ભારતીય ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગે ઑક્ટોબર 2025માં જબરદસ્ત પ્રદર્શન કર્યું છે અને તમામ સેગમેન્ટમાં રિટેલ વેચાણમાં મજબૂત વધારો નોંધાયો છે. ગયા મહિને વાહનોનું વેચાણ વધ્યું અને ઇલેક્ટ્રિક કારની માંગ પણ મજબૂત રહી. ફેડરેશન ઑફ ઑટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન (FADA)ના નવા ડેટા મુજબ ભારતનું EV બજાર ધીમે ધીમે મજબૂત થઈ રહ્યું છે અને ગ્રાહકો પણ વધુને વધુ ઇલેક્ટ્રિક વાહનો તરફ સ્વિચ કરી રહ્યા છે.
ઇલેક્ટ્રિક વાહન સેગમેન્ટમાં ઐતિહાસિક વૃદ્ધિ
ઇલેક્ટ્રિક વાહન સેગમેન્ટે ઑક્ટોબર 2025માં અત્યાર સુધીની સૌથી મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. ઑક્ટોબર 2025માં કુલ 18,055 યુનિટ્સનું વેચાણ થયું. ઑક્ટોબર 2023 (11,464 યુનિટ્સ)ની તુલનામાં આ 57.5%ની જંગી વાર્ષિક વૃદ્ધિ દર્શાવે છે.
EV વ્હીકલ્સની પ્રભાવશાળી વૃદ્ધિ
ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ લિમિટેડ તેના મજબૂત EV પોર્ટફોલિયો અને દેશવ્યાપી ચાર્જિંગ નેટવર્કના કારણે 7,239 યુનિટ્સના વેચાણ સાથે તેની લીડ જાળવી રાખે છે. JSW MG મોટર ઇન્ડિયા 4,549 યુનિટ્સ વેચીને બીજા ક્રમે રહી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે 3,911 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું. જે XUV400 અને તેના નવા ઇલેક્ટ્રિક વેરિઅન્ટ્સની વધતી માંગને કારણે હતું. હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા, કિયા ઇન્ડિયા, BYD ઇન્ડિયા અને BMW ઇન્ડિયાએ પણ પ્રભાવશાળી વૃદ્ધિ હાંસલ કરી.
કોમર્શિયલ EVsમાં મોટો ઉછાળો
વ્યાપારી EVsએ વાસ્તવિક શક્તિ દર્શાવી. ગયા વર્ષની સરખામણીમાં આ સેગમેન્ટમાં 105.9%નો મોટો ઉછાળો જોવા મળ્યો. ઑક્ટોબર 2025માં કુલ 1,767 યુનિટ્સ વેચાયા હતા. જે ઑક્ટોબર 2023માં 858 યુનિટ્સ હતા. ટાટા મોટર્સે 603 યુનિટ્સ સાથે ટોચનું સ્થાન મેળવ્યું. જે ફ્લીટ ગ્રાહકો અને મ્યુનિસિપાલિટીઝ તરફથી ઇલેક્ટ્રિક વાહનોની વધતી માંગ દર્શાવે છે.
ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરનું પ્રદર્શન
ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર્સ સેગમેન્ટમાં 5.1%નો નજીવો વધારો થયો છે. જે ઑક્ટોબર 2024માં 67,173 યુનિટની સરખામણીમાં આ વર્ષે 70,604 યુનિટ પર પહોંચ્યું છે. ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં મજબૂત માંગને કારણે મહિન્દ્રા ગ્રુપે 11,860 યુનિટ્સ સાથે ટોચનું સ્થાન જાળવી રાખ્યું. ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ સેગમેન્ટની વાત કરીએ તો ભારતમાં EV વેચાણનો સૌથી મોટો હિસ્સો ધરાવતા આ સેગમેન્ટે ઑક્ટોબર 2025માં 1,43,887 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું હતું. જે ફક્ત 2.6%નો વધારો દર્શાવે છે. બજાજ ઑટો લિમિટેડ (31,246 યુનિટ્સ)એ અગ્રણી સ્થાન મેળવ્યું હતું.