મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા માટે ઓક્ટોબર 2026 નો મહિનો વેચાણ અને સફળતાની દ્રષ્ટિએ અત્યંત શાનદાર રહ્યો છે. કંપનીએ આ દરમિયાન ઘરેલુ બજાર અને વિદેશોમાં મળીને કુલ 1,31,109 ગાડીઓનું વેચાણ કર્યું છે. કંપનીના ઇતિહાસમાં આ કોઈપણ એક મહિનામાં નોંધાયેલી સૌથી વધુ વેચાણ સંખ્યા છે. પાછલા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં કંપનીના વેચાણમાં 9 ટકાનો મજબૂત વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને SUV સેગમેન્ટમાં મહિન્દ્રાએ નવો રેકોર્ડ બનાવતા માત્ર 31 દિવસમાં ઘરેલુ બજારમાં 73,338 SUV વેચી નાખી છે. તહેવારોની સિઝનમાં ગ્રાહકોની ભારે માંગ અને નવા મોડેલ્સની એન્ટ્રીએ વેચાણને નવી રફ્તાર આપી છે.
SUV ની સેલમાં શાનદાર ઉછાળો
ઓક્ટોબર 2026 માં મહિન્દ્રાની ઘરેલુ પેસેન્જર વ્હીકલનું વેચાણ 73,338 યુનિટ રહ્યું હતું, જ્યારે ઓક્ટોબર 2025 માં આ આંકડો 71,624 યુનિટ હતો. આમ, વાર્ષિક ધોરણે 2.39 ટકાનો વધારો નોંધાયો છે. જો એક્સપોર્ટને પણ સામેલ કરવામાં આવે, તો કંપનીની કુલ યુટિલિટી વ્હીકલનું વેચાણ 74,904 યુનિટ સુધી પહોંચી ગયું છે. આ ઉપરાંત, ચાલુ નાણાકીય વર્ષ 2026-27 માં એપ્રિલથી ઓક્ટોબર વચ્ચેના સાત મહિનામાં મહિન્દ્રાએ કુલ 4,31,480 SUVનું વેચાણ કર્યું છે.
