ભારતીય ઑટોમોબાઇલ ઉદ્યોગ માટે ઓક્ટોબર 2025 મહિનો એક સીમાચિહ્નરૂપ સાબિત થયો છે. આ મહિને દેશમાં લગભગ 40 લાખ વાહનોનું રિટેલ વેચાણ નોંધાયું છે. જે અત્યાર સુધીની સૌથી ઊંચી માસિક સંખ્યા છે. આ વધારો ગયા વર્ષના ઓક્ટોબર મહિનાની તુલનામાં 40.5% વધુ છે.

ઐતિહાસિક વૃદ્ધિના મુખ્ય કારણો

નિષ્ણાતોના મતે આ શાનદાર પ્રદર્શન પાછળ આ પરિબળોએ મહત્વની ભૂમિકા ભજવી છે: જેવાકે GST દરોમાં ઘટાડો, બેવડો તહેવાર, ગ્રામ્ય વિસ્તારની માંગ. વિસ્તારથી વાત કરીએ તો સરકાર દ્વારા કરવામાં આવેલા GST દરોના ફેરફારોએ ગ્રાહકોને ખરીદી માટે પ્રોત્સાહિત કર્યા. તેમજ નવરાત્રિ અને દિવાળી જેવા મુખ્ય તહેવારો એક જ મહિનામાં આવવાથી વાહનોની માંગ ચરમસીમાએ પહોંચી હતી. સાથે જ ગ્રામીણ વિસ્તારોમાં ખરીદ શક્તિમાં વધારો થતાં વાહનોના વેચાણને મોટો વેગ મળ્યો.

પેસેન્જર અને ટુ-વ્હીલર સેગમેન્ટમાં ધમાકો

ઓક્ટોબર મહિનામાં દરેક સેગમેન્ટમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો. પેસેન્જર વાહનો (PV)માં 5.57 લાખ યુનિટ્સનું રજીસ્ટ્રેશન થયું, જે નવો માસિક રેકોર્ડ છે. નાની કાર અને SUV સેગમેન્ટમાં સૌથી વધુ માંગ જોવા મળી. તેમજ ટુ-વ્હીલરમાં 31.49 લાખ યુનિટ્સના વેચાણ સાથે આ સેગમેન્ટે પણ પોતાનું સર્વાધિક સ્તર હાંસલ કર્યું છે.

ગ્રામીણ ભારતમાં સૌથી ઝડપી ગતિ

આ રિપોર્ટ્સ દર્શાવે છે કે ગ્રામીણ વિસ્તારોએ શહેરી વિસ્તારો કરતાં વધુ ઝડપે વૃદ્ધિ કરી છે. ગ્રામીણ વિસ્તારોમાં પેસેન્જર વાહનોનું વેચાણ શહેરી વિસ્તારોની તુલનામાં ત્રણ ગણું વધુ ઝડપથી વધ્યું છે. ટુ-વ્હીલરનું વેચાણ પણ શહેરોની સરખામણીએ બમણી ગતિએ વધ્યું છે. મારુતિ સુઝુકીના અધિકારીના જણાવ્યા મુજબ GST ફેરફાર પછી ટોચના 100 શહેરોમાં 50% બુકિંગ વધ્યું છે. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં આ વધારો 65% રહ્યો છે.

અન્ય સેગમેન્ટનું પ્રદર્શન

વાહનોના અન્ય સેગમેન્ટના વાત કરીએ તો કમર્શિયલ વાહનોમાં 17.7%, ટ્રેક્ટરમાં 14.2%, થ્રી-વ્હીલરમાં 5.4%ની વૃદ્ધિ જોવા મળી છે. જોકે લાંબા ચોમાસાના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં વિલંબ થવાથી કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ્સના વેચાણમાં 30% નો ઘટાડો નોંધાયો છે. FADA ના મતે GST 2.0ની અસર ગ્રામીણ બજારની સ્થિરતા અને નવા મોડેલ લોન્ચ થવાને કારણે આગામી મહિનાઓમાં પણ ઓટો રિટેલ મજબૂત રહેવાની ધારણા છે.