ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો (EV) ની બેટરી બનાવવા માટે જરૂરી અતિ મહત્વના ઘટક લિથિયમ અંગે એક મોટી વૈજ્ઞાનિક સફળતા મળી છે. ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) ના વૈજ્ઞાનિકોએ એક એવી કેમિકલ ટેકનીક વિકસાવી છે, જેના દ્વારા દરિયાના કુદરતી પાણીમાં ઓગળેલા લિથિયમમાંથી આશરે 90% સુધીનો હિસ્સો અલગ કરી શકાય છે. આ ટેકનોલોજી ભારતની લિથિયમ માટે અન્ય દેશો પરની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. જોકે, આ ટેકનીકનો મોટા પાયે (ઔદ્યોગિક સ્તરે) ઉપયોગ કરવા અને તેનો ઉત્પાદન ખર્ચ માપવો હજુ બાકી છે.

ઇલેક્ટ્રિક વાહનો અને બેટરી ક્ષેત્રે લિથિયમની વધતી માગ

વિશ્વભરમાં ઇલેક્ટ્રિક વાહનો અને રિન્યુએબલ એનર્જીનો વપરાશ ખૂબ ઝડપથી વધી રહ્યો છે, જેના લીધે વીજળી સ્ટોર કરી શકે તેવી બેટરીઓની માંગમાં મોટો ઉછાળો આવ્યો છે. લિથિયમ-આયન બેટરી પોતાની ઉચ્ચ એનર્જી સ્ટોરેજ ક્ષમતા, લાંબી ટકાઉપણા અને શ્રેષ્ઠ કામગીરીના કારણે EV, મોબાઇલ ફોન અને એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સમાં વ્યાપકપણે વપરાય છે. ભારતમાં પણ EV નું બજાર ઝડપથી વિસ્તરી રહ્યું છે, પરંતુ બેટરી અને સેલ નિર્માણ માટે ભારત હજુ પણ આયાત પર ખૂબ નિર્ભર છે. પરિણામે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં લિથિયમ ભાવ વધે કે સપ્લાય ખોરવાય તો દેશમાં બેટરી અને EV ગાડીઓની કિંમત વધી જાય છે.

Great achievement of Indian scientists

BARC દરિયાના પાણીમાંથી કેવી રીતે લિથિયમ અલગ કરશે?

દરિયાના પાણીમાંથી લિથિયમ મેળવવા માટે BARC ના વૈજ્ઞાનિકોએ ખાસ કેમિકલ પ્રોસેસ તૈયાર કરી છે. આ પ્રક્રિયામાં સૌપ્રથમ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને સોડિયમ કાર્બોનેટની મદદથી પાણીનું pH લેવલ ધીમે-ધીમે વધારવામાં આવે છે, જેથી પાણીમાં રહેલા મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા બિનજરૂરી તત્વોને દૂર કરી શકાય. રિસર્ચ દર્શાવે છે કે આ પ્રક્રિયાથી 99% થી વધુ અવાંછિત તત્વો અલગ થઈ ગયા હતા, જ્યારે મોટાભાગનું લિથિયમ પાણીમાં જ સચવાઈ રહ્યું હતું. દરિયાના પાણીમાં લિથિયમ સિવાય અન્ય અનેક તત્વો હોવાથી, લિથિયમને નુકસાન પહોંચાડ્યા વિના બાકીના તત્વો અલગ કરવા એ જ આ ટેકનીકનો મુખ્ય પડકાર હતો.

ઓછું સોલ્વન્ટ અને 90% લિથિયમ રિકવરીનું ગણિત

આ પ્રક્રિયામાં પાણી અને ઓર્ગેનિક સોલ્વન્ટનો ગુણોત્તર 10:1 રાખવામાં આવ્યો હતો, એટલે કે 1 લીટર પાણી માટે આશરે 100 મિલીલીટર સોલ્વન્ટ વપરાયું હતું. MIBK નામના સોલ્વન્ટથી લિથિયમ કેમિકલ કોમ્પ્લેક્સ સ્થિર રહે છે, જેથી વધારાના કેમિકલ્સ ઉમેરવાની જરૂરિયાત ઘટે છે. પાણી અને સોલ્વન્ટને મિક્સ કરવાના યોગ્ય સમયથી લિથિયમ રિકવરી શ્રેષ્ઠ બને છે. ત્યારબાદ મંદ નાઇટ્રિક એસિડના ઉપયોગ અને આ પ્રક્રિયાને પાંચ વખત પુનરાવર્તિત કરવાથી આશરે 90% લિથિયમ રિકવરી મેળવવામાં સફળતા મળી છે. લિથિયમ અલગ કર્યા પછી સોલ્વન્ટનો પુનઃઉપયોગ શક્ય છે, જોકે દરેક સાયકલમાં 10% સોલ્વન્ટ ઘટે છે, જે મોટા સ્તરે ખર્ચ વધારી શકે છે.

Great achievement of Indian scientists

લિથિયમ આયાત પર ભારતની વધતી નિર્ભરતા

ભારતમાં લિથિયમ અને લિથિયમ-આયન બેટરી સંબંધી આયાત (Import) ના આંકડા છેલ્લા કેટલાક વર્ષોમાં ચિંતાજનક રીતે વધ્યા છે. નાણાકીય વર્ષ 2018 માં આ આયાત આશરે રૂ.3,532 કરોડ હતી, જે નાણાકીય વર્ષ 2025 માં વધીને રૂ.25,458.6 કરોડ સુધી પહોંચી ગઈ હતી. વળી, નાણાકીય વર્ષ 2026 માં માત્ર 11 મહિનાના ગાળામાં (એપ્રિલ 2025 થી ફેબ્રુઆરી 2026) આયાતનો આંકડો રૂ.37,624.6 કરોડ થયો છે, જે ગયા વર્ષના સમાન ગાળા કરતા 48% વધુ છે. ભારત રિફાઇન્ડ લિથિયમ અને બેટરી-ગ્રેડ સેલ માટે મુખ્યત્વે ચીન જેવા દેશો પર આધાર રાખે છે.

દરિયામાંથી લિથિયમ મળવાથી શું EV સસ્તી થશે?

જો BARC ની આ ટેકનોલોજીનો મોટા પાયે વ્યાવસાયિક સ્તરે સફળતાપૂર્વક ઉપયોગ થાય, તો ભારત માટે લિથિયમનો સ્થાનિક સ્ત્રોત ખુલી શકે છે અને વિદેશી આયાત પર નિર્ભરતા ઘટી શકે છે. પરંતુ, દરિયાના પાણીમાં લિથિયમની સાંદ્રતા (માત્રા) ખૂબ ઓછી હોય છે. તેથી માત્ર 90% રિકવરી મેળવવી પૂરતી નથી; ચોક્કસ જથ્થામાં લિથિયમ મેળવવા માટે કેટલું પાણી, કેમિકલ, વીજળી અને નાણાં ખર્ચાય છે તે જોવું પડશે. આ ટેકનોલોજીને લેબોરેટરીમાંથી ઔદ્યોગિક પ્લાન્ટ સુધી લઈ જવાનો ખર્ચ અને પર્યાવરણ પર તેની અસર ચકાસ્યા પછી જ નક્કી થશે કે ભવિષ્યમાં ઇલેક્ટ્રિક ગાડીઓ કેટલી સસ્તી થશે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો