ભારતીય કાર બજાર માટે ઓક્ટોબર 2026નો મહિનો અત્યંત શાનદાર અને ઐતિહાસિક રહ્યો છે. તહેવારોની સિઝનની ભારે માંગ, આકર્ષક ડિસ્કાઉન્ટ અને GST 2.0ના ફાયદાને કારણે કારના વેચાણમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે. ઓક્ટોબર મહિનામાં દેશમાં પેસેન્જર વ્હીકલ (PV) નું જથ્થાબંધ વેચાણ ઇતિહાસમાં પહેલીવાર 5 લાખ યુનિટના આંકડાને પાર કરી ગયું છે. હંમેશની જેમ મારુતિ સુઝુકીએ સૌથી વધુ કાર વેચીને પોતાનું પ્રથમ સ્થાન મજબૂત રાખ્યું છે, જ્યારે ટાટા મોટર્સે આ વખતે શાનદાર પ્રદર્શન કરીને મહિન્દ્રાને પાછળ છોડીને બીજું સ્થાન મેળવી લીધું છે.
મારુતિ સુઝુકીનું શાનદાર પ્રદર્શન અને વધતી માગ
દેશની અગ્રેસર કાર કંપની મારુતિ સુઝુકીએ ઓક્ટોબર 2026માં ઘરેલુ બજારમાં 2,16,789 ગાડીઓનું વેચાણ કર્યું છે. ગત વર્ષે ઓક્ટોબરમાં કંપનીએ 1,80,675 યુનિટ વેચ્યા હતા, જેની સરખામણીમાં આ વર્ષે વાર્ષિક ધોરણે કંપનીના વેચાણમાં 20% નો મોટો વધારો નોંધાયો છે. મારુતિ સુઝુકીના સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર પાર્થો બેનર્જીના જણાવ્યા મુજબ નાની કારથી લઈને એસયુવી (SUV), એમપીવી અને સેડાન સુધીના તમામ સેગમેન્ટમાં ગ્રાહકો તરફથી ઉત્તમ પ્રતિસાદ સાંપડ્યો છે. કંપની પાસે હજુ આશરે 2.45 લાખ ગાડીઓની બુકિંગ પેન્ડિંગ છે, જ્યારે ડીલરશિપ પાસે માત્ર 12 દિવસનો જ સ્ટોક બચ્યો છે, જે બજારમાં ગાડીઓની અતિશય માગ દર્શાવે છે.
