સમગ્ર દેશ જ્યારે દિવાળીની રોશનીથી ઝગમગી ઉઠે છે ત્યારે સડકો પર આતશબાજીની ચમક જોવા લાયક હોય છે. જોકે આ ખુશીનો તહેવાર કાર અને ટુ-વ્હીલર માલિકો માટે માથાનો દુખાવો પણ બની શકે છે. ખાસ કરીને જો તમારા વાહનો ઘરની બહાર પાર્ક કરેલા હોય. દર વર્ષે ફટાકડાના તણખલાઓથી ઘણા વાહનોને નુકસાન થાય છે. જેમાં પેઇન્ટ પીગળી જવો કે નાની આગ લાગવા જેવી ઘટનાઓ સામેલ છે. જો તમે પણ દિવાળી પર તમારી કાર કે બાઇકને સુરક્ષિત રાખવા માંગતા હોવ તો અહીં આપેલી જરૂરી ટિપ્સ અપનાવવી અનિવાર્ય છે.


કાર પર કવર ન લગાવશો, તે જોખમ વધારે છે

કદાચ આ વાત તમને વિચિત્ર લાગશે પરંતુ દિવાળીની રાત્રે ગાડી પર કવર ન લગાવવું જ શ્રેષ્ઠ છે. મોટાભાગના કાર કવર કાપડ, નાયલોન અથવા પ્લાસ્ટિકના બનેલા હોય છે. જો કોઈ સળગતા ફટાકડાની ચિનગારી તેના પર પડે તો કવર તરત જ આગ પકડી શકે છે. જેનાથી વાહનને મોટું નુકસાન થઈ શકે છે. જો કવર લગાવવું ખૂબ જ જરૂરી હોય તો ફાયર-રેઝિસ્ટન્ટ કવરનો ઉપયોગ કરો. પરંતુ સૌથી સારો ઉપાય છે કે વાહનને કવર વિના રાખો અને ફટાકડા ફૂટતા હોય તેનાથી દૂર પાર્ક કરો.

સમજદારીપૂર્વક પાર્કિંગ પસંદ કરો

દિવાળી પર તમારા વાહન માટે સૌથી સુરક્ષિત જગ્યા છતવાળું પાર્કિંગ સ્પેસ છે. જેમ કે ગેરેજ, બેઝમેન્ટ અથવા પેઇડ કવર્ડ પાર્કિંગ. આ જગ્યાઓ તમારી ગાડીને રોકેટ, સળગતા કાગળ કે ધુમાડાથી બચાવે છે. જો કવર્ડ પાર્કિંગ ન મળે તો ગાડીને ભીડ-ભાડવાળી જગ્યાઓથી કે જ્યાં લોકો ફટાકડા ફોડતા હોય તેનાથી દૂર પાર્ક કરો. ઘરના મુખ્ય દરવાજા પાસે કે ખુલ્લા મેદાનમાં ગાડી પાર્ક કરવાનું ટાળો.

બારીઓ સંપૂર્ણપણે બંધ રાખો

કારની બધી જ બારીઓ, સનરૂફ અને દરવાજા સારી રીતે બંધ રાખવા જરૂરી છે. થોડીક પણ ખુલ્લી બારી ધુમાડો, ફટાકડાની રાખ કે ચિનગારીને કારની અંદર આવવાનો રસ્તો આપી શકે છે. બારી બંધ રાખવાથી માત્ર અંદરની સીટો અને ઇન્ટિરિયર જ નહીં પરંતુ ગાડીનો આખો આંતરિક ભાગ સુરક્ષિત રહેશે.

નાનું ફાયર એક્સટિંગ્વિશર સાથે રાખો

એક નાનું કાર ફાયર એક્સટિંગ્વિશર ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. જો ભૂલથી કોઈ નાનો ફટાકડો ગાડી પાસે સળગે અને આગની શરૂઆત થાય તો તમે તેને તુરંત કાબૂમાં લઈ શકો છો. તેને ડ્રાઇવરની સીટ નીચે અથવા ગ્લોવ બોક્સમાં રાખો અને તેની એક્સપાયરી ડેટ નિયમિતપણે ચકાસતા રહો.

દિવાળી પછી સફાઈ અચૂક કરો

તહેવાર પૂરો થયા પછી તમારી ગાડીને સારી રીતે ધોઈને સાફ કરો. તેનાથી ફટાકડાની રાખ, ધુમાડો અને કેમિકલ્સ દૂર થઈ જાય છે. જે લાંબા ગાળે કારના પેઇન્ટને નુકસાન પહોંચાડી શકે છે અથવા તેનો રંગ ઝાંખો કરી શકે છે. સફાઈ પછી તમારી વિન્ડશિલ્ડ અને લાઇટ્સ પણ ક્લીયર રહેશે જેથી ડ્રાઇવિંગ સુરક્ષિત બનશે.


  • Follow us on: