મહિન્દ્રાએ નવા બોલેરો નીઓ અને બોલેરો ફેસલિફ્ટ મોડેલ્સ લોન્ચ કર્યા છે. નવી SUVમાં ઘણા ફેરફારો થયા છે. પરંતુ તેમનો એકંદર દેખાવ એ જ રાખ્યો છે. મહિન્દ્રાએ જણાવ્યું હતું કે આ ફેરફારો મોટાભાગે ગ્રાહકોની માંગ પર આધારિત હતા. ફેસલિફ્ટેડ મહિન્દ્રા બોલેરો અને બોલેરો નીઓની કિંમત આઉટગોઇંગ મોડેલ જેટલી જ છે. બોલેરો નીઓની કિંમત રૂ.8.49 લાખથી રૂ.9.99 લાખ (એક્સ-શોરૂમ) છે. જ્યારે બોલેરોની કિંમત રૂ.7.99 લાખથી રૂ.9.69 લાખ (એક્સ-શોરૂમ)ની વચ્ચે છે. મહિન્દ્રાએ આ બંને SUVના એન્જિનમાં કોઈ ફેરફાર કર્યા નથી. જોકે સુધારેલ હેન્ડલિંગ માટે સસ્પેન્શનને કંપનીના નવા 'રાઇડફ્લો ટેક' સાથે ટ્યુન કરવામાં આવ્યું છે.
મહિન્દ્રા બોલેરો નીઓમાં નવું શું છે?
રિફ્રેશ્ડ મહિન્દ્રા બોલેરો નીઓની ફ્રન્ટ ગ્રિલને ફરીથી ડિઝાઇન કરવામાં આવી છે. નવી ગ્રિલમાં ક્રોમ એમ્બિલિશમેન્ટ્સ સાથે આડી સ્લેટ્સ આપવામાં છે. જે તેને આગળથી વધુ પ્રીમિયમ લુક આપે છે. બે નવા રંગના વિકલ્પો જીન્સ બ્લુ અને કોંક્રિટ ગ્રે ને ઉમેરવામાં આવ્યા છે. જે SUVના નવા N11 વેરિઅન્ટ પર ઉપલબ્ધ રહશે. આ નવું ટોપ-એન્ડ N11 વેરિઅન્ટ ડ્યુઅલ-ટોન પેઇન્ટ અને નવા 16-ઇંચ એલોય વ્હીલ્સ સાથે આવે છે. ઇન્ટીરીયરમાં લૂનર ગ્રે રંગની થીમ આપવામાં આવી છે. જે ફક્ત N11 ટ્રીમ પર જ ઉપલબ્ધ છે. નીચલા વેરિઅન્ટમાં ઘાટા મોચા બ્રાઉન શેડ મળે છે. તેમજ સીટોમાં હવે વધુ સારી ગાદી અને સુવિધા માટે USB-C ચાર્જિંગ પોર્ટ છે. બોલેરો નીઓના N10 અને N11 વેરિઅન્ટમાં રીઅર-વ્યૂ કેમેરાની સાથે નવી 8.9-ઇંચ ટચસ્ક્રીન પણ મૂકવામાં આવી છે.
