ભારતીય ઓટોમોબાઈલ બજારમાં પોતાની પકડ વધુ મજબૂત કરવા માટે મહિન્દ્રા (Mahindra) એ તૈયારીઓ શરૂ કરી દીધી છે. કંપનીએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે જૂન 2027 સુધીમાં દેશમાં ત્રણ નવા મોડેલ લોન્ચ કરવામાં આવશે. જોકે મહિન્દ્રાએ હજુ તમામ ગાડીઓના નામો સત્તાવાર રીતે જાહેર કર્યા નથી, પરંતુ તેમાં સ્કોર્પિયો લાઈફસ્ટાઈલ પિકઅપ (Scorpio Lifestyler Pickup), વિઝન એસ (Vision S) કોન્સેપ્ટ પર આધારિત એસયુવી અને BE 07 ઇલેક્ટ્રિક એસયુવી સામેલ હોવાની પૂરી સંભાવના છે.

Q2 FY27 બ્રીફિંગમાં મોટા ખુલાસા

કંપનીએ પોતાના ત્રિમાસિક પરિણામો સાથે જોડાયેલી મીડિયા બ્રીફિંગ દરમિયાન આ નવા લોન્ચ પ્લાનની માહિતી આપી હતી. મહિન્દ્રાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઈઓ (ઓટો એન્ડ ફાર્મ સેક્ટર) રાજેશ જેજુરિકરે જણાવ્યું હતું કે, કંપની 2027ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં પાંચ મોટા લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે, જેમાંથી ત્રણ મુખ્ય મોડેલ જૂન 2027 સુધીમાં બજારમાં આવી જશે.

શું છે મહિન્દ્રાનું આગામી મોડેલ પ્લાનિંગ?

કંપનીના આગામી મોડેલ્સમાં NU_IQ પ્લેટફોર્મ પર બનેલી નવી એસયુવી, એક બિલકુલ નવી ઇલેક્ટ્રિક ગાડી, લાઈફસ્ટાઈલ પિકઅપ, હાલના મોડેલનું અપડેટ અને એક નવું લાઈટ કોમર્શિયલ વ્હીકલ (LCV) સામેલ છે. આ તમામ વાહનો કંપનીના આગામી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

એનયુ_આઈક્યુ (NU_IQ) પ્લેટફોર્મ અને વિઝન એસ (Vision S)

એનયુ_આઈક્યુ પ્લેટફોર્મ પર બનનારી પહેલી ગાડી 'વિઝન એસ' કોન્સેપ્ટનું પ્રોડક્શન મોડેલ હોઈ શકે છે. આ પ્લેટફોર્મની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના પર પેટ્રોલ, ડીઝલ, હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક એમ ચારેય પ્રકારની ગાડીઓ તૈયાર કરી શકાશે. આ પ્લેટફોર્મ પર બનતી એસયુવીનું પ્રોડક્શન 2027થી શરૂ થવાની ધારણા છે.

મહિન્દ્રા વિઝન એસ (Mahindra Vision S) ની ખાસિયતો

વિઝન એસના ટેસ્ટ મોડેલને ઘણી વખત રસ્તા પર જોવામાં આવ્યું છે. તેની બોડીનું ડિઝાઇન બોક્સી લુક ધરાવતું હશે. આ ગાડીમાં ફ્લશ ડોર હેન્ડલ, પનોરેમિક સનરૂફ અને પાછળની તરફ ટેલગેટ પર લગાવેલ સ્પેર વ્હીલ મળી શકે છે. કેબિનની વાત કરીએ તો તેમાં એક્સયુવી 7એક્સઓ (XUV 7XO) જેવું ટૂ-સ્પોક સ્ટેયરિંગ વ્હીલ અને થાર (Thar) રેન્જ જેવું 10.25-ઇંચનું ટચસ્ક્રીન ડિસ્પ્લે મળવાની અપેક્ષા છે.

મહિન્દ્રા બીઇ 07 (Mahindra BE 07) ઇલેક્ટ્રિક એસયુવી

નવી ઇલેક્ટ્રિક એસયુવી તરીકે 'BE 07' લોન્ચ થઈ શકે છે. આ કંપનીના 'BE' સબ-બ્રાન્ડનું બીજું મોડેલ હશે. તેમાં ટ્રિપલ-સ્ક્રીન ડેશબોર્ડ, ગ્લાસ રૂફ, એમ્બિયન્ટ લાઇટિંગ અને લેવલ ૨ એડાસ (Level 2 ADAS) જેવા આધુનિક ફીચર્સ મળી શકે છે. આ ગાડી INGLO પ્લેટફોર્મ પર બનશે અને બજારમાં તેની ટક્કર ટાટા હેરિયર ઇવી (Tata Harrier EV) અને BYD Atto 3 સાથે થશે.

સ્કોર્પિયો લાઈફસ્ટાઈલ પિકઅપ (Scorpio Lifestyler Pickup)

મહિન્દ્રાની આ નવી લાઈફસ્ટાઈલ પિકઅપ ગાડી 2023 ગ્લોબલ પિક અપ કોન્સેપ્ટ પર આધારિત છે અને તેમાં સ્કોર્પિયો એન (Scorpio N) જેવું બોડી-ઓન-ફ્રેમ ચેસિસ મળશે. તેની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત રૂ.19.79 લાખથી ઓછી હોઈ શકે છે. તેમાં 2.2-લિટર ડીઝલ અને 2.0-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન વિકલ્પો સાથે 4-વ્હીલ ડ્રાઇવ (4WD) નો વિકલ્પ પણ મળી શકે છે.

મેન્યુફેક્ચરિંગ ક્ષમતામાં વધારો

નવી ગાડીઓની વધતી માંગને ધ્યાનમાં રાખીને મહિન્દ્રા પોતાની ઉત્પાદન ક્ષમતામાં પણ વધારો કરી રહી છે. સપ્ટેમ્બર 2026ના અંત સુધીમાં કંપનીની એસયુવી અને ઇવી બનાવવાની કુલ ક્ષમતા દર મહિને આશરે 68,000 યુનિટ હતી, જેને નાણાકીય વર્ષ 2027ના અંત સુધીમાં વધારીને 82,000 યુનિટ પ્રતિ માસ કરવાની યોજના છે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો