વૈભવી વાહનો બનાવતી જર્મન કંપની મર્સિડીઝ-બેન્ઝે ભારતમાં પોતાની આઇકોનિક G-ક્લાસ (જી-વેગન) લાઇનઅપને વધુ વિસ્તૃત કરતાં નવી G 450d ડીઝલ-હાઇબ્રિડ એસયુવી લોન્ચ કરી છે. આ મોડલ સાથે ડીઝલ એન્જિનની G-ક્લાસમાં વાપસી થઈ છે. તેની એક્સ-શોરૂમ કિંમત 2.90 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. આ નવું વેરિઅન્ટ હાલના પેટ્રોલ અને ઇલેક્ટ્રિક વર્ઝનની સાથે ઉપલબ્ધ રહેશે. G 450d વૈશ્વિક રેન્જમાં G 400d અને શક્તિશાળી G 63 AMGની વચ્ચે સ્થાન ધરાવે છે અને તે જર્મન વાહન નિર્માતાની સૌથી પાવરફુલ ડીઝલ એસયુવી છે.
એન્જિન અને પાવર આંકડા
આ વેરિઅન્ટમાં 3.0-લિટર ઇનલાઇન-સિક્સ ડીઝલ એન્જિન લગાવેલું છે. જે 48V માઇલ્ડ-હાઇબ્રિડ સિસ્ટમ સાથે જોડાયેલું છે. આ એન્જિન 270 kW (367 bhp) પાવર અને 750 Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં એક ઇન્ટિગ્રેટેડ સ્ટાર્ટર જનરેટર (ISG) પણ છે. જે ઓછી સ્પીડ પર વધારાનો 15 kW પાવર પૂરો પાડે છે. આ એસયુવી માત્ર 5.8 સેકન્ડમાં 0-100 કિમી/કલાકની સ્પીડ પકડી શકે છે અને તેની મહત્તમ સ્પીડ 210 કિમી/કલાક છે.
ઓફ-રોડ ક્ષમતાઓ અને ચેસિસ
આ વેરિઅન્ટ તેના ક્લાસિક ઓફ-રોડિંગ ગુણોને જાળવી રાખે છે. તે લેડર-ફ્રેમ ચેસિસ પર આધારિત છે. જે તેની મજબૂતી અને ક્ષમતાની ખાતરી આપે છે. તેમાં ઓફ-રોડિંગ માટે અત્યંત જરૂરી એવા ત્રણ ડિફરન્સિયલ લોક, સ્વતંત્ર ફ્રન્ટ સસ્પેન્શન અને મજબૂત રીઅર એક્સલ છે. એસયુવીનું MBUX ઇન્ટરફેસ પર ઓફ-રોડ ડિસ્પ્લે સ્ટીયરિંગ એંગલ, ટાયર પ્રેશર અને ડિફરન્સિયલ લોકની સ્થિતિ જેવી વાસ્તવિક સમયની માહિતી દર્શાવે છે.
ડિઝાઇન અને કોસ્મેટિક અપડેટ્સ
આ વેરિઅન્ટે G-ક્લાસનો ક્લાસિક બોક્સ-આકારનો લુક જાળવી રાખ્યો છે. પરંતુ તેમાં કેટલાક કોસ્મેટિક અપડેટ્સ કરવામાં આવ્યા છે. જેમાં આગળના બમ્પર પર ચાર વર્ટિકલ લાઉવર્સ છે. હવાના અવાજને ઘટાડવા અને વધુ સ્પીડમાં સ્થિરતા વધારવા માટે નવા ડિઝાઈનવાળી A-પિલર ક્લેડિંગ અને રૂફ-એજ સ્પોઈલર લિપ આપવામાં આવી છે. આ એસયુવીમાં 20-ઇંચના AMG એલોય વ્હીલ્સ છે જે હાઇ-ગ્લોસ બ્લેક ફિનિશ સાથે આવે છે. જે તેને વધુ આકર્ષક દેખાવ આપે છે. આ તમામ અપડેટ્સ છતાં આ વેરિઅન્ટે રસ્તા પર સૌથી વધુ ઓળખાતી એસયુવીમાંથી એક તરીકેની પોતાની ઓળખ જાળવી રાખી છે.