ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં સેડાન કારનો ક્રેઝ ફરી એકવાર વધતો જોવા મળી રહ્યો છે. ઓગસ્ટ 2026ના સેલ્સ રિપોર્ટ અનુસાર, દેશના સેડાન સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે 15.7%નો મજબૂત ગ્રોથ નોંધાયો છે. આ બજારમાં મારુતિ સુઝુકી ડિઝાયરનો એકહથ્થુ દબદબો જોવા મળ્યો છે, જેણે એકલા હાથે સેડાન માર્કેટના લગભગ 56% હિસ્સા પર કબજો જમાવ્યો છે.

સેડાન સેગમેન્ટમાં 15.7% નો જંગી ઉછાળો

ઓગસ્ટ 2026માં ભારતીય બજારમાં કુલ 32,913 યુનિટ સેડાન કારનું વેચાણ થયું છે. ગયા વર્ષે ઓગસ્ટ 2025માં આ આંકડો 28,451 યુનિટ હતો. પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો અને ઇલેક્ટ્રિક વાહનો વચ્ચે પણ એન્ટ્રી-લેવલ સેડાન કારોએ મિડલ ક્લાસ પરિવારો વચ્ચે પોતાનું સ્થાન મજબૂત રાખ્યું છે.

મારુતિ સુઝુકી ડિઝાયર

મારુતિ ડિઝાયરે ઓગસ્ટ 2026માં 18,418 યુનિટ્સના વેચાણ સાથે પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. ગયા વર્ષના ઓગસ્ટ મહિનાના 16,509 યુનિટ્સ કરતાં આ વેચાણ 11.6% વધુ છે. આ કાર પોતાના પરવડે તેવા ભાવ, શાનદાર સ્પેસ અને માઇલેજના કારણે મિડલ ક્લાસ ફેમિલીની પહેલી પસંદ બની ગઈ છે. 

નંબર-1 પર એકચક્રી શાસન

દિલ્હીમાં આ કારની એક્સ-શોરૂમ કિંમત અંદાજે રૂ.6.31 લાખથી શરૂ થાય છે. તેમાં LED હેડલેમ્પ, 9-ઇંચ ટચસ્ક્રીન, સનરૂફ, 360° કેમેરા અને 5-સ્ટાર BNCAP સેફ્ટી રેટિંગ જેવા પ્રીમિયમ ફીચર્સ મળે છે. 1.2-લીટર Z-સિરીઝ એન્જિન સાથે આ કાર પેટ્રોલમાં 24.79-25.71 kmpl અને CNG મોડેલમાં 33.73 km/kg સુધીની જબરદસ્ત માઇલેજ આપે છે.

હ્યુન્ડાઇ ઓરા: બીજા સ્થાને મજબૂત પકડ

હ્યુન્ડાઇ ઓરા 6,685 યુનિટ્સના વેચાણ સાથે સેડાન સેગમેન્ટમાં બીજા ક્રમે રહી છે. ગયા વર્ષે ઓગસ્ટમાં વેચાયેલા 5,336 યુનિટ્સની સરખામણીએ ઓરાએ 25.3% ની મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. તેના આકર્ષક લુક, સુપ્રીમ સેફ્ટી ફીચર્સ અને કંપનીના વિશાળ ડીલર નેટવર્કના લીધે યુવા ખરીદદારો આ કાર તરફ વધુ આકર્ષાયા છે.

હોન્ડા અમેઝ: વેચાણમાં 100% નો બમણો ઉછાળો

હોન્ડા અમેઝે વેચાણના મામલે સૌથી ચોંકાવનારો ગ્રોથ દર્શાવ્યો છે. ઓગસ્ટ 2026માં આ આંકડો 3,512 યુનિટ્સ પર પહોંચી ગયો છે, જે ઓગસ્ટ 2025ના 1,753 યુનિટ્સ કરતાં 100.3% વધુ છે. અમેઝના નવા વર્ઝન અને અપગ્રેડેડ ફીચર્સે ગ્રાહકોને ખૂબ લુભાવ્યા છે, જેના કારણે આ કાર ત્રીજા સ્થાને રહી છે.

Sedan car boom in the Indian market

ફોક્સવેગન વર્ટસ: વેચાણમાં 22.3%નો ઘટાડો

પ્રીમિયમ સેડાન સેગમેન્ટની જાણીતી કાર ફોક્સવેગન વર્ટસના વેચાણમાં આ વખતે ઘટાડો જોવા મળ્યો છે. ઓગસ્ટ 2026માં વર્ટસના 1,301 યુનિટ્સ વેચાયા છે, જે ગયા વર્ષના 1,674 યુનિટ્સ કરતાં 22.3% ઓછા છે. કિંમતમાં સ્પર્ધા અને માર્કેટ સેન્ટિમેન્ટના કારણે વર્ટસના વેચાણ પર અસર પડી છે, જોકે બિલ્ડ ક્વોલિટીમાં તે હજુ પણ લોકપ્રિય છે.

સ્કોડા સ્લાવિયા: માગમાં 11%નો ઘટાડો

પાંચમા સ્થાને રહેલી સ્કોડા સ્લાવિયાના વેચાણમાં પણ 11% નો ઘટાડો નોંધાયો છે. ઓગસ્ટ 2026માં સ્લાવિયાના 897 યુનિટ્સ વેચાયા હતા, જે ગયા વર્ષે ઓગસ્ટમાં 1,008 યુનિટ્સ હતા. સ્કોડા સ્લાવિયા તેના પ્રીમિયમ ફીચર્સ અને કેબિન સ્પેસ માટે જાણીતી છે, પરંતુ વધતી કોમ્પિટિશનના કારણે તેની માગ થોડી ધીમી પડી છે.

અન્ય સેડાન કારોનું પ્રદર્શન

ટોપ-5 કાર સિવાય અન્ય મોડેલોની વાત કરીએ તો, ટાટા ટિગોરે (Tata Tigor) 862 યુનિટ્સના વેચાણ સાથે 7.1% નો ગ્રોથ મેળવ્યો છે. હ્યુન્ડાઇ વર્નાનું વેચાણ 31.4% ઘટીને 529 યુનિટ્સ રહ્યું હતું. હોન્ડા સિટીએ 514 યુનિટ્સ વેચીને 17.6% નો સુધારો દર્શાવ્યો છે, જ્યારે પ્રીમિયમ સેગમેન્ટમાં ટોયોટા કેમરી (Toyota Camry) 195 યુનિટ્સના વેચાણ સાથે 23.4% નો સકારાત્મક ગ્રોથ મેળવવામાં સફળ રહી છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે ભારતમાં એન્ટ્રી-લેવલ અને બજેટ સેડાન કારોનો દબદબો યથાવત છે અને મિડલ ક્લાસ ગ્રાહકો માઇલેજ અને કિંમતને પ્રાધાન્ય આપી રહ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો