ઓટોમોબાઇલ જગતમાં કારની ડિઝાઇનને લઈને નવો વિવાદ ઊભો થયો છે. બ્રિટનની લક્ઝરી કાર કંપની જગુઆર લેન્ડ રોવર (JLR)એ ચીનની અગ્રણી કાર ઉત્પાદક BYD સામે તેની SUV Ti 7ની ડિઝાઇનની નકલ કરવાનો આરોપ લગાવ્યો છે. JLRના જણાવ્યા અનુસાર, આ SUVનો દેખાવ તેની જાણીતી Defender 110 જેવો છે. આ ફરિયાદ બાદ ઓગસ્ટ 2026માં નેધરલેન્ડ્સમાં BYDની શિડમ અને હોફડોર્પ સ્થિત 2 ઓફિસમાં કોર્ટ દ્વારા નિયુક્ત અધિકારીઓએ તપાસ કરી હતી. આ દરમિયાન મહત્ત્વના દસ્તાવેજો અને ડિજિટલ રેકોર્ડ પણ જપ્ત કરવામાં આવ્યા હતા.
રિવર્સ એન્જિનિયરિંગથી નકલ કરવાનો આરોપ
JLRને શંકા છે કે BYDએ Defenderને સંપૂર્ણ રીતે ખોલીને તેની ડિઝાઇન અને ટેક્નોલોજીનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ રિવર્સ એન્જિનિયરિંગની મદદથી Ti 7 તૈયાર કરવામાં આવી હતી. જોકે, હજુ સુધી કોર્ટમાં આ આરોપ સાબિત થયો નથી. બીજી તરફ, BYDના વકીલોએ તપાસ દરમિયાન જપ્ત કરાયેલા રેકોર્ડ સામે વાંધો ઉઠાવી કાર્યવાહીને 'ફિશિંગ એક્સપિડિશન' ગણાવી છે. આ મામલે 11 નવેમ્બર 2026ના રોજ હેગમાં પ્રારંભિક સુનાવણી થવાની છે.
