હાલમાં આપણા દેશમાં લગભગ તમામ પેટ્રોલ પંપ પર E20 પેટ્રોલ મળવા લાગ્યું છે. સરકારનું માનવું છે કે તેનાથી ભારતમાં પ્રદૂષણ ઘટશે અને દેશની અર્થવ્યવસ્થાને પણ ફાયદો થશે. જોકે, E20ને લઈને ઘણા નાગરિકો ખુશ નથી. તેમનું માનવું છે કે E20થી તેમની કાર પર ખરાબ અસર થઈ રહી છે અને માઈલેજમાં પણ ઘટાડો થયો છે. કેટલાક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો તમારી કાર લાંબા સમય સુધી પાર્ક કરી રાખેલી હોય અથવા વપરાયા વગરની પડી રહી હોય તો તેના પર પણ E20ની ખરાબ અસર થઈ શકે છે.
E20 પેટ્રોલને કારણે જો કાર લાંબા સમય સુધી ઊભી રહે તો ઈંધણનું કેમિકલ બેલેન્સ બગડવા લાગે છે. જે લોકો મહિનામાં માત્ર 1-2 વખત પોતાની કાર બહાર કાઢે છે, તેમના એન્જિનમાં ધીમે ધીમે એવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે, જેની જાણ ત્યારે થાય છે જ્યારે મોટું રિપેરિંગ બિલ આવે.
ફેઝ સેપરેશનનું મોટું જોખમ
E20ની સૌથી મોટી ખાસિયત અને ખામી એ છે કે તે હાઈગ્રોસ્કોપિક હોય છે. એટલે કે તે હવામાંથી ભેજ અને પાણીને ઝડપથી શોષી લે છે. જ્યારે તમારી કાર 7-10 દિવસ સુધી એક જ જગ્યાએ ઊભી રહે છે ત્યારે ફ્યુઅલ ટેન્કમાં રહેલી હવામાંથી ભેજ બહાર આવીને એથનોલ સાથે ભળી જાય છે.
ત્યારબાદ પાણીનું પ્રમાણ વધી જાય ત્યારે પેટ્રોલ અને એથનોલ અલગ થઈ જાય છે. તેને ટેક્નિકલ ભાષામાં ફેઝ સેપરેશન કહેવામાં આવે છે. પાણી અને એથનોલનું આ ભારે મિશ્રણ ટેન્કના નીચેના ભાગમાં બેસી જાય છે. જ્યારે તમે ઘણા દિવસો બાદ કાર સ્ટાર્ટ કરો છો ત્યારે ફ્યુઅલ પંપ સીધું આ પાણીવાળું મિશ્રણ ખેંચી લે છે, જેના કારણે એન્જિન ઝટકા મારવા લાગે છે અને અચાનક બંધ પણ પડી શકે છે.
આ પાર્ટ્સમાં કાટ લાગી શકે છે
જૂની કાર અથવા E20 માટે તૈયાર ન હોય તેવી કારમાં મેટલની ફ્યુઅલ ટેન્ક, રબરના હોઝ પાઈપ અને જૂના પ્રકારના ફ્યુઅલ ઈન્જેક્ટરનો ઉપયોગ થતો હોય છે. એથનોલમાં રહેલું પાણી લાંબા સમય સુધી પાઈપ અને ટેન્કની અંદર રહે તો ત્યાં ઝડપથી જંગ લાગી શકે છે. ત્યારબાદ જંગ અને રબર ઘસાઈ જવાથી બનેલા બારીક કણ ધીમે ધીમે ફ્યુઅલ ફિલ્ટર અને ઈન્જેક્ટરને બ્લોક કરી શકે છે. તેના કારણે કાર સ્ટાર્ટ થવામાં મુશ્કેલી પડી શકે છે, પિકઅપ ઘટી શકે છે અને બાદમાં આખી ફ્યુઅલ સિસ્ટમ બદલવાની જરૂર પડી શકે છે. તેમાં અંદાજે ₹15,000થી ₹40,000 સુધીનો મોટો ખર્ચ થઈ શકે છે.
માઇલેજ પણ ઘટી શકે છે
જો તમારી કારમાં ફેઝ સેપરેશન થઈ ગયું હોય અને તમે તેમ છતાં કાર ચલાવતા રહો તો સ્પાર્ક પ્લગ પર પાણી અને કેમિકલ જમા થવાથી એન્જિન મિસફાયર થવાની સમસ્યા શરૂ થઈ શકે છે. કાર ચાલતી વખતે અચાનક ઝટકા લાગશે અને એવું લાગી શકે છે કે પેટ્રોલ ખતમ થઈ ગયું છે. બીજી તરફ, એથનોલ ભેળવેલું પેટ્રોલ લાંબા સમય સુધી જૂનું થઈ જાય તો તેની સળગવાની ક્ષમતા ઘટી શકે છે. તેના કારણે કારનું માઈલેન્જ અચાનક 20-30 ટકા સુધી ઘટી શકે છે અને કારમાંથી અલગ-અલગ પ્રકારના અવાજો પણ આવી શકે છે.
કેવી રીતે બચાવ કરવો?
જો તમે તમારી કારને એથનોલથી થતા નુકસાનથી બચાવવા માંગતા હો, તો આ પગલાં અપનાવી શકો છો.
જો તમારી કાર ખૂબ ઓછી ચાલતી હોય તો ટેન્કમાં વધારે પેટ્રોલ ભરાવીને મહિનાઓ સુધી કાર ઊભી ન રાખો. એટલું જ પેટ્રોલ ભરાવો જે 7-10 દિવસમાં વપરાઈ જાય. અઠવાડિયામાં 1-2 વખત કાર સ્ટાર્ટ કરો: જો તમે કાર બહાર ન લઈ જતા હો તો પણ અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 વખત 10-15 મિનિટ માટે કારને ન્યુટ્રલમાં સ્ટાર્ટ કરીને રાખી શકો છો. ફ્યુઅલ સ્ટેબિલાઈઝર એડિટિવ: કોઈ સારા ઓટો એક્સપર્ટની સલાહ લઈને ભેજ દૂર કરતું ફ્યુઅલ સ્ટેબિલાઈઝર એડિટિવ વાપરી શકો છો, જે એથનોલ અને પાણીને અલગ થવાથી રોકવામાં મદદ કરી શકે છે. પ્રીમિયમ ફ્યુઅલનો વિકલ્પ: જો તમારી કાર ખૂબ જૂની હોય તો ઓછા એથનોલ અથવા વધારે ઓક્ટેનવાળા પ્રીમિયમ ઈંધણનો વિકલ્પ પસંદ કરી શકો છો, જેથી તમારા એન્જિનના પાર્ટ્સ લાંબા સમય સુધી સુરક્ષિત રહી શકે.