ઇથેનોલ મિશ્રિત E20 પેટ્રોલથી તમારી ગાડી પર કેટલી અસર થઈ છે તે નક્કી કરવું કદાચ મુશ્કેલ છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે E20ને લીધે બજારની દિશા બદલાઇ ગઇ છે. E20ને લઈને વધતી ચિંતાઓને લીધે લોકોની કાર ખરીદવાની પસંદગી પર મોટી અસર જોવા મળી રહી છે. E-20 સિવાયના બીજા ઈંધણના વિકલ્પો ધરાવતા વાહનોની માગમાં અચાનક વધારો થયો છે અને તેમનો વેઇટિંગ પિરિયડ પણ ઘણો વધી ગયો છે.
તાજેતરમાં ઘણા લોકોએ ફરિયાદ કરી હતી કે E20 પેટ્રોલનો ઉપયોગ કર્યા પછી તેમના વાહનોના માઈલેજમાં ઘટાડો થયો છે અને મેન્ટેનન્સ ખર્ચ વધી ગયો છે. E20 ઈંધણને લઈને સામે આવી રહેલા અહેવાલોની અસર કાર ખરીદી પર પણ જોવા મળી રહી છે. ઘણા લોકો હવે પેટ્રોલની જગ્યાએ CNG અને ઇલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે. અચાનક વધેલી માંગની અસર હવે આ વાહનોની સપ્લાય પર પણ પડી રહી છે. એવામાં પરિસ્થિતિ એવી સર્જાઇ છે કે કેટલાક લોકપ્રિય EV અને CNG મોડલની માગ એટલી વધી ગઈ છે કે કંપનીઓ ગ્રાહકોની માંગ પ્રમાણે વાહનોની સપ્લાય કરી શકતી નથી. કેટલીક ગાડીઓ માટે વેઇટિંગ પિરિયડ 6 મહિના સુધી પહોંચી ગયો છે.
કઈ ગાડીઓ માટે કેટલું વેઇટિંગ?
હાલમાં Mahindra XEV 9Sની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. તેના માટે ગ્રાહકોએ લગભગ 6 મહિના સુધી રાહ જોવી પડી શકે છે. બીજી તરફ Tata Punch EV અને Tata Tiago EVના કેટલાક વેરિઅન્ટ માટે 18થી 24 અઠવાડિયાનું વેઇટિંગ ચાલી રહ્યું છે. ઇલેક્ટ્રિક સ્કૂટર સેગમેન્ટમાં TVS iQubeની માંગ સૌથી વધુ છે. તેના કેટલાક વેરિઅન્ટ માટે લગભગ 4થી 5 મહિના સુધી રાહ જોવી પડી રહી છે.
બીજી તરફ Maruti Brezzaનો સરેરાશ વેઇટિંગ પિરિયડ લગભગ 2 મહિના છે. ખાસ વાત એ છે કે Brezzaની કુલ બુકિંગમાં લગભગ 70% હિસ્સો ટર્બો-પેટ્રોલ અને CNG વેરિઅન્ટનો છે. આથી સ્પષ્ટ થાય છે કે ગ્રાહકો હવે માત્ર પેટ્રોલ મોડલ પર આધાર રાખવાને બદલે બીજા પાવરટ્રેન વિકલ્પો તરફ ઝડપથી વળી રહ્યા છે. સામાન્ય રીતે તહેવારોની સિઝનમાં વાહનોનું વેઇટિંગ વધે છે, પરંતુ તહેવારો શરૂ થાય તે પહેલાં જ ગ્રાહકોને પોતાની પસંદની ગાડી માટે રાહ જોવી પડી રહી છે.
EV અને CNG વાહનો માટે પૂછપરછ અને બુકિંગમાં 30%થી વધુનો વધારો થયો છે. આ વધારો પેટ્રોલ-ડીઝલ વાહનોની સરખામણીમાં બમણાથી પણ વધુ છે. આ અહેવાલ મુજબ નવા મોડલની લોન્ચિંગ સાથે E20ને લઈને વધતી નકારાત્મક ધારણાને કારણે આ ફેરફાર જોવા મળી રહ્યો છે. લગભગ 5 મહિના પહેલાં જ્યાં મહત્તમ વેઇટિંગ લગભગ 1 મહિનાનું હતું, ત્યાં હવે તે વધીને 3થી 4 મહિના સુધી પહોંચી ગયું છે.
સસ્તા EV વેરિઅન્ટ માટે સૌથી વધુ વેઇટિંગ
EV બજારમાં એક ઈન્ટરેસ્ટિંગ ફેરફાર જોવા મળી રહ્યો છે. ઓછી કિંમતવાળા વેરિઅન્ટ માટે ગ્રાહકોને વધુ રાહ જોવી પડી રહી છે. Tata Punch EV Smart 30 અને Tiago EVના કેટલાક વેરિઅન્ટ માટે 18થી 24 અઠવાડિયાનું વેઇટિંગ છે. જ્યારે Tata Sierra EVના Pure 65 વેરિઅન્ટની ડિલિવરી માટે લગભગ 12થી 15 અઠવાડિયા સુધી રાહ જોવી પડી શકે છે. તેની સરખામણીમાં Sierra EVના કેટલાક મોંઘા વેરિઅન્ટનું વેઇટિંગ લગભગ 4થી 6 અઠવાડિયાનું છે.
આનો સીધો અર્થ એ છે કે જો ગ્રાહક વધારે પૈસા ખર્ચવા તૈયાર હોય તો તેને એ જ મોડલની ગાડી ઘણી વહેલી મળી શકે છે. ઓછી કિંમતવાળા વેરિઅન્ટની વધેલી માંગને કારણે કંપનીઓ પર સપ્લાયનું દબાણ વધી ગયું છે.
તહેવારોમાં ભારતીયો કરશે બમ્પર ખરીદી
EV અને CNG વાહનોની માંગમાં આ વધારો એવા સમયે જોવા મળી રહ્યો છે, જ્યારે દેશમાં તહેવારોની સિઝનની સૌથી મોટી ખરીદી શરૂ થવાની છે. કેરળમાં ઓણમ દરમિયાન પેસેન્જર વાહનોનું વેચાણ વાર્ષિક ધોરણે 20%થી વધુ વધ્યું છે. ત્યારબાદ ગણેશ ચતુર્થી, નવરાત્રી, ધનતેરસ અને દિવાળી જેવા મોટા તહેવારો આવવાના છે. સામાન્ય રીતે આ તહેવારો દરમિયાન લોકો મોટી સંખ્યામાં ગાડીઓ ખરીદતા હોય છે.