1 એપ્રિલ 2027થી ઓટોમોબાઈલ કંપનીઓ માટે ઈલેક્ટ્રિક વાહનો (EV)નું મહત્વ નોંધપાત્ર રીતે વધી શકે છે. આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ સરકાર દ્વારા લાવવામાં આવી રહેલા CAFE-III (Corporate Average Fuel Economy) ના નવા નિયમો છે. આ નિયમો હેઠળ, કોઈ કંપની પોતાની સરેરાશ ફ્યુઅલ એફિશિયન્સી (બળતણ ક્ષમતા) ની ગણતરી કરતી વખતે એક ઈલેક્ટ્રિક કારને 3 કાર બરાબર ગણી શકશે.

સરેરાશ ફ્યુઅલ એફિશિયન્સીની ગણતરી

જોકે, આનો અર્થ એ બિલકુલ નથી કે કંપનીએ 1 EV વેચીને વાસ્તવમાં 3 કાર વેચી દીધી છે. કંપનીનું વેચાણ તો 1 કારનું જ રહેશે, પરંતુ સરકારી નિયમોના પાલન અને સરેરાશ ઉત્સર્જનના હિસાબ માટે આ ગણતરી 3 કાર તરીકે કરવામાં આવશે.

The future of electric and hybrid cars

એક EV ની ગણતરી 3 કાર તરીકે કેમ થશે?

CAFE નો અર્થ 'કોર્પોરેટ એવરેજ ફ્યુઅલ ઈકોનોમી' થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો, સરકાર આ નિયમ દ્વારા એ જોવામાં આવે છે કે કોઈ કાર ઉત્પાદક કંપનીની તમામ ગાડીઓ મળીને સરેરાશ કેટલું બળતણ વાપરે છે અને કેટલો કાર્બન ડાયોક્સાઇડ (CO2) ઉત્સર્જિત કરે છે. જો કોઈ કંપની પાસે ગ્રાહકોમાં પેટ્રોલ અને ડીઝલ કારનું વેચાણ વધુ હોય, તો તેનું સરેરાશ ઉત્સર્જન વધી જાય છે. આવા સમયે, ઈલેક્ટ્રિક કારો ઉત્સર્જન ઘટાડીને કંપનીના એકંદર એવરેજ સ્કોરને સુધારવામાં મદદ કરે છે.

નવા CAFE-III નિયમોમાં વિવિધ એન્જિન અને ટેકનોલોજી માટે અલગ-અલગ ગુણાંક (વજન) નક્કી કરવામાં આવ્યા છે:

  • બેટરી આધારિત EV અને રેન્જ-એક્સ્ટેન્ડેડ EV: 3 ગણા (3x)
  • પ્લગ-ઈન હાઇબ્રિડ અને ફ્લેક્સ-ફ્યુઅલ ઇથેનોલ હાઇબ્રિડ: 2.5 ગણા (2.5x)
  • સામાન્ય સ્ટ્રોંગ હાઇબ્રિડ: 1.6 ગણા (1.6x)
  • ફ્લેક્સ-ફ્યુઅલ ઇથેનોલ કાર: 1.1 ગણા (1.1x)

આ ગુણાંક દર્શાવે છે કે સરકાર ઈલેક્ટ્રિક વાહનોને સૌથી વધુ પ્રોત્સાહન આપી રહી છે.

આ ગણિતને એક સરળ ઉદાહરણથી સમજો

ધારો કે કોઈ કાર કંપનીએ એક વર્ષમાં 90 સામાન્ય (પેટ્રોલ/ડીઝલ) કાર અને 10 ઈલેક્ટ્રિક કાર વેચી છે. વાસ્તવિકતામાં કંપનીનું કુલ વેચાણ 100 કારનું જ છે. પરંતુ CAFE નિયમોના હિસાબ મુજબ, 10 EVને 3 ગણી ગણવામાં આવશે, એટલે કે ગણતરી માટે આ 10 EVને 30 કાર માનવામાં આવશે. આમ, સરકારી ચોપડે ગણતરી માટે કુલ કારની સંખ્યા 120 ગણાશે. આનાથી કંપનીને પોતાનો સરેરાશ ફ્યુઅલ વપરાશ અને CO2 સ્તર કાયદાકીય મર્યાદાની અંદર રાખવામાં મોટો ફાયદો થશે. ધ્યાન રાખવું કે આનાથી કંપનીના વાસ્તવિક સેલ્સ આંકડા કે કમાણી બદલાશે નહીં.

The future of electric and hybrid cars

દર વર્ષે નિયમો વધુ કડક બનશે

CAFE-III હેઠળ નાણાકીય વર્ષ 2028થી 2032 (FY2028 - FY2032) સુધીના પાંચ વર્ષમાં ઉત્સર્જનના ધોરણો ઉત્તરોત્તર વધુ સખત બનાવવામાં આવશે.

ઉદાહરણ તરીકે, 1,229 કિલોના રેફરન્સ ફ્લીટ વજન ધરાવતી કંપની માટે સરેરાશ બળતણ વપરાશની મર્યાદા:

  • FY2028 માં: 3.996 લિટર પ્રતિ 100 કિલોમીટર
  • FY2032 સુધીમાં ઘટીને: 3.3273 લિટર પ્રતિ 100 કિલોમીટર

આનો અર્થ એ થયો કે કંપનીઓએ દંડથી બચવા માટે સમય જતાં પોતાની કારોની એફિશિયન્સીમાં સતત સુધારો કરવો પડશે.

માત્ર EV જ નહીં, અન્ય હાઇબ્રિડ વિકલ્પો પણ ઉપયોગી

આ નિયમોમાં માત્ર EV પર જ નિર્ભર રહેવાની ફરજ પાડી નથી. કાર કંપનીઓ હાઇબ્રિડ, પ્લગ-ઈન હાઇબ્રિડ, CNG અને ઇથેનોલ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ પોતાના સ્કોરમાં સુધારો કરી શકે છે. E20 કે તેથી વધુ ઇથેનોલ મિશ્રણ ધરાવતા ઇંધણ પર ચાલતી પેટ્રોલ કારોને 8%નો કાર્બન-ન્યૂટ્રાલિટી ફેક્ટર મળશે, જ્યારે CNG કાર માટે આ ફેક્ટર 5% રાખવામાં આવ્યો છે. તે ઉપરાંત, પર્યાવરણ-અનુકૂળ ટેકનોલોજી માટે વધારાના ક્રેડિટ્સ અને કંપનીઓ વચ્ચે ક્રેડિટ ખરીદ-વેચાણ (ક્રેડિત ટ્રેડિંગ) ની સુવિધા પણ આપવામાં આવી છે.

The future of electric and hybrid cars

ભવિષ્યમાં શોરૂમ્સમાં કેવો ફેરફાર જોવા મળશે?

આ નિયમોની સીધી અસર આવનારા સમયમાં ભારતીય ઓટોમોબાઈલ માર્કેટ પર પડશે. જે કંપનીઓ પાસે પહેલેથી જ શ્રેષ્ઠ EV પોર્ટફોલિયો છે, તેમને નિયમોનું પાલન કરવામાં સરળતા રહેશે. બીજી તરફ, જે કંપનીઓ હજુ પણ પેટ્રોલ અને ડીઝલ મોડેલો પર વધુ નિર્ભર છે, તેઓ દંડથી બચવા માટે ઝડપથી EV, હાઇબ્રિડ અને વધુ માઇલેજ આપતી કારો લોન્ચ કરવા મજબૂર બનશે. આથી, આગામી 12થી 18 મહિનામાં ભારતીય બજારમાં નવી EV, હાઇબ્રિડ અને ઇંધણ-કાર્યક્ષમ મોડેલોનો અસલ વરસાદ જોવા મળી શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો