માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલા નવા ડ્રાફ્ટ મુજબ વારંવાર નિયમો તોડનારા અને ચલણની રકમ બાકી રાખનારાઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. આ નવા ફેરફારોનો મુખ્ય હેતુ લોકોમાં કાયદાનો ડર પેદા કરવો અને પેન્ડિંગ ચલણોનો નિકાલ લાવવાનો છે.


45 દિવસમાં લેવો પડશે નિર્ણય

નવા નિયમો મુજબ ટ્રાફિક મેમો મળ્યા બાદ વાહન માલિક પાસે 45 દિવસનો સમય રહેશે. આ સમયગાળા દરમિયાન માલિકે કાં તો દંડ ભરી દેવો પડશે અથવા જો ચલણ ખોટું હોય તો પુરાવા સાથે તેનો વિરોધ નોંધાવવો પડશે. જો 45 દિવસમાં કોઈ પગલાં લેવામાં નહીં આવે, તો ચલણ આપોઆપ સ્વીકૃત માનવામાં આવશે અને કાર્યવાહી શરૂ થશે.

RTO સેવાઓ પર લાગશે પ્રતિબંધ

જો કોઈ વ્યક્તિનું ચલણ બાકી હશે, તો RTO (રીજીયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ) તે વ્યક્તિના વાહન સંબંધિત કોઈપણ કામ કરશે નહીં. 'વાહન' અને 'સારથી' પોર્ટલ પર આવી વ્યક્તિઓને "નો ટ્રાન્ઝેક્શન" લિસ્ટમાં મૂકવામાં આવશે. એટલે કે, ચલણ ક્લિયર ન થાય ત્યાં સુધી RC ટ્રાન્સફર કે લાયસન્સ રીન્યુઅલ જેવી સેવાઓ મળશે નહીં.

ક્યારે RC બ્લેકલિસ્ટ અને લાયસન્સ સસ્પેન્ડ થશે?

જો કોઈ વાહન પર 5 કે તેથી વધુ મેમો બાકી હશે, તો તેની RC બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે. આવી ગાડી રસ્તા પર ચલાવવી ગેરકાયદે ગણાશે. જો 3 મહિના સુધી ઈ-ચલણ નહીં ભરાય, તો ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે છે. એક વર્ષમાં 3 વાર રેડ લાઈટ તોડવા કે ખતરનાક ડ્રાઇવિંગના ચલણ ફાટશે, તો લાયસન્સ 3 મહિના માટે જપ્ત થઈ શકે છે.

શા માટે લેવાયો આ નિર્ણય?

દેશભરમાં માત્ર 40% જેટલા જ ટ્રાફિક ચલણ ભરાય છે. ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં હજારો કરોડ રૂપિયાનો દંડ વસૂલવાનો બાકી છે. આ બોજ ઘટાડવા અને માર્ગ સુરક્ષા વધારવા સરકાર આ કડક કાયદો લાવી રહી છે. જો તમને લાગે કે ચલણ ખોટું છે, તો તમે ઓનલાઈન પડકારી શકો છો અને જો 30 દિવસમાં તેનો નિકાલ ન આવે તો તે રદ ગણાશે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: