ભારતીય ટુ-વ્હીલર બજારે સપ્ટેમ્બર 2025માં એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. એક જ મહિનામાં 2 મિલિયન એટલેકે 20 લાખથી વધુ બાઇક અને સ્કૂટરનું વેચાણ થયું છે. જે ગયા વર્ષની સરખામણીમાં 9%નો જબરદસ્ત વધારો દર્શાવે છે. આ નોંધપાત્ર વૃદ્ધિના મુખ્ય કારણોમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના દરમાં ઘટાડો (28% થી 18%) અને તહેવારોની મોસમનો પ્રારંભ છે.
રોયલ એનફિલ્ડે રચ્યો ઇતિહાસ
સપ્ટેમ્બર 2025 મહિનો રોયલ એનફિલ્ડ માટે ઐતિહાસિક રહ્યો છે. કંપનીનું વેચાણ 43% વધીને 1,13,000 યુનિટ થયું છે. જે તેનું અત્યાર સુધીનું સૌથી વધુ માસિક વેચાણ છે. CEO બી. ગોવિંદરાજને જણાવ્યું હતું કે આ પ્રથમ વખત છે જ્યારે રોયલ એનફિલ્ડે એક મહિનામાં 1,00,000થી વધુ યુનિટ્સ વેચ્યા છે. ક્લાસિક, બુલેટ અને હન્ટર જેવા મોડેલોએ આ વૃદ્ધિમાં મુખ્ય ફાળો આપ્યો છે.
TVS મોટરનો મજબૂત પગપેસારો
TVS મોટરે પણ આ મહિને મજબૂત પ્રદર્શન કર્યું છે. જેમાં વેચાણ 12% વધીને 4,13,000 યુનિટ થયું છે. ખાસ કરીને Jupiter સ્કૂટર અને iQube ઇલેક્ટ્રિક સ્કૂટરનું બજારમાં પ્રદર્શન સારું રહ્યું છે. નિકાસ અને ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) સેગમેન્ટ્સે પણ TVSની વૃદ્ધિમાં ફાળો આપ્યો છે.
હોન્ડા અને બજાજની સ્થિતિ
હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયા (HMSI): તેમનું વેચાણ 5,05,000 યુનિટ રહ્યું. જે ગયા વર્ષની સરખામણીમાં 3%નો વધારો છે. સ્કૂટર બજાર ખાસ કરીને હોન્ડા એક્ટિવાએ તેમનો મજબૂત સેગમેન્ટ જાળવી રાખ્યો છે. બજાજ ઑટો: આ કંપનીએ સપ્ટેમ્બરમાં 2,73,000 યુનિટનું વેચાણ કર્યું છે. જે 5%નો વધારો દર્શાવે છે. બજાજની મજબૂત હાજરી માત્ર ભારતમાં જ નહીં પરંતુ આફ્રિકા અને લેટિન અમેરિકા જેવા વૈશ્વિક બજારોમાં પણ જોવા મળી છે.
પડકારો અને બજારનું નિરીક્ષણ
જોકે આ તેજી વચ્ચે કેટલાક મુદ્દાઓ પણ નોંધાયા છે. આ વખતે કંપનીઓએ પરંપરાગત રીતે મળતા રૂ.5,000થી રૂ.10,000ના ડિસ્કાઉન્ટની તુલનામાં ઓછા ડિસ્કાઉન્ટ ઓફર કર્યા હતા. વધુમાં ભારે ચોમાસાને કારણે ગ્રામીણ વિસ્તારોમાં વેચાણ થોડું ધીમું રહ્યું હતું. આમ છતાં GST દરમાં ઘટાડો અને ઉત્સવના માહોલને કારણે સપ્ટેમ્બર 2025 ભારતીય ટુ-વ્હીલર ઉદ્યોગ માટે એક ઐતિહાસિક અને સફળ મહિનો સાબિત થયો છે.