રેનોલ્ટ ઇન્ડિયા (Renault India)એ ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં પોતાની નવી Renault Duster Strong Hybrid E-Tech 160 લોન્ચ કરી દીધી છે. કંપની આ એસયુવી સાથે પહેલીવાર દેશમાં પોતાની દમદાર હાઇબ્રિડ ટેકનોલોજી લઈને આવી છે. નવી ડસ્ટરની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત રૂ.16.99 લાખ રાખવામાં આવી છે. રેનોલ્ટનું આ નવું મોડેલ ભારતમાં ગ્રીન મોબિલિટી અને ઇલેક્ટ્રિક-હાઇબ્રિડ વાહનોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે રજૂ કરવામાં આવ્યું છે, જે બહેતર પરફોર્મન્સ સાથે ઉત્તમ માઇલેજ પણ પૂરું પાડે છે.
વિવિધ વેરિઅન્ટ્સ અને તેની કિંમતો
આ નવી SUV ભારતીય માર્કેટમાં ત્રણ મુખ્ય વેરિઅન્ટ્સ – Evolution, Techno અને Emotion માં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વેરિઅન્ટ પ્રમાણે તેની કિંમતો પર નજર કરીએ તો:
- Evolution Strong Hybrid E-Tech 160: રૂ.16.99 લાખ
- Techno Strong Hybrid E-Tech 160: રૂ.18.99 લાખ
- Emotion Strong Hybrid E-Tech 160 (ટોપ વેરિઅન્ટ): રૂ.19.49 લાખ
એન્જિન અને પાવરફુલ હાઇબ્રિડ ટેકનોલોજી
Renault Duster Strong Hybrid E-Tech 160 માં 1.8-લીટર પેટ્રોલ એન્જિન સાથે બે ઇલેક્ટ્રિક મોટર અને 1.4 kWh નો બેટરી પેક આપવામાં આવ્યો છે. આ આખું સિસ્ટમ ભેગું થઈને 160 PS નો દમદાર પાવર જનરેટ કરે છે. આ ગાડીની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને ચાર્જ કરવા માટે કોઈ પણ પ્લગ કે ચાર્જિંગ સ્ટેશનની જરૂર પડતી નથી. પ્લગ-ઇન હાઇબ્રિડથી વિપરીત, આમાં બેટરી ચાલતી વખતે બ્રેકિંગ એનર્જી અને ડ્રાઇવિંગ દરમિયાન ઉત્પન્ન થતી ઉર્જાથી જાતે જ ચાર્જ થાય છે.
29 kmplની શાનદાર માઇલેજ અને સિટી ડ્રાઇવિંગ
કંપનીના દવાનો દાવો છે કે ARAI ટેસ્ટિંગ મુજબ આ SUV 29 kmpl ની શાનદાર માઇલેજ આપે છે. રેનોલ્ટના જણાવ્યા અનુસાર, યોગ્ય ડ્રાઇવિંગ પરિસ્થિતિઓમાં શહેરમાં લગભગ 80% સુધીની મુસાફરી માત્ર ઇલેક્ટ્રિક મોડમાં જ કરી શકાય છે, જેનાથી પેટ્રોલની ભારે બચત થાય છે. આ સિવાય, આ ટેકનોલોજી સમાન કેટેગરીની ડીઝલ કારની તુલનામાં 29% સુધી ઈંધણ બચાવી શકે છે.
ફોર્મ્યુલા 1 થી પ્રેરિત મલ્ટી-મોડ ગિયરબોક્સ
નવી ડસ્ટરમાં Formula 1 રેસિંગથી પ્રેરિત મલ્ટી-મોડ ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. આ ગિયરબોક્સમાં બે ઇલેક્ટ્રિક ગિયર અને ચાર પેટ્રોલ ગિયરનો સમાવેશ થાય છે. આ સિસ્ટમ રોડ અને ડ્રાઇવિંગ પરિસ્થિતિઓ મુજબ 15 અલગ-અલગ ડ્રાઇવિંગ કોમ્બિનેશન તૈયાર કરી શકે છે, જે ડ્રાઇવરને ઉત્કૃષ્ટ પરફોર્મન્સ અને બળતણ બચત વચ્ચે યોગ્ય સંતુલન પૂરું પાડે છે.
પ્રીમિયમ ફીચર્સ અને સ્ટાઇલિશ કેબિન
નવી Duster માં SUV નો મજબૂત લુક જાળવી રાખવામાં આવ્યો છે અને તેમાં 212 mm નો ગ્રાઉન્ડ ક્લીયરન્સ મળે છે. ફીચર્સની વાત કરીએ તો, તેમાં પેનોરેમિક સનરૂફ, પાવર્ડ ટેલગેટ, ફ્રન્ટ વેન્ટિલેટેડ સીટો, ડ્યુઅલ-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ અને 10.1-ઇંચની OpenR Link ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. તેના કેબિનને નવું પ્રીમિયમ લુક આપવામાં આવ્યું છે, જેમાં ટોપ વેરિઅન્ટ (Emotion) માં ડ્યુન બ્રાઉન લેધરેટ ફિનિશ જોવા મળે છે.
ડીઝલ SUV નો શ્રેષ્ઠ વિકલ્પ
રેનોલ્ટ આ SUV ને રૂ.17 લાખથી રૂ.20 લાખના બજેટમાં ડીઝલ SUV ખરીદવાનું વિચારતા ગ્રાહકો માટે એક શક્તિશાળી વિકલ્પ તરીકે રજૂ કરી રહી છે. 160 PS પાવર, 29 kmpl માઇલેજ અને બહારથી ચાર્જ કરવાની ઝંઝટ વગરની હાઇબ્રિડ ટેકનોલોજી સાથે આ કાર પેટ્રોલ અને સંપૂર્ણ ઇલેક્ટ્રિક વાહનો વચ્ચે એક બહેતર મધ્યમ માર્ગ પૂરો પાડે છે.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો