાંબી રેન્જ આપતું એક વ્યવહારુ નવું ઓપ્શન મળશે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: